Homeદેશ વિદેશરાજીવ ગાંધીના છ હત્યારાને જેલમાંથી છોડાયા

રાજીવ ગાંધીના છ હત્યારાને જેલમાંથી છોડાયા

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાને મામલે આજીવન કારાવાસની સજા ભોગવી રહેલાં આર. પી. રવિચંદ્રન અને નલિની શ્રેહરન સહિત છ દોષીને જેલમાંથી છોડી દેવાનો સુપ્રીમ કોર્ટે શુક્રવારે આદેશ આપ્યો હતો.
રાજીવ ગાંધીના હત્યારાઓને સજામાંથી રાહત આપવાની તમિળનાડુ સરકારે કરેલી ભલામણને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ઉપરોક્ત આદેશ આપ્યો હતો.
રાજીવ ગાંધી હત્યાકેસને મામલે આજીવન કારાવાસની સજા ભોગવી રહેલા છ આરોપીઓને જેલમાંથી વહેલા મુક્ત કરવાના સુપ્રીમ કોર્ટના આદેશને કૉંગ્રેસે અસ્વીકાર્ય અને ભૂલભરેલો લેખાવ્યો હતો. આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ભારતીય મિજાજને સુસંગત વલણ ન અપનાવ્યું હોવાનું કૉંગ્રેસે કહ્યું હતું.
જેલમાંથી છોડી મૂકવામાં આવેલા છ દોષીઓમાં આર. પી. રવિચંદ્રન અને નલિની શ્રેહરન, સન્થાન, મુરુગન, રોબર્ટ પાયસ અને જયકુમારનો સમાવેશ થાય છે. રાજીવ ગાંધી હત્યાકેસના અન્ય એક દોષી
પેરારિવલનને દેહાંતદંડની સજા ફટકારવામાં આવી હતી.
બંધારણની કલમ ૧૪૨ અંતર્ગત અસાધારણ સત્તાનો ઉપયોગ કરતા સુપ્રીમ કોર્ટે ૧૮ મેએ ૩૦ વર્ષ કરતા પણ વધુ સમય જેલમાં રહેલા પેરારિવલનને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
આજીવન કારાવાસની સજાનો સામનો કરી રહેલા આ તમામે કેસને મામલે ૨૩ વર્ષ કરતા વધુ જેલવાસ ભોગવી લીધો હોવાનું કોર્ટે કહ્યું હતું.
જેલવાસ દરમિયાન આ તમામનું વર્તન સારું રહ્યું હતું અને તેમણે વિવિધ ડિગ્રી પણ મેળવી હોવાની કોર્ટે નોંધ લીધી હતી. ન્યાયાધીશ બી. આર. ગાવલ અને ન્યાયાધીશ બી. વી. નાગરત્નની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે કોર્ટનો કેસને મામલે આ આદેશ કેસના અન્ય એક દોષી એ. જી. પેરારિવલનને પણ સમાન રીતે જ લાગુ પડે છે. અમારું માનવું છે કે તમામ આરોપીએ ગુનાની પૂરતી સજા ભોગવી લીધી છે અને એટલે જ અન્ય કોઈ કેસમાં તેમની જરૂર ન જણાય ત્યાં સુધી આ તમામને મુક્ત કરવાનો અમે આદેશ આપીએ છીએ, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
૨૧ મે, ૧૯૯૧ના રોજ તમિળનાડુમાં એક ચૂંટણીસભા દરમિયાન તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધી પર આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં રાજીવ ગાંધીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
રાજીવ ગાંધી હત્યાકેસને મામલે તપાસ બાદ સાત જણને દોષી જાહેર કરવામાં આવ્યા હતા.
આ કેસમાં કુલ ૪૧ જણને આરોપી બનાવવામાં આવ્યા હતા, જેમાંથી ૧૨ જણનાં મોત થયાં હોવા ઉપરાંત ત્રણ ફરાર થઈ ગયા હતા અને બાકીના ૨૬ને પકડી લેવામાં આવ્યા હતા.
ફરાર થયેલા નાગરિકોમાં પ્રભાકરન, પોટ્ટુ ઓમ્માન અને અરિકાનો સમાવેશ થતો હતો. ધરપકડ કરાયેલા લોકોમાં શ્રીલંકન અને ભારતીય નાગરિકોનો સમાવેશ થતો હતો. તમામ આરોપીઓ વિરુદ્ધ ટાડા હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. સાત વર્ષની કાયદાકીય કાર્યવાહી બાદ ટાડા કોર્ટે ૧૮ જાન્યુઆરી, ૧૯૯૮ના રોજ હજાર પાનાંનો ચુકાદો આપ્યો હતો, જેમાં તમામ ૨૬ આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. જોકે, ટાડા કોર્ટના આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની ત્રણ ન્યાયાધીશોની બનેલી ખંડપીઠે ટાડા કોર્ટના ચુકાદાને પલટાવ્યો હતો અને ૨૬માંથી ૧૯ને નિર્દોષ જાહેર કર્યા હતા. માત્ર સાત દોષીએાની ફાંસીની સજા યથાવત રાખવામાં આવી હતી. (એજન્સી)

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -