મુંબઈ/મડગાંવ: મુંબઈથી ગોવા જતી વંદે ભારત એક્સપ્રેસે સાત કલાકમાં તેની ટ્રાયલ રન સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. મુંબઈથી ગોવા જતી વંદે ભારત એક્સપ્રેસ (મુંબઈથી ગોવા વંદે ભારત)ની ટ્રાયલ રન ગઈકાલે કરવામાં આવી હતી. આ ટ્રેન સવારે 5.50 વાગ્યે મુંબઈથી નીકળી હતી અને માત્ર સાત કલાકમાં અંતર કાપીને 12.50 વાગ્યે ગોવાના મડગાંવ પહોંચી હતી, જે વાસ્તવમાં રેકોર્ડ છે. જોકે, ટ્રાયલ રન દરમિયાન આ વંદે ભારત એક્સપ્રેસ વચ્ચે ક્યાંય હોલ્ટ આપ્યો નહોતો, પરંતુ નવી અને આધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ઝડપ કલાકના 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ છે.
વંદે ભારત એક્સપ્રેસ એ ભારતીય રેલવે દ્વારા સંચાલિત ઇલેક્ટ્રિક મલ્ટિ-યુનિટ ટ્રેન છે. હાલમાં, મુંબઈમાંથી ત્રણ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મુંબઈ અને અમદાવાદ, મુંબઈ અને સોલાપુર અને મુંબઈ અને શિરડી વચ્ચે દોડાવવામાં આવે છે. આ અંગે અધિકારીએ કહ્યું હતું કે મુંબઈથી અમદાવાદ-ગાંધીનગરની વચ્ચે વંદે ભારત દોડાવાય છે, જે લોકપ્રિય બની છે, જ્યારે આગામી દિવસોમાં મુંબઈથી ગોવા વચ્ચેની વંદે ભારત પણ લોકપ્રિય બનશે, કારણ કે તેનું મુખ્ય કારણ હશે સ્પીડ.
મધ્ય રેલવેમાં છત્રપિત શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી)થી મડગાંવની વચ્ચે તેજસ એક્સપ્રેસ 8.50 કલાકનો સમય લે છે, જ્યારે સુપરફાસ્ટ કોંકણકન્યા એક્સપ્રેસ પણ 10.50 કલાક અને જનશતાબ્દી એક્સપ્રેસ નવ કલાક, માંડવી એક્સપ્રેસ 12 કલાક લે છે, પરંતુ જો આ રુટમાં વંદે ભારત એક્સપ્રેસ ચાલુ થઈ તો સાત કલાકમાં મુંબઈથી ગોવા પહોંચી શકાશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.
હાલમાં મુંબઈ અને ગોવા રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડાવાય છે, પરંતુ તેની સ્પીડ મર્યાદિત છે. દેશના સૌથી લોકપ્રિય રુટમાં મુંબઈથી ગોવા પણ મોખરે છે, કારણ કે આખા વર્ષ દરમિયાન અહીં ભારે ભીડ રહે છે. મુંબઈ-ગોવા વંદે ભારત ભારતની આર્થિક રાજધાનીથી દોડનારી ચોથી સેમી-હાઈ-સ્પીડ ટ્રેન હશે. હાલમાં મુંબઈથી ત્રણ વંદે ભારત ટ્રેન દોડી રહી છે. તેમાં મુંબઈ સેન્ટ્રલ – અમદાવાદ – ગાંધીનગર રાજધાની, મુંબઈ – સાઈનગર શિરડી અને મુંબઈ – સોલાપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોનો સમાવેશ થાય છે.
વંદે ભારત દેશની લક્ઝરી સુવિધાઓથી સજ્જ ટ્રેન છે. આ ટ્રેનમાં સ્વ-ખુલતા દરવાજા, ઓનબોર્ડ વાઇ-ફાઇ, જીપીએસ-આધારિત પેસેન્જર ઇન્ફર્મેશન સિસ્ટમ, બાયો-વેક્યૂમ ટોઇલેટ અને ઉન્નત આરામ માટે બહેતર બેઠક વ્યવસ્થા સાથે એર-સ્વીપિંગ ડિઝાઇન કોચ છે. ટ્રેનમાં આવી બ્રેકિંગ સિસ્ટમ પણ છે, જે 30 ટકા જેટલી ઉર્જા બચાવી શકે છે. ટ્રેનમાં એક્ઝિક્યુટિવ ક્લાસ કોચ છે. જેમાં રિવોલ્વિંગ ચેર છે, જે 180 ડિગ્રી સુધી ફરી શકે છે. ભારતીય રેલવે 2023ના અંત સુધીમાં દેશભરમાં મુખ્ય માર્ગો પર 75 વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના પર કામ કરી રહી છે, એવું અધિકારીએ જણાવ્યું હતું.