(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: અમેરિકાના સેલ્સ ડેટા બહાર આવ્યા પછી ફેડરલ રિઝર્વના સ્ટાન્સ અંગેની વિવિધ અટકળો પાછળ વૈશ્ર્વિક ઇક્વિટી અને ફોરેક્સ માર્કેટમાં શરૂ થયેલી હલચલ વચ્ચે સોનાચાંદીના ભાવમાં સારી એવી પીછેહઠ જોવા મળી હતી. ચાંદીએ રૂ. ૧૩૪૧ના કડાકા સાથે રૂ. ૬૧,૨૫૨ની સપાટી ગુમાવી દીધી છે, જ્યારે અમેરિકન બોન્ડ યિલ્ડમાં સુધારો આવતા સોનું રૂ. ૫૨,૦૦૦ની નીચે સરક્યું છે.
બુલિયન ડીલરે જણાવ્યું હતું કે જીયોપોલિટિકલ ચિંતા ફરી હળવી થઇ જતાં કિંમતી ધાતુઓ માટેની સેફ હેવન ડીમાન્ડ પણ હળવી થઇ ગઇ હતી. વાયદા બજારમાં સટોડિયાઓએ પણ નવા લેણ ટાળ્યા હતા. આને કારણે ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. અપેક્ષાથી સારા આર્થિક ડેટા આવ્યા પછી અમેરિકન બોન્ડ યિલ્ડમાં સુધારો આવતા કોમેક્સ ગોલ્ડમાં પીછેહઠ જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફ્યુચરમાં ૦.૧૯ ટકાના ઘટાડા સાથે ૧૭૭૦.૫૦નો ભાવ બોલાયો હતો. સિલ્વર ફ્યુચરમાં પણ ચાંદીનો ભાવ ઘટાડા સાથે ઔંશદીઠ ૨૧.૩૨ બોલાયો હતો. સ્થાનિક બજારમાં ૯૯૯ ટચનું શુદ્ધ સોનું દસ ગ્રામદીઠ રૂ. ૫૩૦૯૫ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૮૯૩ની સપાટીએ ખૂલ્યું હતું, જ્યારે ૯૯૫ ટચનું સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૫૨,૮૮૧ના પાછલા બંધ સામે રૂ. ૫૨,૬૮૧ની સપાટીએ ખૂલ્યું હતું.
સત્રને અંતે શુદ્ધ સોનું દસ ગ્રામે રૂ. ૨૦૦ના ઘટાડા સાથે રૂ. ૫૨,૮૯૪ની સપાટીએ અને સ્ટાન્ડર્ડ સોનું રૂ. ૧૯૯ના ઘટાડા સાથે રૂ. ૫૨૬૮૨ની સપાટીએ સ્તિર થયું હતું. જ્યારે .૯૯૯ ટચની હાજર ચાંદી એક કિલોદીઠ રૂ. ૬૨,૫૯૪ની પાછલી બંધ સપાટી સામે રૂ. ૬૧,૩૦૦ની સપાટીએ ખૂલી હતી. સત્રને અંતે ચાંદીએ કિલોદીઠ રૂ. ૧૩૪૧ના કડાકા સાથે રૂ. ૬૧,૨૫૨ની સપાટી ગુમાવી હતી.
દેશાવરોમાં દિલ્હી ખાતે સોનામાં રૂ. ૧૬૧નો ઘટાડો હતો જ્યારે ચાંદીમાં રૂ. ૧,૧૧૧નું દોવાણ જોવા મળ્યું હતું. દિલ્હીના સર્રાફા બજારમાં સોનું દસ ગ્રામે રૂ. ૧૬૧ના ઘટાડા સાથે રૂ. ૫૩,૨૩૫ બોલાયું હતું અને ચાંદી એક કિલોદીઠ રૂ. ૧૧૧૧ના મસમોટા ગાબડાં સાથે રૂ. ૬૧,૯૫૮ બોલાઇ હતી.