આ વર્ષે ચારધામ યાત્રા શરૂ થઈ છે ત્યારથી જ કોઈને કોઈ મુસીબત આવી જ રહી છે. ઉત્તરાખંડમાં સતત વરસાદ અને હિમવર્ષાને કારણે યાત્રામાં વિઘ્નો આવી રહ્યા છે. બીજી બાજું ઉત્તરાખંડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા આપવામાં આવી રહેલી માહિતી અનુસાર અત્યાર સુધીમાં આ ચારધામ યાત્રામાં 21 શ્રદ્ધાળુઓનો ભોગ લેવાયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે 474622 શ્રદ્ધાળુઓએ ચારધામની યાત્રા કરી હતી અને એમાંથી છઠ્ઠી મેના 38523 લોકોએ ચારેયધામના દર્શન કરી લીધા હતા. ઉત્તરાખંડ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવી રહેલી માહિતી અનુસાર આ સિઝનમાં અત્યાર સુધીમાં 21 યાત્રાળુઓના નિધન થયા હતા. જેમાં કેદારનાથમાં 8, યમનોત્રી જાનકી ચટ્ટીમાં 6 જણના, બદરીનાથમાં 4 અને ગંગોત્રીમાં 3ના મોત થયા હતા.
ઉત્તરાખંડમાં યાત્રા શરૂ થતાં જ કુદરતી આપદાએ યાત્રાળુઓની મુશ્કેલીમાં વધારો કરવાનું કામ કર્યું છે. ક્યારે હિમવર્ષા તો ક્યારે ખરાબ હવામાન તો વળી ક્યારે લેન્ડ સ્લાઈડના કારણે યાત્રા રોકવામાં આવી હતી. એપ્રિલના છેલ્લાં અઠવાડિયાથી વાતાવરણ ખૂબ જ ખરાબ છે. પ્રશાસને યાત્રા પર આવનારા શ્રદ્ધાળુઓને તકેદારી રાખવાની ભલામણ પણ કરવામાં આવી છે.