પહેલી મેથી 16 કોચ સાથે દોડશે સિંહગઢ એક્સપ્રેસ
ઉનાળાની સિઝન શરૂ થાય અને મુસાફરીની પણ સિઝન શરૂ થાય. એવામાં લોકોને રેલવેમાં કન્ફર્મ બુકિંગ મેળવવા ભારે જહેમતનો સામનો કરવો પડે છે. જોકે, હવે લોકોને રાહત મળે તેવા સમાચાર આવ્યા છે. આ સમાચાર મધ્ય રેલવેએ આપ્યા છે, જે મુજબ મુંબઈ-પુણે વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને 1 મેથી રાહત મળશે. ટ્રેન નંબર 11009-11010 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પુણેથી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સિંહગઢ એક્સપ્રેસમાં સેકન્ડ ક્લાસ ચેર કાર કોચ ઉમેરવામાં આવશે.
આ નિર્ણય મહારાષ્ટ્ર દિવસથી લાગુ કરવામાં આવશે. આ કારણે 1 મેથી મુંબઈ-પુણે સિંહગઢ એક્સપ્રેસ 16 કોચ સાથે દોડશે. તેમાં એક એસી ચેર કાર, 13 સેકન્ડ ક્લાસ સીટ, બેગેજ કમ બ્રેક વાન અને જનરેટર કમ્પાર્ટમેન્ટ હશે. સેન્ટ્રલ રેલવેએ સિંહગઢ એક્સપ્રેસના વેઇટિંગ લિસ્ટમાં રહેલા મુસાફરોને તેમની ટિકિટ એકવાર ચેક કરવા અપીલ કરી છે. આ લોકોની વેઇટિંગ લિસ્ટની ટિકિટ કન્ફર્મ થઇ જવાના પૂરા ચાન્સિસ છે.