લગભગ 8 કલાકની સઘન પૂછપરછ બાદ સીબીઆઇના અધિકારીઓએ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ની ધરપકડ કરી હતી. દિલ્હીની નવી એક્સાઇઝ પોલીસીના કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી હતી. દિલ્હીની લીકર પોલિસી જે હાલ રદ કરવામાં આવી છે તેમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ સિસોદિયા પર કરવામાં આવ્યો હતો. સીબીઆઇની એફઆઈઆર માં તેઓ મુખ્ય દોષી હોવાનો ઉલ્લેખ થયો હતો. અગાઉ પણ આ કેસમાં તેમની પૂછપરછ થઈ હતી. સીબીઆઇ સામે હાજર થયા પહેલા તેમણે જણાવ્યું હતું કે હું કેજરીવાલજીને કહેવા માગું છું કે તમે ચાલુ રાખો. લોકો માટે તમે આમ જ લડતા રહો. મોદીજી રાહુલ ગાંધીથી પણ નથી ડરતા તેઓ માત્ર એક જ પક્ષથી ડરે છે અને તે આમ આદમી પક્ષ છે. તેઓ મને જેલમાં મોકલશે, પણ આપણે ડરતા નથી. આપણે લડીશું. માત્ર કેજરીવાલ જ આ દેશનું ભવિષ્ય છે.