Homeઉત્સવમહાકાંડની તપાસ માટે છ જેપીસી

મહાકાંડની તપાસ માટે છ જેપીસી

પ્રથમ બોફોર્સ કટકીકાંડની તપાસ -ઑગસ્ટા વેસ્ટલેન્ડ આજે ચર્ચામાં -અદાણીકાંડની તપાસ અનિર્ણિત

કારણ-રાજકારણ -ડૉ. હરિ દેસાઈ

આઝાદીના અમૃતકાળમાં આજકાલ ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના દેશ-વિદેશમાં કથિત આર્થિક વ્યવહારો ચર્ચામાં છે. શેરબજારમાં ભારે ઊથલપાથલ છે. વર્ષ ૧૯૮૬માં મુંબઈના જ હર્ષદ મહેતા નામના ગુજરાતીના શેરબજાર કાંડ અંગે તત્કાલીન કૉંગ્રેસ સરકારે સંયુક્ત સંસદીય સમિતિ સંસદ દ્વારા નિયુક્ત કરાવીને એની તપાસ આદરી હતી.
અત્યારે પણ સંસદનાં બંને ગૃહોમાં અદાણીકાંડની તપાસ માટે કૉંગ્રેસ સહિતના વિપક્ષો ભાજપી શાસકો કને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) કે દેશના મુખ્ય ન્યાયાધીશની નિગરાનીમાં પારદર્શક તપાસની માગણી કરી રહ્યા છે. કેન્દ્ર સરકાર એના રાજકીય પ્રત્યાઘાતોના આકલન સાથે એ માટે હજુ તૈયાર નથી. સંસદનાં બંને ગૃહોની કાર્યવાહી ઠપ થયા કરે છે. એવું અત્યારે જ થાય છે એવું નથી. અગાઉ કૉંગ્રેસનું શાસન હતું ત્યારે પણ દિવસો સુધી સંસદની કાર્યવાહી ઠપ કરવાનું નિમિત્ત વર્તમાન સત્તાપક્ષ ભારતીય જનતા પક્ષ બન્યો જ છે. એવું નથી કે સંયુક્ત સંસદીય સમિતિ નિયુક્ત કરાય અને કોઈ કાંડમાં કાર્યવાહી થાય. પ્રથમ વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના કૉંગ્રેસી શાસનકાળ દરમિયાન મુંદરા કાંડ એમના જમાઈ અને કૉંગ્રેસના જ લોકસભાના સભ્ય ફિરોઝ ગાંધીએ સંસદમાં ધડાકા કર્યા હતા. એને પગલે મુંબઈ હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રહેલા જસ્ટિસ એમ.સી.ચાગલાને તપાસ સોંપાઈ હતી. નહેરુ કેબિનેટમાં નાણાં મંત્રી રહેલા ટી.ટી.કૃષ્ણમાચારીએ રાજીનામું આપવું પડ્યું હતું અને તત્કાલીન નાણાં સચિવ એચ.એમ.પટેલે સ્વૈચ્છિક નિવૃત્તિ લેવી પડી હતી.
બોફોર્સ સોદામાં રાજીવ ડૂબ્યા
તત્કાળ પગલાં લે એવી સંવેદનશીલ સરકારો એ પછી જોવા મળી નહીં. બોફોર્સ કાંડમાં ૬૪ કરોડ રૂપિયાની કટકી રાજીવ ગાંધીની સરકારમાં કોઈએ કર્યાના ‘કેગ’ (ભારત સરકારની સ્વાયત્ત ઓડિટ સંસ્થા)ના અહેવાલને પગલે સરકારે સૌપ્રથમવાર ૧૯૮૭માં જેપીસીની નિમણૂક માટે તૈયારી દર્શાવી હતી. જોકે આવી ૬૪ કરોડ રૂપિયાની કટકીના મુદ્દે રાજીવ ગાંધીના વડપણવાળી કૉંગ્રેસ હારી અને ક્યારેક એમની સરકારમાં મંત્રી રહેલા વી.પી.સિંહે રાજીનામું આપ્યા પછી ચૂંટણી બાદ ભાજપ અને ડાબેરી મોરચાના ટેકે સરકાર રચી હતી. એ પછી કૉંગ્રેસના ટેકે સરકારો આવી અને રાજીવની હત્યા પછી કૉંગ્રેસની અને ભાજપની સરકારો આવતી રહી, ૬૪ કરોડ રૂપિયા રાજીવ ગાંધીના ખિસ્સામાં નહીં ગયાનો અદાલતનો ચુકાદો એમના મૃત્યુ પછી આવ્યો તો ખરો, પણ આજ દિવસ સુધી એની તપાસ પાછળ ૬૦૦ કરોડ રૂપિયા કરતાં વધુ ખર્ચાયા છતાં એ ૬૪ કરોડ રૂપિયા કોના ખિસ્સામાં ગયા એ તાગ મળ્યો નથી.
