ફક્ત મરાઠવાડામાં જ ૬૨,૪૮૦ હેક્ટર પાકને નુકસાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હાલ રાજ્યમાં પડી રહેલા કમોસમી વરસાદ અને માવઠાને કારણે મોટા પ્રમાણમાં ખેતીના પાકને નુકસાન થયું છે, જેમાં મરાઠવાડાના આઠ જિલ્લાના ૬૨,૪૮૦ હેકટરના પાકને થયેલા ભારે નુકસાનનો પણ સમાવેશ થાય છે. કમોસમી વરસાદને કારણે વીજ પડવાથી લઈને જુદી જુદી દુર્ઘટનામાં છ લોકોનાં મોત થયાં છે અને ૩૬થી વધુ લોકો જખમી થયા છે. નાના-મોટા જાનવરો પણ મૃત્યુ પામ્યા છે.
કમોસમી વરસાદનો સૌથી વધુ ફટકો મરાઠવાડાના ખેડૂતોને થયો છે. પહેલી માર્ચથી ૧૯ માર્ચ દરમિયાન મરાઠવાડામાં ૬૨,૪૮૦ હેકટરનું નુકસાન થયું છે. સૌથી વધુ નુકસાન નાંદેડ જિલ્લામાં થયું છે. છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં ૯,૩૧૪ ખેડૂતોના કુલ ૭,૭૬૨.૫૦ હેકટર પરના પાકને, પરભણી જિલ્લામાં ૪,૫૦૦ ખેડૂતના કુલ ૨,૪૦૦ હેકટરના પાકને, હિંગોલી જિલ્લાના ૧૩,૨૮૬ ખેડૂતોને કુલ ૫,૬૦૪ હેકટર પાકને નુકસાન થયું છે, જેમાં મુખ્યત્વે ઘઉં, જુવાર, તરબૂચ, જેવા ફળોના પાકનો સમાવેશ થાય છે. નાંદેડ જિલ્લામાં ૧૯,૮૯૯ ખેડૂતને કુલ ૨૩,૫૫૪ હેક્ટર પાકને, લાતુર જિલ્લામાં ૧૬,૮૪૨ ખેડૂતોના કુલ ૧૧,૭૯૪ હેકટર પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદને કારણે મરાઠવાડામાં ૬૨,૪૮૦ હેકટરને નુકસાન થયું છે. છતાં પ્રશાસન તરફથી હજી સુધી પંચનામા કરવામાં આવ્યા નથી.
સોલાપુર જિલ્લાના આઠ તાલુકાના ૧૦૪ ગામને કમોસમી વરસાદનો ફટકો પડ્યો છે. લગભગ ૩,૪૬૯ હેકટર ખેતીના પાકને નુકસાન થયું છે. મુખ્યત્વે દ્રાક્ષના પાકને નુકસાન થયું છે. દ્રાક્ષ પૂરી રીતે તૈયાર થઈ નહોતી. આગામી દિવસોમાં પાક બજારમાં આવવાનો હતો અને કમોસમી વરસાદ અને કરાને કારણે પાકને નુકસાન થયું છે. જળંગાવમાં પણ ઘઉં, મકાઈ, જુવારના પાકને નુકસાન થયું છે. નાશિક જિલ્લાના ચાંદવડ, યેવલા, નિફાડ, બાગલાણ, સટાણા દેવળા જેવા તાલુકામાં કાંદા સહિત દ્રાક્ષના બાગને નુકસાન થયું છે.