Homeએકસ્ટ્રા અફેરસિસોદિયા અને વીરુપક્ષપ્પા: ભાજપીયા કરે એ લીલા...

સિસોદિયા અને વીરુપક્ષપ્પા: ભાજપીયા કરે એ લીલા…

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

ભારતમાં રાજકારણીઓના પોતાનાં માટે અને બીજાં માટેનાં કાટલાં અલગ અલગ હોય છે. બીજાને ભ્રષ્ટાચારી ગણાવીને કૂદાકૂદ કરીને આક્ષેપો કરતા રાજકારણીઓ પોતાની કે પોતાના પક્ષના નેતાઓની વાત આવે ત્યારે બિલકુલ ચૂપ થઈ જતા હોય છે પોતાના વિરોધીએ ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ સાબિત ના થયું હોય તોય તેને ચોર ચિતરી નાખતા તેમને જરાય વિચાર આવતો નથી પણ પોતાની પાર્ટીના માણસોના નરી આંખે દેખાય એવા ભ્રષ્ટાચાર પણ તેમને દેખાતા નથી. આ વાત કોઈ એક પક્ષના નેતાઓની નથી પણ બધા જ રાજકારણીઓ એવા જ છે. સમય આવ્યે ત્યારે રાજકારણીઓ આ રીતે જ વર્તે છે ને અત્યારે ભાજપ એ રીતે વર્તી રહ્યો છે.
હમણાં સીબીઆઈએ દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનિષ સિસોદિયાની દિલ્હી સરકારના કહેવાતા લિકર કૌભાંડ કેસમાં ધરપકડ કરી છે. સિસોદિયાએ ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ આપણે નક્કી ના કરી શકીએ. એ નક્કી કરવાનું કામ કોર્ટનું છે ને કોર્ટને એ કામ કરવા દેવું જોઈએ. કોર્ટ જે પણ ચુકાદો આપે એ માનવાનો હોય પણ તેના બદલે ભાજપના નેતા અત્યારથી જજ બની ગયા છે.
ભાજપના નેતાઓએ મનિષ સિસોદિયાને ભ્રષ્ટાચારી જાહેર કરી દીધા છે. મનિષ સિસોદિયાએ શરાબ નીતિમાં લિકર માફિયાઓને કરોડો રૂપિયાનો ફાયદો કરાવીને ઘર ભર્યું એવું ભાજપના નેતા કૂદી કૂદીને કહી રહ્યા છે. સીબીઆઈએ મનિષ સિસોદિયાના ઘરે રેડ પાડી, તેમના ઘરે પણ રેડ પાડી પણ કાળી કમાણીનો એક રૂપિયો સુધ્ધાં મળ્યો નથી છતાં ભાજપના નેતા સિસોદિયા સો કરોડ રૂપિયા ખાઈ ગયા એવું કહી રહ્યા છે.
ભાજપના નેતાઓએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પણ ભ્રષ્ટાચારી જાહેર કરી દીધા છે. સિસોદિયા જેલમાં ગયા એ બદલ કેજરીવાલે રાજીનામું આપી દેવું જોઈએ એવું ભાજપના નેતા કરાંજી કરાંજીને કહી રહ્યા છે. કેજરીવાલ અને સિસોદિયાને ભ્રષ્ટાચારી કહીને ભાંડવામાં ભાજપનો કોઈ નેતા બાકી નથી. સોશિયલ મીડિયા પર પણ ભક્તજનો મચી પડ્યા છે. સોશિયલ મીડિયાવીરો સીબીઆઈથી પણ આગળ જઈને સિસોદિયાએ કરોડોની કમાણી કરવાનો ખેલ કઈ રીતે કર્યો તેની મસાલેદાર વાતો પિરસી રહ્યા છે.
એ જ ભાજપના નેતા અને સોશિયલ મીડિયા પર નીતિમત્તાના ઠેકેદારો મદલ વીરુપક્ષપ્પાના મુદ્દે હરફ સુધ્ધાં ઉચ્ચારતા નથી. ભાજપના નેતા અને ભાજપના સમર્થકો પણ મદલ વીરુપક્ષપ્પાને ઓળખતા જ ના હોય એ રીતે વર્તી રહ્યા છે તો તેમને મદલ વીરુપક્ષપ્પા કોણ છે તેની યાદ અપાવી દઈએ. મદલ વીરુપક્ષપ્પા કર્ણાટકમાં ભાજપના ધારાસભ્ય છે. આ મદલ વીરુપક્ષપ્પાનો દીકરો પ્રશાંત મદલ બેંગલૂરુમાં પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (બીડબ્લ્યુએસએસબી)ના ચીફ એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે. હજુય કામ કરે છે કેમ કે તેને કર્ણાટક સરકારે હજુ સસ્પેન્ડ કર્યો નથી.
