અમદાવાદ:ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સ્ટીવ સ્મિથ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટમાં કેપ્ટનશિપ કરી શકે છે. નિયમિત કેપ્ટન પેટ કમિન્સ તેની બીમાર માતાની સંભાળ લેવા માટે દિલ્હીમાં બીજી ટેસ્ટ પછી ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો, તે હજુ પણ સિડનીમાં છે. ત્રીજી ટેસ્ટમાં સ્મિથે કેરટેકર કેપ્ટનની ભૂમિકા ભજવી હતી. ઈન્દોરમાં ભારતને ઓસ્ટ્રેલિયાએ ત્રીજા દિવસે નવ વિકેટે હરાવ્યું હતું. ઈન્દોરમાં જીત સાથે ઓસ્ટ્રેલિયાએ જૂનમાં ઓવલ ખાતે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે પણ ક્વોલિફાય કર્યું છે.
કોચ એન્ડ્રુ મેકડોનાલ્ડે કહ્યું હતું કે કમિન્સ ઓસ્ટ્રેલિયામાં જ છે પરંતુ ખેલાડીઓના સંપર્કમાં છે. તેમણે કહ્યું કે અમે મુશ્કેલ સમયમાં અમારા ખેલાડીઓ અને તેમના પરિવાર સાથે છીએ. અમે તેના સંપર્કમાં છીએ અને ટેસ્ટ મેચને હજુ થોડા દિવસો બાકી છે.
આ ચાર મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ બાદ જ પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો હતો. તે ઈન્દોર ટેસ્ટમાં પણ ઉપલબ્ધ થઈ શક્યો નહોતો. આવી સ્થિતિમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્ટીવ સ્મિથને કેપ્ટન્સી સોંપી હતી.
પેટ કમિન્સની ગેરહાજરીમાં સ્મિથે ખૂબ જ આક્રમક રીતે ભારત સામે કેપ્ટનશિપ સંભાળી અને ઈન્દોર ટેસ્ટમાં પોતાની ટીમને જીત અપાવીને શ્રેણીમાં જોરદાર વાપસી કરી હતી.