કેન્વાસ -અભિમન્યુ મોદી
બીજા વિશ્ર્વયુદ્ધ ઉપર બનેલી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક એવી કલ્ટ ક્લાસિક ‘ઇન્ગલોરીયસ બાસ્ટર્ડસ’નો એક ફાડું સીન છે. જર્મન મિલિટરીનો યુનિફોર્મ પહેરેલો અમેરિકન જસુસ કમ સોલ્જર એક જર્મન કેફેમાં બેઠો છે. ધાણીફૂટ જર્મન ભાષા બોલે છે. જર્મન શૈલી મુજબ ડ્રિંક પીવે છે, કાર્ડસ રમે છે, હસી-મજાક કરે છે. તે કેફેમાં હાજર એક અસલ જર્મન અફસરને પણ આ નકલી જર્મન અફસરમાં રસ પડ્યો અને તેની સાથે વાતો કરી, એક ગેમ પણ રમી.
થોડીવાર પછી બધાએ એકબીજાને ગોળીઓ મારીને હત્યા કરી નાખી કારણ કે જર્મન ઓફિસર સમજી ગયો હતો કે તેની સામે બેઠેલો માણસ જર્મન નથી પણ અમેરિકન છે. જર્મન ભાષા બોલતો અને જર્મન મિલિટરીનો યુનિફોર્મ પહેરીને તે માણસ હેઇલ હિટલરની સેલ્યુટ કરતો હોવા છતાં તેનો ભાંડો કેમ ફૂટી ગયો? કારણ કે તેણે ત્રણ ગ્લાસ ડ્રિન્કનો ઓર્ડર કરેલો. ત્રણ ગ્લાસ ઓર્ડર કરતી વખતે તેણે ત્રણ આંગળી વેઇટરને બતાવી હતી.
જર્મન શૈલી મુજબ ત્રણનો ઈશારો ત્રણ આંગળીથી નહીં પણ એક અંગુઠો અને તેની બાજુની બે આંગળીથી કરવામાં આવે. આ એક જ નાનીશી ભૂલે તેનો જાન લઈ લીધો.
યુનિફોર્મ એ માનવજાતનો દંભ છે. સમાનતા સ્થાપવાની માણસોની જે અમુક નક્કામી કોશિશો છે એમ યુનિફોર્મ આવે. યુનિફોર્મ તમારી અસલિયતને થોડી વાર માટે ઢાંકી શકે. તમારું મોઢું ખૂલે એટલે બીજી જ સેક્ધડે તમે જેવા છો એવા દેખાઈ આવો. યુનિફોર્મનો રોલ એ જ સેક્ધડે ખતમ થઈ જાય જે ક્ષણે તમે કંઇક ઉચ્ચારો કે તમારું કામ કરવાનું શરૂ કરો. યુનિફોર્મનો પ્રભાવ પડતો હોત તો સાબુ-રમકડાં વેચનારા કેટલાય સેલ્સમેનોનો વકરો ખૂબ સારો થતો હોત. યુનિફોર્મ એક અંચળો છે, પરાણે પહેરાવાયેલું માસ્ક છે, થોપી દેવાયેલી જવાબદારીનો બોજ છે અને સૂક્ષ્મ રીતે જોઈએ તો મજબૂરીનું પ્રતીક છે.
યુનિફોર્મ સમાજરચનાના અમુક અનિવાર્ય સેમી-દૂષણોમાનું એક છે અને તેના તરફાદારો વર્ષોથી યુનિફોર્મની ભેર તાણવા માટે સમાનતા, ભેદભાવનો હ્રાસ, એકતા, સંસ્થા માટે સમર્પણભાવના વગેરે પાઠયપુસ્તકિયા મુદ્દાઓ રજૂ કર્યા કરે છે. જે સાચા હશે પણ સંપૂર્ણ સોલિડ નથી ને હવે વેલીડ પણ નથી લાગતા. ઔદ્યોગિક ક્રાંતિ પછી વધુ ફેલાયેલા યુનિફોર્મના ચલણે ફાયદાઓ આપ્યા હશે પરંતુ નુકસાન પણ અગણિત આપ્યું છે.
માનવસમાજમાં યુનિફોર્મ ફરજિયાત અંગ બન્યો લશ્કરને કારણે. તેમાં યુનિફોર્મ જોઈએ. નેપોલિયનના લશ્કરમાં કોઈ બ્રિટિશ બંદો ઘૂસી ન જાય એનું ધ્યાન નેપોલિયનના લશ્કરના કમાન્ડરે રાખવું પડે. પણ એમાં લોચો પણ એ થતો કે દુશ્મન આપણા જેવો જ યુનિફોર્મ પહેરીને અંદર ઘૂસી જાય. પરંતુ તેની સામે મોટી ચેલેન્જ એ હતી કે પોતાના લશ્કરના સૈનિકોને તો યુદ્ધ દરમીયાન એ ખ્યાલ હોવો જોઈએ કે તે પોતાના જ સાથીને ભાલો નથી મારી દેતો ને? માટે યુનિફોર્મ અનિવાર્ય બન્યા. તેની સાથે સાથે માણસને એ પણ ભાન થયું કે ગણવેશ આખા જૂથ-સમુદાયને એકતાની ભાવના આપે છે. પોતે એક વિશાળ ગણનો મહત્ત્વનો ભાગ છે એવી લાગણી ગણવેશ પહેરતા આવે છે. માટે યુનિફોર્મની પરંપરા ચાલુ રહી અને દુનિયાભરમાં વિસ્તરી. પોલીસ ખાતામાં ખાખી વર્દી ન હોય તો ચાલે? ખાખી માટે તો આમ જનતાને પણ લગાવ છે અને સાચા-ઇમાનદાર પોલીસને પણ લગાવ હોય જ. ખાખી ઉપર તો અજય દેવગણો ને અક્ષય કુમારો વાયા રોહિત શેટ્ટી કરોડો કમાયા છે.
