(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ગુજરાતમાં રાંધણ ગૅસ, પેટ્રોલ, ડીઝલ સહિતની જીવનજરૂરિયાતની ચીજ-વસ્તુઓનાના ભાવ સતત વધી રહ્યા છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગને મોંઘવારીના માર વચ્ચે સિંગતેલના ભાવમાં સતત વધારો થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. બજારમાં સીંગતેલના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં રૂ. ૯૦નો વધારો થતા ૧૫ કિલોના ડબ્બાનો ભાવ રૂ. ૩,૦૫૦ સુધીના બોલાયા હતા. આગામી દિવસોમા સીંગતેલ રૂ. ૩,૨૦૦ સુધી જવાની શક્યતા સેવાઈ રહી છે.
છેલ્લા એક સપ્તાહમાં સિંગતેલના ભાવ ફરી વધવાના શરૂ થયા છે. સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ. ૫૦ વધી ફરી એકવાર ત્રણ હજારની સપાટી વટાવી ૩,૦૫૦એ પહોંચી ગયો છે. સીંગતેલમાં સતત ભાવ વધારો થતાં મધ્યમ વર્ગ ચિંતામાં મુકાયો છે. બજારમાં સીંગતેલનો ૧૫ કિલો ડબ્બાનો ભાવ રૂ. ૨૯૪૦ થી ૩૦૫૦ની વચ્ચે બોલાયા હતા. કપાસિયા તેલના ભાવમાં ડબ્બે રૂ. ૧૦નો ઘટાડો નોંધાયો હતો. ગુજરાતમાં ચાલુ વર્ષે અંદાજે ૪૨.૬૪ લાખ મગફળીનો મબલખ પાક થયો હતો અને દરેક ૧૫ કિલોના આશરે ૬.૬૫ કરોડ તેલના ડબ્બાનું ઉત્પાદન થયાનો અંદાજ છે અને આટલા પુષ્કળ ઉત્પાદન વચ્ચે પણ મોંઘા તેલના ચાલતા ખેલને પગલે પહેલેથી જ ઉંચાઇ પર ટકાવેલું સીંગતેલમાં સતત વધારો થતાં રૂ. ૩૦૦૦ને પાર પહોંચતા ગરીબ અને મધ્યમ વર્ગને વધુ એક મોંઘવારીના મારમાં સામનો કરવો પડી રહ્યો છે. મગફ્ળીના ઊંચા ભાવ અને સાથે જ અમુક વેપારીઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહાખોરી ને કારણે સિંગતેલના ભાવમાં વધારો થઈ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.