મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે દિશા સાલિયાનના મૃત્યુની તપાસ માટે વિશેષ તપાસ ટીમની જાહેરાત કરી હતી. દિશા બોલીવૂડના મૃત અભિનેતા સુશાંતસિંહ રાજપુતની મેનેજર હતી. દિશા 8 જૂન, 2020ના રોજ મૃત મળી આવી હતી. એક બિલ્ડિંગના 14મા માળેથી પડી જવાથી તેનું મોત થયું હતું. પરંતુ તે બિલ્ડિંગ પરથી કેવી રીતે પડી તે હજુ સુધી જાણી શકાયું નથી. દિશાના મોતના એક અઠવાડિયા બાદ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતનો મૃતદેહ તેના નિવાસસ્થાનના પંખા પર લટકતો મળી આવ્યો હતો.
ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ ગુરુવારે દિશા સાલિયાનના મૃત્યુનો મુદ્દો ઉઠાવીને કેસના સંબંધમાં મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરેના નાર્કો ટેસ્ટની માંગ કરી હતી. નિતેશ રાણે દાવો કરે છે કે દિશા સાલિયાનની હત્યા કરવામાં આવી હતી અને અનેક પ્રસંગોએ તેણે પોતાના દાવાના સમર્થનમાં પુરાવા હોવાનો દાવો કર્યો હતો. નિતેશ રાણેએ જણાવ્યું હતું કે દિશા સાલિયાનનો બોયફ્રેન્ડ રોહન રાય ‘હત્યા’ વિશે બધું જ જાણતો હતો અને તેના મૃત્યુ પછી ગાયબ થઈ ગયો હતો.
“આ કેસ પહેલેથી જ મુંબઈ પોલીસ પાસે છે. જેની પાસે પુરાવા છે તેઓ આપી શકે છે. આની તપાસ SIT દ્વારા કરવામાં આવશે, ” એમ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તથા ગૃહ પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે ગૃહમાં જણાવ્યું હતું. વિપક્ષના નેતા અજિત પવારે કહ્યું કે આને કોઈ રાજકીય દૃષ્ટિકોણથી જોવું જોઈએ નહીં. ફડણવીસે કહ્યું હતું કે તપાસ કોઈને નિશાન બનાવ્યા વિના નિષ્પક્ષ રીતે કરવામાં આવશે.