ડિસેમ્બરમાં સોનાની આયાતમાં ૭૯ ટકાનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સોનામાં મક્કમ વલણ રહેતાં ભાવમાં ૦.૪ ટકા જેટલો વધારો આવ્યો હતો. જોકે, વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે સતત ત્રીજા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ જળવાઈ રહેતાં મધ્યસત્ર દરમિયાન ચાર પૈસાનો સુધારો દર્શાવાઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરમાં ઘટાડો તેમ જ સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહેતાં ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. પાંચનો ઘસરકો આવ્યો હતો. જોકે, ચાંદીમાં પણ વિશ્વ બજારથી વિપરીત સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની માગ નિરસ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૩૩૮નો ઘટાડો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મુખ્યત્વે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ પાંખી રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ કિલોદીઠ રૂ. ૩૩૮ના ઘટાડા સાથે રૂ. ૬૮,૦૨૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં રૂપિયામાં સુધારો અને ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. પાંચના ઘસરકા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૫,૮૮૫ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૬,૧૧૦ના મથાળે રહ્યા હતા.
ગત ડિસેમ્બર મહિનામાં સોનાના ભાવ ઊંચી સપાટીએ રહેવાને કારણે માગ પર માઠી અસર પડી હોવાથી ડિસેમ્બર મહિનાની સોનાની આયાત ડિસેમ્બર, ૨૦૨૧નાં ૯૫ ટન સામે ૭૯ ટકાના ઘટાડા સાથે ૨૦ ટન આસપાસ રહી હોવાનું એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે રૉઈટર્સને એક અહેવાલમાં જણાવતાં ઉમેર્યું હતું કે મૂલ્યની દૃષ્ટિએ ગત ડિસેમ્બરની આયાત આગલા ડિસેમ્બર મહિનાના ૪.૭૩ અબજ ડૉલર સામે ઘટીને ૧.૧૮ અબજ ડૉલરના સ્તરે રહી છે.
દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને અમેરિકાના ફુગાવાના ડેટાની જાહેરાત પૂર્વે ડૉલર નબળો પડતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધથી ૦.૪ ટકા વધીને ઔંસદીઠ ૧૮૮૩ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૪ ટકા ઘટીને ૧૮૮૬.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધથી ૦.૮ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩.૬૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે સતત વધી રહેલા ફુગાવાને અંકુશમાં રાખવા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધારો કરી રહી છે અને આજે જાહેર થનારા ફુગાવાની અસર ફેડરલની આગામી ૩૧ જાન્યુઆરી અને પહેલી ફેબ્રુઆરીની બે દિવસીય નીતિવિષયક બેઠક પર પડનાર હોવાથી થોડાઘણાં અંશે રોકાણકારોએ આજે સોનામાં નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. જો ફુગાવામાં નોંધપાત્ર ઘટાડો થશે તો ફેડરલ રિઝર્વ વ્યાજદર વધારવામાં આક્રમ અભિગમ નહીં અપનાવે તેવી શક્યતા સપાટી પર આવતા સોનાના ભાવ વધીને ઔંસદીઠ ૧૯૦૦ ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા વિશ્ર્લેષકો વ્યક્ત કરી રહ્યા છે.