અભિનેતા-લેખક પીયૂષ મિશ્રાની કારકિર્દી સંપૂર્ણપણે અલગ હોત જો તેમણે ફિલ્મમાં મૈંને પ્યાર કિયામાં સલમાન ખાનની જગ્યાએ અભિનય કર્યો હોત. આ એ જ ફિલ્મ છે જેણે બોલીવૂડના દબંગ સલમાન ખાનને સ્ટાર બનાવ્યો હતો. 1989ની રોમેન્ટિક મ્યુઝિકલ ડ્રામાથી ફિલ્મ નિર્માતા સૂરજ બડજાત્યાની કારકિર્દીની શરૂઆત થઈ હતી.
તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં પીયૂષ મિશ્રાએ ખુલાસો કર્યો હતો કે સલમાન પહેલાં તેમને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે કોઈ કારણસર ના પાડી અને બાદમાં સલમાન ખાનને આ ફિલ્મમાં કાસ્ટ કરવામાં આવ્યો હતો.
પોતાની વાતનો દોર આગળ વધારતા મિશ્રાએ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ હતો પણ એના પછી જે કંઈ બન્યું એનો મને કોઈ અફસોસ નથી. જ્યારે હું NSDના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો ત્યારે મારા ડિરેક્ટરે મને તેના રૂમમાં બોલાવ્યો. હું એ સમયે એકદમ હેન્ડસમ હતો. મારી પાસે જર્મન જડબા અને રોમન નાક હતું.
જ્યારે હું ચેમ્બરમાં અંદર ગયો ત્યારે હું એક વ્યક્તિને મળ્યો જે એક મોટા ડિરેક્ટર હતા, હું તેમનું નામ નહીં લઉં, અને તે તેના પુત્રને ડિરેક્ટર તરીકે લોન્ચ કરી રહ્યા હતા. તેમણે મને કહ્યું હતું કે તેઓ ‘મૈંને પ્યાર કિયા’ નામની ફિલ્મ બનાવી રહ્યા છે, તેઓએ ફીમેલ લીડ શોર્ટલિસ્ટ કરી લીધી છે અને હવે તેઓ મેલ લીડને શોધવા માટે NSD આવ્યા છે.
આ દરમિયાન પીયૂષ મિશ્રાએ ખુલાસો કર્યો કે બડજાત્યાઓએ તેમને નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા સાથે કામ પૂરું થતાંની સાથે જ તેમની મુંબઈ ઑફિસમાં આવવા કહ્યું, તેમ છતાં સ્કૂલના ડિરેક્ટરે તેમને ફિલ્મમાં અભિનય કરવાની તક આપવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ નસીબ અને મિશ્રાની બીજી જ યોજનાઓ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે સલમાન ખાન અને ભાગ્યશ્રી સ્ટારર ફિલ્મ ‘મૈંને પ્યાર કિયા’ બ્લોકબસ્ટર રહી હતી. આ ફિલ્મ પછી જ સૂરજ બડજાત્યાએ સલમાન ખાન સાથે મળીને હમ આપકે હૈ કૌન..!, હમ સાથ સાથ હૈ અને પ્રેમ રતન ધન પાયો જેવી યાદગાર સુપર હિટ ફિલ્મો બનાવી હતી.