થાણે: એક્સપ્રેસ ટ્રેનમાં કસારાથી કલ્યાણ વચ્ચે ચાકુની ધાકે પ્રવાસીઓને લૂંટનારા છ આરોપીની ધરપકડ કરી પોલીસે બે સગીરને તાબામાં લીધા હતા.
કલ્યાણ જીઆરપી (ગવર્નમેન્ટ રેલવે પોલીસ)ના સિનિયર ઈન્સ્પેક્ટર મૂકેશ ધાગેએ જણાવ્યું હતું કે ઘટના મુંબઈ આવી રહેલી દેવગિરિ એક્સપ્રેસ ટ્રેનમાં મંગળવારની સવારે પાંચ વાગ્યાની આસપાસ બની હતી. ટ્રેન કસારા સ્ટેશનેથી મુંબઈ તરફ રવાના થઈ ત્યારે કેટલાક લોકો ટ્રેનના બે કોચમાં પ્રવેશ્યા હતા અને ચાકુની અણીએ પ્રવાસીઓને ધમકાવી લૂંટ ચલાવી હતી. લગભગ દોઢ કલાક સુધી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો. આ દરમિયાન અમુક પ્રવાસીઓએ રેલવે પોલીસ ક્ધટ્રોલ રૂમને કૉલ કરી આ બાબતે માહિતી આપી હતી.
મળેલી માહિતીને આધારે જીઆરપીની ટીમ કલ્યાણ સ્ટેશને ગોઠવાઈ ગઈ હતી. ટ્રેન કલ્યાણ રેલવે સ્ટેશને પહોંચી ત્યારે લૂંટારુ ટોળકીના કેટલાક સાથી પોલીસને હાથે ઝડપાઈ ગયા હતા. બાકીના આરોપીઓને થાણેથી દાદર રેલવે સ્ટેશન દરમિયાન પકડી પાડવામાં આવ્યા હતા.
જે પ્રવાસીઓને લૂંટવામાં આવ્યા હતા તે નાંદેડથી મુંબઈ ડૉ. બાબાસાહેબ આંબેડકરને મહાપરિનિર્વાણ દિને અંજલિ આપવા દાદરની ચૈત્યભૂમિ જઈ રહ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓ ૧૯થી ૨૬ વર્ષના હોઈ તે ઔરંગાબાદના વતની હોવાનું પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
આ કેસમાં બે સગીરને પણ તાબામાં લેવામાં આવ્યા હતા. આરોપીઓ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓને કોર્ટે પાંચ દિવસની પોલીસ કસ્ટડી ફટકારી હતી. (પીટીઆઈ)