Homeમેટિનીછોટા પેકેટ બડા ધમાકા

છોટા પેકેટ બડા ધમાકા

ઓછા બજેટમાં બનેલી ફિલ્મે કરી અધધ કમાણી

કવર સ્ટોરી -રશ્મિ ત્રિવેદી

એક બાજુ બોલીવૂડમાં સાવ જ ઓછા બજેટમાં બનેલી અને માત્ર હિરોઈન સિવાય કોઈ જ જાણીતો ચહેરો ન ધરાવનારી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ ધૂમ કમાણી કરી રહી છે અને તેણે માત્ર ૧૦ જ દિવસમાં રૂા. ૧૩૫ કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મમાં અદા શર્મા એ જ એક જાણીતો ચહેરો છે. બાકી યોગિતા બિહાની, સોનિયા બાલાની અને સિદ્ધિ ઈધાની સાવ નવા જ છે, પણ આ ફિલ્મ અત્યારે બોક્સ ઑફિસ પર ધૂમ મચાવી રહી છે.
બીજી તરફ સલમાન ખાનની ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ છે. જેમાં અનેક કલાકારો ભર્યાં છે. એ ફિલ્મ રૂા. ૧૦૦ કરોડ કરતાં વધુ બજેટમાં બની છે, પણ એટલી કમાણી કરતાં પણ ફિલ્મ હાંફી ગઈ છે. છેલ્લાં ઘણા સમયથી બોલીવૂડમાં ‘બિગ બજેટ’ ફિલ્મોનો ફિયાસ્કો જ થાય છે.
‘ધ કેરાલા સ્ટોરી’ માત્ર રૂા. ૧૫ થી ૨૦ કરોડના બજેટમાં બની છે અને એ ફિલ્મ રજૂ થયાને માત્ર ૧૦ દિવસ જ થયા છે, પણ તેની આગેકૂચ સતત જારી છે. આપણે બોલીવૂડમાં ઓછા બજેટમાં બનેલી ફિલ્મે કરેલી બંપર કમાણીની વાત કરવાના છીએ. આમાં સૌથી પહેલું નામ ‘ધ કાશ્મીર ફાઈલ્સ’નું આવી શકે.
ધ કાશ્મીર ફાઈલ્સ: વિવેક અગ્નિહોત્રી નિર્મિત – દિગ્દર્શિત, મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શનકુમાર અને પલ્લવી જોશી અભિનિત આ ફિલ્મ માત્ર રૂા. ૧૫ થી ૨૦ કરોડમાં બની હતી. ફિલ્મમાં કાશ્મીરી પંડિતોની વાત વણી લેવામાં આવી હતી. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર કુલ રૂા. ૩૪૦.૯૨ કરોડની કમાણી કરીને બધાને ચોંકાવી દીધા હતા.
ઉરી-ધ સર્જિકલ સ્ટ્રાઈક: આદિત્ય ધર દિગ્દર્શિત આ ફિલ્મથી વિકી કૌશલની ગણના એક અભિનેતા તરીકે થવા લાગી હતી. ૨૦૧૯માં આવેલી આ ફિલ્મ માત્ર રૂા. ૨૫ કરોડમાં બની હતી, પણ આ ફિલ્મે બોક્સ ઑફિસ પર રૂા. ૩૫૯.૭૩ કરોડની કમાણી કરી હતી. ૨૦૧૮માં કાશ્મીરના ઉરીમાં થયેલા ત્રાસવાદી હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરી હતી, તેવા વિષય સાથેની આ દેશભક્તિની ફિલ્મે બોક્સ ઑફિસ છલકાવી દીધી હતી. ફિલ્મમાં વિકી કૌશલ, પરેશ રાવળ, યામી ગૌતમ, મોહિત રૈના, કિર્તી કુલ્હારી, રજીત કપૂર જેવા કલાકારો હતા.
