વિશેષ -ગીતા માણેક
આપણે હજુ હમણાં જ ચૈત્રી નવરાત્રિમાં દેવીની પૂજા-આરાધના કરી. દર વર્ષે ચૈત્ર અને આસો મહિનામાં તેમ જ વર્ષભર પણ દેવીનું પૂજન કરતા રહીએ છીએ. પરંતુ સ્ત્રીઓ પર બળાત્કાર, અત્યાચાર, છેડતી, દહેજ માટે સળગાવી નાખવી જેવા અપરાધો પણ રોજ-રોજ થતા જ રહે છે. આ બધા અપરાધો સામે સ્ત્રીઓને રક્ષણ આપવા કાયદા તેમ જ કેટલીક કાયદાકીય પ્રક્રિયાઓ છે, પણ અશિક્ષિત તો શું પણ અનેક શિક્ષિત મહિલાઓ પણ કાયદાએ પોતાને આપેલા હક અંગે જાણકારી ધરાવતી નથી.
ભારતમાં સ્ત્રીઓને આપવામાં આવેલા આવા જ કેટલાક હક વિશે આજે અહીં જાણકારી આપી રહ્યા છીએ.
ઘરની બહાર એટલે કે ઑફિસ દુકાન, ફેક્ટરી કે અન્ય કોઈ પણ જગ્યાએ કામ કરતી સ્ત્રીને તેના જેવું જ કામ કરતા પુરુષ જેટલો જ પગાર મેળવવાનો હક કાયદાએ તેને આપ્યો છે. એ હકીકત છે કે અનેક જગ્યાએ એક જ સરખું કામ કરતા પુરુષ અને સ્ત્રી વચ્ચે પગાર કે વળતરની બાબતમાં ભેદભાવ કરવામાં આવે છે. પરંતુ કાયદાકીય રીતે તેને ઇક્વલ રેમ્યુનરેશન એક્ટ હેઠળ પુરુષ સહકર્માચારી જેટલું જ વળતર મેળવવાનો અધિકાર છે. જો કોઈ પણ મહિલા કાર્યકરને આવો અન્યાય થતો હોય એટલે કે તેના જેવું જ કામ કરતા તેના પુરુષ કર્મચારી કરતાં જો તેને ઓછો પગાર કે વળતર મળતું હોય તો તે જ્યાં કામ કરતી હોય તે સંસ્થા અને વડાને કોર્ટમાં પડકાર આપી શકે છે.
કાયદાએ સ્ત્રીઓને પોતાની ગરિમા જાળવવાનો પણ અધિકાર આપ્યો છે. જો કોઈ સ્ત્રી પર કોઈ અપરાધ કરવાનો આરોપ હોય અને તેનું તબીબી પરીક્ષણ કરવાની જરૂર હોય તો એ કોઈ અન્ય સ્ત્રીની હાજરીમાં જ થવું જોઈએ. જો કોઈ પુરુષ અધિકારી આવું પરીક્ષણ કરતો હોય તો સ્ત્રી આરોપી એવી માગણી કરી શકે કે એ પરીક્ષણ અન્ય કોઈ મહિલાની હાજરીમાં જ થાય.
સ્ત્રી જ્યાં કામ કરતી હોય એ સ્થળ પર તેનો ઉપરી, સહકર્મચારી કે અન્ય કોઈ પણ વ્યક્તિ તેની જાતીય સતામણી કરતું હોય તો વર્કપ્લેસ એક્ટ હેઠળ તે ફરિયાદ નોંધાવી શકે છે. આ કાયદા હેઠળ તે આવી સતામણીના ત્રણ મહિનાની અંદર ઇન્ટરનલ કમ્પ્લેઇન્ટસ કમિટીને લેખિત ફરિયાદ આપી શકે છે.
સર્વ સામાન્ય માન્યતા એવી છે કે પતિ કે સાસરિયાઓ દ્વારા મારપીટ કે હિંસા થતી હોય તો જ સ્ત્રી કલમ ૪૯૮ હેઠળ ફરિયાદ કરી શકે છે. પરંતુ કલમ ૪૯૮નો વ્યાપ ઘણો મોટો છે. ઘરેલુ હિંસા પછી તે પતિ, દીકરા, ભાઈ કે પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા કરવામાં આવતી હોય તો કાયદાની કલમ ૪૯૮ હેઠળ સ્ત્રી ફરિયાદ કરી શકે છે. બહુ ઓછી મહિલાઓ એ વાતથી માહિતગાર છે કે જો તે લગ્ન વિના લીવ-ઇન રિલેશનશીપમાં રહેતી હોય અને જો તેનો પુરુષ સાથી તેના પર અત્યાચાર કરતો હોય તો તે લીવ-ઇન પાર્ટનરની વિરુદ્ધ ફરિયાદ નોંધાવાનો અધિકાર તેને કાયદાએ આપ્યો છે. આ કલમ હેઠળ ફક્ત મારપીટ કે અન્ય શારીરિક હિંસા જ નહીં પણ શાબ્દિક, આર્થિક, ભાવનાત્મક કે જાતીય હિંસાનો સમાવેશ થાય છે. પરિવારના કોઈ પણ સભ્ય દ્વારા આવા કોઈ પણ પ્રકારની સતામણી થતી હોય તો મહિલા તેની સામે ફરિયાદ કરી શકે છે.
જો કોઈ મહિલા પર જાતીય હુમલો થયો હોય તો તેને પોતાનું નામ અને ઓળખ ખાનગી રાખવાનો અધિકાર કાયદાએ આપ્યો છે. જાતીય સતામણીની ફરિયાદ નોંધાવતી વખતે મહિલા પોલીસ અધિકારીની હાજરી હોય જ એવી માગણી કરવાનો અધિકાર તેને કાયદાએ આપ્યો છે. જો આ કેસ કોર્ટમાં ચાલતો હોય તો તે પોતાનું બયાન ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટ સામે જ આપવાનો અધિકાર કાયદાએ તેમને
આપ્યો છે.