આદિકાળથી દરેક પ્રોફેશન મુજબ કુદરતી રીતે ચોક્કસ કપડાં સેટ થવાંં લાગ્યાં. અંબાણીની દીકરીના લેવીશ લગ્નમાં ગોર મહારાજ લાલ કે પીળા ધોતિયામાં જ હશે. પંડિતો કે ઋષિમુનિઓએ અમુક કપડાં પહેયાર્ં ન હોય તો આપણે એને એ મુજબ માન આપીએ? પાંડવો કે કૌરવો પણ આઉટફિટથી જુદા પડતા. પણ પ્રોફેશન મુજબ પડતા કપડાના પ્રકારોમાં ફરજિયાતપણું ન હતું કે નથી. કાળા રંગનો સ્વીમસ્યુટ હોય તો લીલા રંગનો પણ હોય જ.
પચાસ જાતના ધોતિયા મળે. વેરીએશન સતત આવતું રહે માટે યુનિફોર્મનો ભાર ન રહે. કપડાં બોજ ન બનવાં જોઈએ, કપડાં વ્યક્તિની મોજ બનવા જોઈએ. તો કામ કરવાની મજા આવે, મહાલવાની મજા આવે. જાતમાં કોન્ફિડન્સ તો જ આવે. પણ અમુક કંપનીઓ કે સંસ્થાઓ યુનિફોર્મનું સાયન્સ સમજ્યા-વિચાર્યા વિના યુનિફોર્મ એના કર્મચારીઓ કે વિદ્યાર્થીઓ ઉપર થોપે છે એ નરી મૂર્ખામી છે.
એક મોટી કોલેજ કમ યુનિવર્સીટી વર્ષોથી એના વિદ્યાર્થીઓ-વિદ્યાર્થિનીઓને એક જ જાતનો યુનિફોર્મ પહેરાવે રાખે છે. મોહબત્તેના બચ્ચનની જેમ પરંપરા, પ્રતિષ્ઠા, અનુશાસનના કારણો આપીને યુનિફોર્મ ફરજિયાત કરવામાં આવ્યો છે. તે ઓર્થોડોકસ સંસ્થાના બાળકો કોલેજથી છૂટીને બગીચાના ખૂણામાં, થિએટરોની કોર્નર સીટમાં કે પેલા પ્રકારના ’આઈસ્ક્રીમ પાર્લર’માં બેઠેલા રોજ જોવા મળે છે. તો અસલમાં યુનિફોર્મનો પર્પઝ સોલ્વ થતો જ નથી. યુનિફોર્મ વિના જ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા સૌથી મોટી બેન્ક
બની છે.
સરકારી ખાતાઓમાં પણ કોઈ જડ ડ્રેસકોડ નથી હોતો. વધુમાં, આપણા મૂર્ધન્ય વડા પ્રધાન શ્રી તો રંગબેરંગી કૂર્તાઓ અને કોટિના શોખીન છે. તે કોઈ યુનિફોર્મ નથી પહેરતા તો શું
તેમાં શિસ્ત/એકતા/સંસ્કારનો અભાવ છે એવું કહેશો?
બહુ જ અલગ અને ભયંકર ડ્રામેટિક સમય આપણા આંગણે ટકોરા દઈ રહ્યો છે. એલન મસ્ક જેવા ઘણાય વિઝનરી દુનિયામાં ઉછરી રહ્યા છે. ગૂગલ જેવી મહાકાય કંપનીઓના કર્મચારીઓ ચડ્ડા પહેરીને દુનિયા ઉપર રાજ કરે છે. નવા બિઝનેસ આઈડિયાઝ અને નવા સ્ટાર્ટ અપ ઓલરેડી બદલી ગયેલી દુનિયાને નવું જ કલેવર આપી રહ્યા છે. એમાં અમુક સંસ્થાઓ કે કોર્પોરેટ કંપનીઓ પોતાની આગવી ઓળખના નામે તેના કર્મચારીઓ કે અમુક શિક્ષણસંસ્થાઓ તેના વિદ્યાર્થીઓ ઉપર પરાણે બોરિંગ યુનિફોર્મનો જે ત્રાસ ગુજરી રહ્યા છે તે હાનિકારક સાબિત થશે. પરાણે પહેરાવવામાં આવેલો યુનિફોર્મ પ્રોફેશનલ માણસ અને સરવાળે કંપની/કોલેજના વિકાસને રૂંધે છે.
જે તે સંસ્થાના માલિકો આગુ સે ચલી આતી હૈની પ્રથા નહીં તોડે ત્યાં સુધી આપણે એ જ સ્વામી વિવેકાનંદ ને બિલ ગેટ્સના ઉદાહરણો આપ્યા કરીશું. આજની પેઢીને સ્વતંત્ર મુકો, તેને તેની ચોઇસનાં કપડાં પહેરવા દો, વિદ્યાર્થીઓને પણ ભાન થાય કે તેની બેન્ચમાં ડાબી બાજુ અમીર ઘરનો છોકરો બેઠો છે ને જમણી બાજુ સાધારણ ઘરનો છોકરો બેઠો છે. વિવિધતા મોટિવેશન આપશે. યુનિફોર્મ મશીન અને ફેકટરીનો સિમ્બોલ છે. જરૂર સિવાયની જગ્યાએ તે ન હોય અને જ્યાં હોય ત્યાં ટ્રેન્ડી અને સતત બદલાતો રહે એવો હોય એમાં ભારતનું હિત છે એવું કેટલાને સમજાશે?