સીબીઆઇ તપાસની ભૂમિકા પણ ચર્ચાસ્પદ રહી હતી. હા, એ ૬૪ કરોડ રૂપિયાની કટકી થયાનો અહેવાલ આપનાર કેગ સ્વ.ટી.એન.ચતુર્વેદી નિવૃત્તિ પછી ભાજપના રાજ્યસભાના સભ્ય અને પછીથી વાજપેયી શાસનમાં કર્ણાટકના રાજ્યપાલ જરૂર નિયુક્ત થયા હતા! એ વિવાદાસ્પદ સોદામાં ખરીદવામાં આવેલી તોપો કારગિલ યુદ્ધમાં ખૂબ ઉપયોગી સાબિત થયાનું વાજપેયી કેબિનેટના મંત્રી જશવંતસિંહ થકી પ્રમાણિત કરાયું હતું.
જેપીસીમાં બંને ગૃહોના સભ્યો
કોઈ પણ મહત્ત્વના કૌભાંડની તપાસ માટે કે કોઈ મહત્ત્વનું વિધેયક ચકાસવાનું હોય ત્યારે જેપીસી નિયુક્ત કરવા માટે સરકાર તૈયાર થાય ત્યારે બંને ગૃહોના સભ્યોનો એમાં સમાવેશ કરવામાં આવે છે. સરકારી હિસાબો ચકાસવા અંગે જાહેર હિસાબ સમિતિ હોય છે અને આદર્શ પરિસ્થિતિ એ ગણાય છે કે એના અધ્યક્ષ તરીકે વિપક્ષના વરિષ્ઠ સાંસદને મૂકવામાં આવે. જોકે સરકારો પોતાના કહ્યાગરા પોતાના પક્ષના જ કે મિત્ર પક્ષના સાંસદને અધ્યક્ષ બનાવવાનું પસંદ કરે છે. કોઈ કૌભાંડ તપાસ માટે નિયુક્ત થતી જેપીસીમાં પણ એવું જ થાય છે. અત્યાર લગી ભારતીય સંસદનાં બંને ગૃહોએ છ કથિત બહુચર્ચિત કૌભાંડોની તપાસ માટે જેપીસી નિયુક્ત કરી છે. એમાં લોકસભાના ૨૦ અને રાજ્યસભાના ૧૦ સભ્યોનો સમાવેશ કરવામાં આવે છે. એમાં વિપક્ષના સભ્યો પણ હોય છે. એણે નિશ્ર્ચિત સમયમર્યાદામાં સંસદમાં અહેવાલ રજૂ કરવાનો હોય છે. એ અહેવાલને જો સરકારને પ્રતિકૂળ હોય તો બહુમતીના જોરે ફગાવી દેવામાં આવે છે અથવા તો વિપક્ષના સભ્યો એનો બહિષ્કાર કરે છે.આવી જેપીસી સામાન્ય રીતે રાજકીય વિવાદનો મુદ્દો બનતી રહે છે. એ તપાસ દરમિયાન મંત્રીઓને બોલાવે એવી કોઈ પ્રગટ જોગવાઈ નહીં હોવા છતાં મંત્રીને પણ તેડું પાઠવી શકે છે. સામાન્ય રીતે અધિકારીઓને બોલાવીને દસ્તાવેજો તપાસવાનો જેપીસીને અધિકાર છે. બોફોર્સકાંડની તપાસ માટે પહેલીવાર કૉંગ્રેસના નેતા બી.શંકરાનંદના વડપણ હેઠળ જેપીસી રચવા માટે ૬ ઑગસ્ટ ૧૯૮૭ના રોજ પૂર્વ સંરક્ષણ મંત્રી કે.સી.પંતે લોકસભામાં દરખાસ્ત રજૂ કરી હતી. સમિતિનો વિપક્ષોએ બહિષ્કાર કર્યો હતો. એમનું કહેવું હતું કે સમિતિમાં કૉંગ્રેસના સભ્યો વધારે પ્રમાણમાં છે. ૨૬ એપ્રિલ, ૧૯૮૮ના રોજ સમિતિનો અહેવાલ ગૃહમાં રજૂ થયો હતો, પણ વિપક્ષોએ એને ફગાવવાની ભૂમિકા રજૂ કરી હતી.