બદલા: ૨૦૧૯માં જ આવેલી અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ અભિનિત ફિલ્મ ‘બદલા’ માત્ર રૂા. ૩૭ કરોડના ખર્ચે બની હતી. આ એક થ્રીલર ફિલ્મ હતી, જેના દિગ્દર્શક સુજોય ઘોષ હતા. આ ફિલ્મે રૂા. ૧૩૮ કરોડની કમાણી કરીને બધા જ ચોંકાવ્યા હતા. ફિલ્મના નિર્માતા તરીકે શાહરુખ ખાનની કંપની રેડ ચિલીઝનું નામ હતું.
અંધાધૂન: આયુષ્યમાન ખુરાના, તબુ, રાધિકા આપટે અભિનિત અને શ્રીરામ રાઘવન દિગ્દર્શિત આ ફિલ્મ એક બ્લેક કોમેડી – ક્રાઈમ થ્રીલર ફિલ્મ હતી. આ ફિલ્મ રૂા. ૩૨ કરોડને ખર્ચે બની હતી અને ફિલ્મે રૂા. ૪૫૬.૩૯ કરોડની કમાણી કરી હતી. ૨૦૧૮ના ઑક્ટોબર મહિનામાં રજૂ થયેલી આયુષ્યમાન ખુરાનાની આ સૌથી સફળ ફિલ્મ ગણાય છે.
સ્ત્રી: અમર કૌશિક દિગ્દર્શિત આ ફિલ્મ ૩૦મી ઑગસ્ટ ૨૦૧૮ના રજૂ થઈ હતી. આ એક કોમેડી – હોરર ફિલ્મ હતી. જેમાં રાજકુમાર રાવ, શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપાર શક્તિ ખુરાના અને અભિષેક બેનરજી જેવા કલાકારો હતા. આ ફિલ્મ રૂા. ૧૪ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે તેના બજેટ કરતા ૧૦ ગણી કરતાંય વધુ કમાણી એટલે કે રૂા. ૧૮૦.૭૬ કરોડની કમાણી કરી હતી.
હિન્દી મીડિયમ: ૨૦૧૭માં આવેલી સાકેત ચૌધરી દિગ્દર્શિત આ ફિલ્મ રજૂ થઈ ત્યારે તેની શરૂઆત ખૂબ જ ધીમી હતી. રૂા. ૧૪ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં ઈરફાન ખાન, સબા કરીમ, અમૃતા સિંહ, દિશીતા સહગલ, નેહા ધૂપિયા જેવા કલાકારો હતાં. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર કુલ રૂા. ૩૨૨.૪ કરોડની કમાણી કરી હતી.
સિક્રેટ સુપરસ્ટાર: અદ્વૈત ચંદન દિગ્દર્શિત ફિલ્મના નિર્માતા આમિર ખાન અને કિરણ રાવ હતા. માત્ર ને માત્ર રૂા. ૧૫ કરોડને ખર્ચે (આમાં આમિર ખાનની ‘ફી’નો સમાવેશ નહોતો કેમકે નિર્માતા તે પોતે જ હતો) ફિલ્મમાં આમિર ખાન સિવાય કોઈ જ જાણીતો ચહેરો નહોતો છતાં આ ફિલ્મે રૂા. ૯૬૫ કરોડની કમાણી કરી હતી. ફિલ્મમાં આમિર ખાનની સાથે ઝાયરા વસીમ, મેહેર વીજ,
રાજ અરુણ જેવા કલાકારો હતા.
પિંક: ૧૬મી સપ્ટેમ્બર, ૨૦૧૬ના રિલીઝ થયેલી આ ફિલ્મ એક કોર્ટરૂમ ડ્રામાની સાથે જ થ્રીલર ફિલ્મ હતી. અમિતાભ બચ્ચન, તાપસી પન્નુ, કિર્તી કુલ્હારી, એન્દ્રીયા તરિયાંગ અભિનિતિ આ ફિલ્મનાં દિગ્દર્શક અનિરુદ્ધ રોય ચૌધરી હતા.
આ ફિલ્મ માત્ર રૂા. ૩૦ કરોડના બજેટમાં બની હતી અને તેની કુલ કમાણી રૂા. ૧૫૭.૩૨ કરોડ થઈ હતી.
