લંડન: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં સુધારો આવ્યો હતો. જોકે, આજે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના જીડીપીના ડેટા અને બેરોજગારીના સાપ્તાહિક ડેટા ઉપરાંત આજે (શુક્રવારે) જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર હોવાથી સોનામાં સુધારો મર્યાદિત રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
પ્રાપ્ત અહેવાલ અનુસાર આજે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૩ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૧૯૬૯.૧૩ ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા વધીને ૧૯૮૬.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૧.૮ ટકાના ઉછાળા સાથે ઔંસદીઠ ૨૩.૭૬ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આજે મોડી સાંજે અમેરિકાના જીડીપીના ડેટા અને બેરોજગારીના સાપ્તાહિક ડેટા ઉપરાંત આજે (શુક્રવારે) જાહેર થનારા પર્સનલ ક્ધઝમ્પશન એક્સપેન્ડિચર ડેટા પર સ્થિર થઈ હતી. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો આ ડેટા પર અવલંબિત હોવાથી રોકાણકારોએ સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હોવાથી સુધારો મર્યાદિત રહ્યો હોવાનું એનાલિસ્ટ ર્હોના ઑ કૉનેલે જણાવ્યું હતું. જોકે, સીએમઈ ફેડ વૉચ ટૂલ અનુસાર ૫૮.૭ ટકા બજાર વર્તુળો ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા છે. ગત સપ્તાહે વૈશ્ર્વિક સોનાના ભાવે ઔંસદીઠ ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવી હતી. જોકે, હવે બૅન્કિંગ ક્ષેત્ર પરનું દબાણ હળવું થયું હોવાના નિર્દેશ મળતા અમેરિકા તથા યુરોપના ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી આગામી મહિનામાં સોનાના ભાવ ઔંસદીઠ ૧૯૦૦ ડૉલર સુધી ઘટે તેવી શક્યતા કોમર્ઝ બૅન્કે એક નોટ્સમાં વ્યક્ત કરી હતી.