લોકપ્રિય ગાયક અને રેપર એપી ધિલ્લોન વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સિંગરને ગંભીર ઈજાઓ થઈ છે, જે બાદ તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સિંગરે પોતે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે આ માહિતી શેર કરી છે.
ચાહકો તેમના પ્રિય ગાયકને આવી મુશ્કેલીમાં જોઈને દુઃખી છે અને એપી ધિલ્લોનના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે. લોકો એ જાણવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે કે એપી ધિલ્લોન કેવી રીતે ઘાયલ થયા!
એપી ધિલ્લોને તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક તસવીર શેર કરી છે. જેમાં તે હોસ્પિટલના બેડ પર ઘાયલ હાલતમાં જોવા મળી રહ્યા છે. જો કે તેને આટલી ગંભીર ઈજા કેવી રીતે થઈ તે અંગે કોઈ માહિતી શેર કરી નથી. તેમણે પોતાની પોસ્ટ દ્વારા માત્ર આ માહિતી આપી છે કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ દરમિયાન તેમને ગંભીર ઈજા થઈ છે. આ કારણે લોસ એન્જલસમાં તેમના કોન્સર્ટ રદ કરવામાં આવ્યા છે.
એપી ધિલ્લોને એક તસવીર શેર કરી છે. આ સાથે તેને લખ્યું, ‘કેલિફોર્નિયામાં મારા પ્રશંસકો સાથે સમાચાર શેર કરતા મારું હૃદય ભારે થઇ ગયું છે. લોસ એન્જલસમાં મારો શો સ્થગિત કરવામાં આવી રહ્યો છે, કારણ કે હું પ્રવાસ દરમિયાન અચાનક ઘાયલ થયો છું. હું ઠીક છું અને ટૂંક સમયમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ જઈશ. જોકે, હું આ સમયે પરફોર્મ કરી શકીશ નહીં. હું તમને બધાને જલ્દી મળવા માટે ઉત્સુક છું અને મારા કારણે તમને થયેલી કોઈપણ અસુવિધા માટે હું ક્ષમા ચાહું છું.
પોસ્ટમાં એપી ધિલ્લોને થોડા અઠવાડિયામાં ચાહકોને મળવાનું વચન પણ આપ્યું છે. તેમણે કહ્યું કે તમારી ટિકિટ નવા શેડ્યૂલ કરાયેલા શો માટે માન્ય રહેશે.
એપી ધિલ્લોન પ્રત્યે ચાહકોમાં ઘણો ક્રેઝ છે. ચાહકો તેમના ગીતોના દિવાના છે. ગાયકની સોશિયલ મીડિયા પર મજબૂત ફેન ફોલોઈંગ છે. તેમના શો આખી દુનિયામાં ખૂબ જ લોકપ્રિય છે.