કર્ણાટકમાં જાહેર સેવકો એટલે કે નેતાઓ અને સરકારી કર્મચારીઓના ભ્રષ્ટાચારને રોકવા માટે બનાવાયેલી લોકપાલની એન્ટિ-કરપ્શન બ્રાન્ચે ભાજપના આ ધારાસભ્ય મદલ વીરુપક્ષપ્પાના દીકરા પ્રશાંત મદલની ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતી વખતે ધરપકડ કરી હતી. લોકપાલના અધિકારીઓએ તપાસ કરી તો તેમની ઓફિસમાંથી બીજી ૧.૭ કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવી હતી. ઓફિસમાં મળેલા ૧ કરોડ ૭૦ લાખ રૂપિયા લાંચના રૂપિયા છે એ કહેવાની જરૂર નથી. પાણીપુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડની ઓફિસમાં ધર્માદા તો ચાલતું નથી કે લોકો દાન કરી ગયા હોય. પ્રશાંત મદલની હરામની કમાણીના જ આ રૂપિયા હોય એ દીવા જેવી ચોખ્ખી વાત છે.
પ્રશાંત મદલની ઓફિસમાંથી મળેલા દલ્લાને જોઈને લોકપાલના અધિકારીઓને બેંગલૂરુમાં પ્રશાંત મદલના ઘરે દરોડા પાડવાની પ્રેરણા મળી. લોકપાલના અધિકારીઓએ બેંગલૂરુમાં પ્રશાંત મદલના ઘરે દરોડા પાડતાં બીજા ૮ કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા. પ્રશાતં મદલ અને ભાજપના ધારાસભ્ય વીરુપક્ષપ્પા એક જ ઘરમાં રહે છે તેથી આ રકમ પુત્રની છે કે પિતાની છે એ ખબર નથી પણ પિતાએ હાથ ખંખેરી નાખ્યા. પ્રશાંતના પિતા મદલ વીરુપક્ષપ્પા કર્ણાટકના ચેન્નાગિરીના ધારાસભ્ય છે. તેમણે એલાન કરી દીધું કે, મારો દીકરો લાંચ લેતો પકડાયો એ અંગે મને કોઈ જાણકારી નથી. આ વાતની મને મીડિયા મારફતે જ ખબર પડી.
કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈ છે. બોમ્મઈએ સૂફિયાણી વાતો કરતા કહ્યું કે, લોકાયુક્ત આ કેસની સ્વતંત્ર અને ન્યાય સંગત તપાસ કરશે તેથી સત્ય બહાર આવી જ જશે. આ કોના રૂપિયા છે અને કોના માટે લાવવામાં આવ્યા હતા એ બધી વાતો બહાર આવે પછી કંઈ પણ કહી શકાય. બોમ્મઈએ એ પછી કૉંગ્રેસના કાળમાં કેવાં કૌભાંડો થયેલા તેની કથા માંડી દીધી.
અસલી વાત હવે આવે છે.
પ્રશાંત મદલ જે ૪૦ લાખ રૂપિયાની લાંચ લેતાં ઝડપાયો એ લાંચ શેના માટે લેતો હતો ? આ લાંચ કર્ણાટક સરકારના કર્ણાટક સોપ્સ એન્ડ ડિટરજન્ટ કોર્પોરેશનમાં એક કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ અપાવવા માટેની હતી. લંચની કુલ રકમ ૮૧ લાખ નક્કી થયેલી ને તેમાંથી પહેલા હપ્તાના ૪૦ લાખ લેવા જતાં જ પ્રશાંત ઝડપાઈ ગયો.
આ કર્ણાટક સોપ્સ એન્ડ ડિટરજન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે કોણ છે ખબર છે ? પ્રશાંત મદાલના પરમ પૂજનિય પિતા અને ભાજપના ધારાસભ્ય મદલ વીરુપક્ષપ્પા પોતે કર્ણાટક સોપ્સ એન્ડ ડિટરજન્ટ કોર્પોરેશનના ચેરમેન હતા. દીકરો લાંચ લેતો ઝડપાયો પછી તેમણે કર્ણાટક સોપ્સ એન્ડ ડિટરજન્ટ કોર્પોરેશનના ચેરમેનપદેથી રાજીનામું ધરી દેવું પડ્યું. રાજીનામાં પછીય વીરુપક્ષપ્પા એક જ રેકર્ડ વગાડ્યા કરે છે કે, મારે આ વાત સાથે કંઈ લેવાદેવા નથી ને ટેન્ડરની વાતની મને ખબર નથી.
ભાજપવાળા પણ ચૂપ છે. વીરુપક્ષપ્પાના ઘરમાંથી ૮ કરોડ રૂપિયા મળી આવ્યા એ નજર સામે છે, એક સરકારી એજન્સીએ આ રકમ પકડી છે ને છતાં ભાજપે વીરુપક્ષપ્પાને ભાજપે કશું કર્યું નથી. લોકાયુક્તે આ કેસમાં વીરુપક્ષપ્પાને આરોપી નંબર વન બનાવ્યા છે છતાં વીરુપક્ષપ્પા ભાજપના માનનિય સભ્ય છે.
ભાજપની માનસિકતા અમે કરીએ એ લીલા ને બીજાં કરે એ છિનાળું જેવી છે તેનો આનાથી વધારે મજબૂત પુરાવો બીજો શું હોય ?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -