(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં નકલી નોટો ઘૂસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થતા હડકંપ મચી ગયો છે. રાજકોટ પંથકમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમાં કરાવી જે તે સ્થળેથી અસલી નોટ મેળવતા હોવાનું ખૂલ્યું હતું. અત્યાર સુધી ૧૦થી ૧૨ પેઢી મારફતે અંદાજીત ૩૫ લાખ ઘૂસાડવામાં આવ્યા છે. પોલીસે કુલ ૫૧૩ નકલી ચલણી નોટ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
રાજકોટ એ-ડિવિઝન અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. જેમાં આંગડિયા પેઢીમાં નકલી નોટ જમા કરવામાં આવતી હતી. પેઢીમાં નકલી નોટ જમા કરાવ્યા બાદ જે તે સ્થળે અસલી નોટ મેળવતા હતા. પ્રાથમિક તપાસમાં ૧૦થી ૧૨ પેઢી મારફતે અંદાજીત ૩૫ લાખ ઘૂસાડ્યાની માહિતી સામે આવતા હડકંપ મચી ગયો છે. પોલીસને આ સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા પણ સેવાઇ રહી છે. આંગડિયા પેઢી દ્વારા નકલી નોટો જમા કરાવી અન્ય જગ્યાએથી અસલી નોટો મેળવી લેવાના કૌભાંડમાં પોલીસ દ્વારા કિશોર બોરીચા, તેજસ જસાણી, વિમલ થડેશ્ર્વર, ગુરુપ્રીત સિંગ, ઘનશ્યામદાસ કારવાણી તેમજ મયુર થડેશ્ર્વર નામના વ્યક્તિઓની ધરપકડ કરી હતી. બીજી બીજુ મુખ્ય સૂત્રધાર મનાતા કમલેશ પુનાવાલાને સ્થાનિક પોલીસે પોતાના સકંજામાં લીધો હોવાનું જાણવા મળે છે.
દરમિયાન આરોપીઓએ રાજકોટ સ્થિત આંગડિયા પેઢીમાં ૧૯૩ નકલી ચલણી નોટ જમા કરાવી હતી. જ્યારે બીજી એક આંગડિયા પેઢીમાં ૨૮૯ નકલી ચલણી નોટ જમા કરાવી હતી. જે બંને જગ્યાએથી પોલીસે કુલ ૫૧૩ નકલી ચલણી નોટ કબજે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.