કેલિફોર્નિયાના ગોશેનમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટના જાણવા મળી છે. એક ઘરમાં થયેલા ગોળીબારમાં એક બાળક સહિત છ લોકોના મોત થયા છે. ગોળીબાર સોમવારે વહેલી સવારે સેન્ટ્રલ કેલિફોર્નિયામાં થયો હતો. પોલીસ શંકાસ્પદોને શોધી રહી છે. પોલીસે જણાવ્યું હતું કે આ અપરાધ ગેંગ અને ડ્રગ હિંસા સાથે જોડાયેલો છે. આ પરિવારને જાણી જોઈને ટાર્ગેટ કરવામાં આવ્યો છે અને તેમાં અપરાધી ગેંગ સામેલ છે.
જ્યાં આ હુમલો થયો તે તુલારે કાઉન્ટીના શેરિફ ઑફિસના શેરિફ માઇક બૌડ્રેક્સે જણાવ્યું હતું કે સોમવારે સવારે સાડા ત્રણ વાગ્યે બે લોકોએ ઘર પર હુમલો કર્યો હતો. મોટાભાગના પીડિતોને માથામાં ગોળી મારવામાં આવી હતી. પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં અપરાધીઓને પકડી લેવામાં આવશે.
તુલારે એ સાન જોક્વિન ખીણમાં લગભગ 70,000 રહેવાસીઓનું શહેર છે, જે સાન ફ્રાન્સિસ્કો અને લોસ એન્જલસની વચ્ચે લગભગ અડધા રસ્તે આવેલું છે.
યુનાઇટેડ સ્ટેટ્સમાં 2021માં લગભગ 49,000 લોકો ગોળીબારમાં મૃત્યુ પામ્યા હતા, જેમાંથી અડધાથી વધુ કેસ આત્મહત્યાના હતા. નોંધનીય છે કે અમેરિકામાં લોકોની સંખ્યા કરતા શસ્ત્રોની સંખ્યા વધારે છે. દર ત્રણમાંથી એક પુખ્ત વ્યક્તિ ઓછામાં ઓછું એક શસ્ત્ર ધરાવે છે અને લગભગ બે પુખ્તમાંથી એક વ્યક્તિ એવા ઘરમાં રહે છે જ્યાં હથિયાર હોય.