જો કોઈ મહિલા પર બળાત્કાર થયો હોય તો લિગલ સર્વિસ ઓથોરિટીસ એક્ટ હેઠળ તેને કાયદાકીય સેવાઓ મફતમાં મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. આવા સંજોગોમાં તેના તરફથી કેસ લડવાની તેમ જ અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ માટે તેને વકીલની સેવાઓ મફત મેળવવાનો અધિકાર છે અને લિગલ સર્વિસ ઓથોરિટીની ફરજ બને છે કે તેને વકીલ અને અન્ય કાનૂની સેવાઓ નિ:શુલ્ક ઉપલબ્ધ થાય.
કેટલાક અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા મહિલા આરોપીને સૂર્યાસ્ત પછી અટકમાં ન લઈ શકાય એવી કાયદાકીય જોગવાઈ છે. જો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટનો હુકમ હોય તો જ મહિલા આરોપીની સૂર્યાસ્ત પછી અટક થઈ શકે છે. એટલું જ નહીં તેની પૂછપરછ કરવાની હોય તો પણ એ તેના પોતાના ઘરે મહિલા કોન્સ્ટેબલ અથવા તેના પરિવારજનો કે મિત્રોની હાજરીમાં જ કરી શકાય છે.
સામાન્યત: કોઈ મહિલા વિરુદ્ધ અપરાધ થાય ત્યારે તે પોલીસ સ્ટેશન કે અન્ય સંબંધિત સત્તાધીશો પાસે જઈને ફરિયાદ કરી શકવાની સ્થિતિમાં નથી હોતી. દાખલા તરીકે તેનો પતિ કે પરિવારના સભ્ય તેની કનડગત કરતા હોય તો તે પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવી ન શકે એવું બને. આ કારણોસર ઘણી મહિલાઓ ફરિયાદ કરવાનું જ ટાળે છે. અનેક લોકોને એ ખ્યાલ નથી કે આજના સમયમાં જો મહિલા ઇચ્છે તો વર્ચ્યુઅલ એટલે કે ઇ-મેઇલ દ્વારા અથવા પોસ્ટ કે કુરિયરના માધ્યમથી પણ પોતાની ફરિયાદ પાઠવી શકે છે. આ રીતે ફરિયાદ મોકલવામાં આવે તો તે પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારી મહિલાના ઘરે પોલીસ અધિકારી મોકલી ફરિયાદ નોંધણી કરી શકે છે. સ્ત્રીના શરીરના કોઈ પણ ભાગને અશોભનીય રીતે દર્શાવવામાં આવે કે તેના શરીરને વિઝ્યુઅલ મીડિયામાં એવી રીતે દર્શાવવામાં આવે જેનાથી સમાજમાં તેની અનૈતિક અસર પડે તો એ કિસ્સામાં પણ આવું દર્શાવનાર પર પગલાં લઈ શકાય છે.
જો કોઈ મહિલાની પાછળ કોઈ વ્યક્તિ પડી ગઈ હોય એટલે કે પોતાની નાપંસદગી જાહેર કરવા છતાં તેનો વારંવાર સંપર્ક કરવાની, તેની સાથે વાતચીત કરવાની કોશિશ કરતી હોય તો તેની સામે ફરિયાદ કરવાનો તે મહિલાને અધિકાર છે. મોબાઈલ ફોન, ઇન્ટરનેટ કે અન્ય વર્ચ્યુઅલ મીડિયા અથવા સોશ્યલ મીડિયા પર તેનો સતત પીછો કરવામાં આવતો હોય તો મહિલા તેની સામે ફરિયાદ નોંધાવી શકે છે.
આમ તો જે વિસ્તારમાં અપરાધ થયો હોય ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતી હોય છે પણ મહિલાઓ માટે આ નિયમ લાગુ પડતો નથી. ઘણી વાર જે વિસ્તારમાં મહિલા રહેતી હોય ત્યાં અપરાધીની વગ હોય કે અન્ય કારણોસર તે પોલીસ સ્ટેશનમાં જઈ ન શકતી હોય અથવા કેટલીક વાર જ્યાં અપરાધ થયો હોય તે સ્થળે મહિલા વસવાટ ન કરતી હોય અથવા આવા કોઈ પણ સંજોગોમાં મહિલા દેશના કોઈ પણ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી શકે છે. આને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે. સર્વોચ્ચ ન્યાયાલયે વિશેષ ચુકાદા દ્વારા મહિલાઓને આ અધિકાર આપ્યો છે તેની ઘણી મહિલાઓને જાણ નથી.
એ હકીકત છે કે આપણે ત્યાં ખાસ કરીને કાયદાના ઘણા રખેવાળો જ કાયદાની ઐસીતૈસી કરતા હોય છે કે પછી કાયદા હોવા છતાં એની યોગ્ય અમલબજાવણી ઘણી વાર થતી નથી. પરંતુ જો મહિલાઓ પોતે પોતાને મળેલા અધિકારો અંગે જાગરૂક હોય તો પોલીસ કે અન્ય અધિકારીને એ પ્રમાણે વર્તવાની ફરજ પાડી શકે છે. કાયદાએ તેને જે અધિકાર આપ્યા છે એનો ઉપયોગ તે ત્યારે જ કરી શકે જ્યારે તેની પાસે એની પૂરતી જાણકારી હોય. આજના સમયમાં પોતાના આ બધા હકથી મહિલાઓએ માહિતગાર હોવાની જરૂર છે.