તનુ વેડ્સ મનુ: ૨૫મી ફેબ્રુઆરી, ૨૦૧૧ના રિલીઝ થયેલી આ ફિલ્મને બોક્સ ઑફિસ પર ભરપૂર સફળતા મળી હતી. કંગના રનૌત, આર. માધવન, જિમી શેરગીલ, સ્વરા ભાસ્કર, ઈજાઝ ખાન અભિનિત આ ફિલ્મ આનંદ એલ. રાયે દિગ્દર્શિત કરી હતી. રૂા. ૧૭ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે રૂા. ૫૬ કરોડની કમાણી કરી હતી. તેની સફળતાથી પ્રેરાઈને આનંદ એલ. રાયે તેનો બીજો ભાગ પણ બનાવ્યો હતો.
તનુ વેડ્સ મનુ રિટર્ન્સ: ફિલ્મના બીજા ભાગને પહેલાં ભાગ કરતાં પણ વધુ સફળતા મળી હતી. કંગના રનૌત, આર. માધવન સહિતના બધા જ કલાકાર આ બીજા ભાગમાં પણ લેવામાં આવ્યા હતા. આનંદ એલ. રાયના દિગ્દર્શન હેઠળ જ બનેલી આ ફિલ્મ રૂા. ૩૯ કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે બોક્સ ઑફિસ પર કુલ રૂા. ૨૫૫.૩૦ કરોડની કમાણી કરી હતી.
એક વિલન: એકતા કપૂર – શોભા કપૂર નિર્મિત ફિલ્મના દિગ્દર્શક મોહિત સૂરી હતા. સિદ્ધાર્થ મલહોત્રા, શ્રદ્ધા કપૂર, આમના શરીફ, પ્રાચી દેસાઈ અને રિતેશ દેશમુખ અભિનિત આ ફિલ્મ રૂા. ૩૯ કરોડમાં બનાવવામાં આવી હતી અને આ ફિલ્મે બોકસ ઑફિસ પર રૂા. ૧૬૯.૬૨ કરોડની કમાણી કરી હતી. આ એક એકશન થ્રીલર ફિલ્મ હતી, જેમાં રિતેશ દેશમુખે વિલનની ભૂમિકા ભજવી હતી.
આશિકી-ટુ: ’૯૦ના દાયકામાં મહેશ ભટ્ટની ફિલ્મ આવી હતી ‘આશિકી’. ફિલ્મમાં રાહુલ રોય, અનુ અગરવાલ અને દિપક તિજોરીની મુખ્ય ભૂમિકા હતી. ફિલ્મના સંગીતકાર નદીમ – શ્રવણ હતા અને ફિલ્મનાં ગીતો ખૂબ જ લોકપ્રિય થયા હતા. તેના પગલે ફિલ્મ પણ ‘બ્લોક બસ્ટર’ સાબિત થઈ હતી. જોકે, તે સમયે સફળતાનો માપદંડ ફિલ્મે કેટલી કમાણી કરી એ નહોતો. લગભગ ૨૩ વર્ષ પછી મહેશ ભટ્ટ અને મોહિત સૂરીએ ભેગા થઈને તેની સિકવલ ‘આશિકી-ટુ’ બનાવી હતી, તો એ ફિલ્મને પણ જબરદસ્ત સફળતા મળી હતી. ફિલ્મમાં આદિત્ય રોય કપૂર, શ્રદ્ધા કપૂર, મહેશ ઠાકુર જેવા કલાકારો હતા. આ ફિલ્મ રૂા. ૧૮ કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી અને ફિલ્મે રૂા. ૧૦૯ કરોડની કમાણી કરી હતી.
કહાની: સુજોય ઘોષ અને પેન ઈન્ડિયા દ્વારા નિર્મિત અને સુજોય ઘોષ દ્વારા દિગ્દર્શિત આ થ્રીલર ફિલ્મના મુખ્ય કલાકાર વિદ્યા બાલન, પરમબ્રત ચેટર્જી, ઈન્દ્રનીલ સેનગુપ્તા, નવાઝુદ્દીન સિદ્દીકી હતા. ફિલ્મ માત્ર રૂા. આઠ કરોડમાં બની હતી અને રૂા. ૧૦૪ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ ૨૦૧૨માં રિલીઝ થઈ હતી.