ચિદંબરમનું કેબિનેટમાંથી રાજીનામું
વડા પ્રધાન પી.વી.નરસિંહ રાવની સરકાર વખતે ૧૯૯૨માં હર્ષદ મહેતાનું શેરબજાર કૌભાંડ બહાર આવ્યું હતું. એ વખતે ઑગસ્ટ ૧૯૯૨માં એની તપાસ માટે પૂર્વ મંત્રી અને કૉંગ્રેસના નેતા રામ નિવાસ મિર્ધાની અધ્યક્ષતામાં જેપીસીની રચના કરવામાં આવી હતી. એ વખતના સંસદીય બાબતોના મંત્રી ગુલામનબી આઝાદે હર્ષદ મહેતાના શેરબજાર અને બૅંકો સાથેની ગેરરીતિઓ અંગે તપાસ માટે જેપીસી નિયુક્ત કરવાની દરખાસ્ત ૬ ઑગસ્ટ, ૧૯૯૨ના રો લોકસભામાં કરી હતી. બીજા દિવસે રાજ્યસભામાં પણ એને બહાલી અપાઈ હતી. જોકે આ
સમિતિની ભલામણો ના તો સરકારે સ્વીકારી હતી કે ના અમલમાં મુકાઈ હતી. હા, એ વેળા વાણિજ્ય મંત્રી રહેલા પી.ચિદંબરમે પોતે અને તેમનાં ધારાશાસ્ત્રી પત્ની નલિનીએ કૌભાંડ હેઠળની બેંગલોરની ફેર્ગ્રોથ ફિનાન્શિયલ સર્વિસીસ થકી ૧૫,૦૦૦ શેર ખરીદ્યા હોવાનું જણાવીને મંત્રીપદેથી રાજીનામું આપ્યું હતું. અમદાવાદની સહકારી બૅંક માધવપુરા મર્કેન્ટાઈલ બૅંક કૌભાંડ તરીકે જાણીતા કેતન પારેખના કૌભાંડમાં ત્રીજી જેપીસી ૨૬ એપ્રિલ, ૨૦૦૧ના રોજ સંસદીય બાબતોના મંત્રી પ્રમોદ મહાજને લોકસભામાં પ્રસ્તાવિત કરી હતી. એ વેળા ભાજપ નેતા અટલજીની સરકાર હતી. ભાજપના જ લેફ્ટનન્ટ જનરલ પ્રકાશમણિ ત્રિપાઠી (નિવૃત્ત)ના વડપણ હેઠળની જેપીસીએ૧૦૫ બેઠકો કરીને ૧૯ ડિસેમ્બર, ૨૦૦૨ના રોજ અહેવાલ આપ્યો. શેરબજાર નિયંત્રણ અંગે મહત્ત્વની ભલામણો કરાઈ, પણ પછીથી આ ભલામણો ટાઢી પાડી દેવાઈ હતી. સંયોગ તો જુઓ કે આ કાંડમાં ભાજપના નેતા અને સુપ્રીમ કોર્ટના ધારાશાસ્ત્રી અરુણ જેટલી કેતન પારેખના વકીલ હતા!
વિપક્ષીનેતા પવાર અધ્યક્ષપદે
ઠંડાં પીણાંમાં જંતુનાશક પદાર્થો આવતા હોવાના અહેવાલોને પગલે ઑગસ્ટ ૨૦૦૩માં વાજપેયી સરકારે વિપક્ષના નેતા શરદ પવારના અધ્યક્ષપદે જેપીસીની રચના કરવામાં આવી. એમણે ૪ ફેબ્રુઆરી, ૨૦૦૪ના રોજ અહેવાલ આપ્યો.એમણે ભલામણોમાં ઠંડાં પીણાંમાં જંતુનાશક પદાર્થો હોવાથી પ્રમાણિત ધોરણો જાળવવા સહિતની ભલામણો કરી, પણ અહેવાલ અંગે ભાગ્યે જ કોઈ પગલાં લેવામાં આવ્યાં. ટુજી સ્પેક્ટ્રમ કાંડ અંગે ફેબ્રુઆરી ૨૦૧૧માં પાંચમી જેપીસી કૉંગ્રેસના નેતા પી.સી.ચાકોના અધ્યક્ષપદે રચાઈ. તેમાં ૩૦ સભ્યો હતા. એમાંના ૧૫ ભાજપા સહિતના વિપક્ષી સભ્યો હતા.વિવાદાસ્પદ અહેવાલ અંગે સભ્યોએ ઊહાપોહ મચાવ્યો. વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહ અને નાણાં મંત્રી ચિદંબરમને કલીનચીટ અપાઈ હતી. જોકે ચાકોએ અહેવાલમાં સુધારો કરવો પડ્યો હતો. વીવીઆઇપી ચોપર કૌભાંડ અંગે ઑગસ્ટા વેસ્ટલેન્ડ પ્રકરણમાં લાંચ અપાયાના સંરક્ષણ મંત્રાલય દ્વારા ખરીદી કાંડ મુદ્દે ૨૭ ફેબ્રુઆરી, ૨૦૧૩ના રોજ જેપીસી રચના માટે રાજ્યસભામાં દરખાસ્ત કરાઈ. જોકે ૩૬૦૦ કરોડ રૂપિયાના આ સોદા અંગે જેપીસી તપાસની સાથે જ સીબીઆઇ તપાસ પણ ચાલતી રહી. જેપીસી અંગે વિવાદ પહેલાંથી જ રહ્યો. અત્યારે અદાણી જૂથના વિવાદમાં સામેલ એક ચીની મૂળની વ્યક્તિ ચાંગ ચુંગ લિંગ આ સોદાના વિવાદમાં આરોપી હોવાની ચર્ચાએ અદાણી જૂથના વિવાદને વધુ હવા આપી છે. આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર અને સંસદ ગૌતમ અદાણી કાંડમાં જેપીસી નિયુક્ત કરવા તૈયાર થાય છે કે કેમ એ ભણી સૌની મીટ મંડાયેલી છે. જેપીસી રચાય અને અહેવાલ આવે પછી પણ તથ્યો કેટલાં બહાર આવે અને પગલાં લેવાય કે કેમ એ પણ પ્રશ્ર્ન છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -