આજે તો આપણી આસપાસની દરેક વ્યક્તિના હાથમાં સ્માર્ટફોન જોવા મળે છે અને ટેક્નોલોજી જે રીતે દિવસે દિવસે પ્રગતિ કરી રહી છે એ જોતા એવો સવાલ ચોક્કસ જ થાય કે આવનારા સમયમાં સ્માર્ટફોન કેવા હશે? જોકે આ સવાલનો ચોક્કસ અંદાજો લગાવવો કે કોઈ કલ્પના કરવી એ જરા અઘરી છે. પરંતુ ટેક્નોલોજી ક્ષેત્રે થયેલી ક્રાંતિને જોતા કદાચ ભવિષ્યમાં સ્માર્ટફોનની જરુરિયાત જ ખતમ થઈ જાય એવી શક્યતા પણ છે અને શક્ય છે કે આપણે સ્માર્ટ ફોનને બદલે બીજું કોઈ ગેજેટ્સ કે ઉપકરણ ઉપયોગમાં લેતા થઈ જઈએ.
આ શક્યતાને નકારી શકાય એમ નથી, કારણ કે નિષ્ણાતો પણ આવી શક્યતા વ્યક્ત કરી ચૂક્યા છે અને કદાચ આ દિશામાં કામ પણ ચાલુ થઈ ગયું છે. ગયા વર્ષે નોકિયાના સીઈઓ પિકા લેન્ડમાર્કે આ દિશામાં ઈશારો આપતા જણાવ્યું હતું કે 6G આવતા આવતા કદાચ સ્માર્ટફોન જ ખતમ થઈ જશે.
એમણે કહ્યું હતું કે 6G આવતા આવતા કદાચ સ્માર્ટફોન એક કોમન ઈન્ટરફેસ ના રહે અને આપણે એની જગ્યાએ બીજી કોઈ ટેક્નોલોજી વાપરતા થઈ જઈએ. તો આ ક્ષેત્રે શું શું શક્યતા છે એનો વિચાર કરતાં એક વિચાર એવો પણ વ્યક્ત કરાઈ રહ્યો છે કે કદાચ આપણા શરીરમાં જ સિમકાર્ડ અને ચીપ ફિટ કરવામાં આવે.
આ સિવાય માઈક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સનું પણ આવું જ કંઈક માનવું છે. તેમણે એવી શક્યતા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં સ્માર્ટફોનની જગ્યા ઈલેક્ટ્રોનિક ટેટુ લઈ શકે છે. એલન મસ્કની કંપની પણ બ્રેન ચિપ્સ પર કામ કરી રહી છે આ ચીપ જો સક્સેસફૂલ રહી તો કદાચ આવનારા સમયમાં આપણા વિચારવા માત્રથી કામો થઈ જશે. આ માટે આપણે આખો દિવસ ફોન લઈને ના ફરવું પડે, આપણે વિચાર કરીએ અને સામેવાળા યુઝરને તાત્કાલિક આપણો મેસેજ પહોંચી જાય, એવું પણ બની શકે છે.