વિકી ડોનર: માત્ર રૂા. ૧૫ કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મમાં ‘સ્પર્મ ડોનેશન’ની વાત ખૂબ જ હળવાં દૃશ્યો એટલે કે કોમેડી સાથે કહેવામાં આવી હતી. સુજીત સરકાર દિગ્દર્શિત આ ફિલ્મનો નિર્માતા જહોન અબ્રાહમ હતો. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના, યામી ગૌતમ, અન્નુ કપૂર જેવા કલાકારો હતાં. ૨૦મી એપ્રિલ, ૨૦૧૨ના રજૂ થયેલી આ ફિલ્મે રૂા. ૬૮.૩૨ કરોડની કમાણી કરી બોક્સ ઑફિસ ગજાવી હતી.
નો વન કિલ્ડ જેસિકા: રાજકુમાર ગુપ્તા દિગ્દર્શિત ફિલ્મમાં રાણી મુખરજી, વિદ્યા બાલન જેવા કલાકારો હતા. રૂ. નવ કરોડને ખર્ચ બનેલી આ ફિલ્મે બોક્સ ઑફિસ પર રૂા. ૪૫.૭૨ કરોડની કમાણી કરી હતી. આ એક મર્ડર મિસ્ટ્રી ફિલ્મ હતી, જે ૨૦૧૧માં રજૂ થઈ હતી.
રાઝી: આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જયદીપ અહલાવત, રજીત કપૂર, સોની રાઝદાન અભિનિત આ ફિલ્મ ૨૦૧૮માં રજૂ થઈ હતી. કરણ જોહર નિર્મિત આ ફિલ્મની દિગ્દર્શિકા મેઘના ગુલઝાર હતી. લગભગ રૂા. ૩૫ થી ૪૦ કરોડમાં બનેલી આ ફિલ્મે રૂા. ૧૯૭ કરોડની કુલ કમાણી કરી હતી.
અ વેનસડે: નીરજ પાંડે દિગ્દર્શિત ફિલ્મ માત્ર રૂા. ત્રણ કરોડના બજેટમાં બની હતી, પણ આ ફિલ્મે રૂા. ૧૨ કરોડ કરતાં વધુ કમાણી કરી હતી. ફિલ્મમાં નસીરુદ્દીન શાહ, અનુપમ ખેર, જિમી શેરગીલ, દિપાલી શૉ અને આમિર બશીર જેવા કલાકારો હતા. આ એક અલગ જ પ્રકારની થ્રીલર ફિલ્મ હતી.
બધાઈ હો: નાના બજેટની ફિલ્મની ભવ્ય સફળતાની વાત થતી હોય ત્યારે આ ફિલ્મનો ઉલ્લેખ ન થાય તો એ લેખ અધૂરો જ ગણાય. ૧૮મી ઑક્ટોબર, ૨૦૧૮ના રજૂ થયેલી આ ફિલ્મથી નીના ગુપ્તા અને ગજરાજ રાવની કારકિર્દીને જબરદસ્ત ફાયદો થયો હતો. ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના પણ હતો, પણ આ ફિલ્મ નીના ગુપ્તા, ગજરાજ રાવ અને સુરેખા સિક્રીની હતી એમ કહી શકાય. અમિત રવીન્દ્રનાથ શર્મા દિગ્દર્શિત આ ફિલ્મ રૂા. ૨૯ કરોડના બજેટમાં બની હતી અને ફિલ્મે રૂા. ૨૨૧.૪૪ કરોડની કુલ કમાણી કરી હતી. આ એક કોમેડી ફિલ્મ હતી.
મોટેભાગે એવું જોવામાં આવ્યું છે કે લોકોને સ્પર્શતા વિષયો પર બનતી ફિલ્મ ઓછા બજેટમાં બની હોય તો પણ બોક્સ ઑફિસ પર તે ધમ્માલ મચાવે છે. ‘ધ કેરાલા સ્ટોરી’ અને ‘કાશ્મીર ફાઈલ્સ’ એના સૌથી સારા ઉદાહરણ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -