Homeદેશ વિદેશવિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૫૦૩ તૂટી, સોનામાં ₹ ૧૦૪નો સુધારો

વિશ્ર્વ બજાર પાછળ ચાંદી ₹ ૫૦૩ તૂટી, સોનામાં ₹ ૧૦૪નો સુધારો

સોના-ચાંદીની ટેરિફ વૅલ્યૂમાં સરકારે વધારો કર્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં વધારાના આક્રમક વલણને કારણે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં વૈશ્ર્વિક બુલિયન માર્કેટમાં ગઈકાલે સોના-ચાંદીના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યા બાદ આજે ડૉલરમાં વધ્યા મથાળેથી સાધારણ પીછેહઠ જોવા મળતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયા હતા, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણે ભાવમાં બે ટકા જેટલો ઘટાડો નોંધાઈ ગયો હતો.
આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં આજે ખાસ કરીને ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ જળવાઈ રહેતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૫૦૩નો ઘટાડો આવ્યો હતો. જોકે, સરકારે સોનાની ટેરિફમાં વધારો કરતાં અસરકારક જકાતમાં વધારો થવાને કારણે હાજરમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૩થી ૧૦૪નો સુધારો આવ્યો હતો. દરમિયાન ગઈકાલે સરકારે સોના અને ચાંદીની આયાત માટેની ટેરિફ વૅલ્યૂ વધારીને અનુક્રમે ૧૦ ગ્રામદીઠ ૫૮૨ ડૉલર અને કિલોદીઠ ૭૭૧ ડૉલર નિર્ધારિત કરતાં સ્થાનિકમાં સોના-ચાંદીની આયાત જકાતમાં વધારો થવાને કારણે આયાત પડતરમાં પણ વધારો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં સતત બીજા સત્રમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ તેમ જ ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની લેવાલી પણ નિરસ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૫૦૩ ઘટીને રૂ. ૬૬,૦૬૫ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ અને રિટેલ સ્તરની લગ્નસરાની છૂટીછવાઈ માગ જળવાઈ રહી હોવા છતાં સત્ર દરમિયાન ડૉલર સામે રૂપિયામાં નરમાઈ તેમ જ ટેરિફ વૅલ્યૂમાં વધારો થતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૩ વધીને રૂ. ૫૩,૭૮૨ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. ૧૦૪ વધીને રૂ. ૫૩,૯૯૮ના મથાળે રહ્યા હતા. સાધારણ રૂ. નવના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૬૭૦ના મથાળે અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૩,૮૮૫ના મથાળે રહ્યા હતા. દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં વધ્યા મથાળેથી સાધારણ ૦.૨ ટકાનો ઘટાડો આવ્યો હોવા છતાં કામકાજો પાંખાં રહેતાં હાજરમાં સોનાના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી ૦.૧ ટકા ઘટીને ૧૭૭૫.૫૦ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૧ ટકા વધીને ૧૭૮૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ઔંસદીઠ ભાવ ગઈકાલના બંધથી બે ટકા ઘટીને ૨૨ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. આગામી વર્ષે અર્થતંત્ર મંદીની ગર્તામાં સરી જશે તો પણ વ્યાજદરમાં વધારાનું વલણ જાળવી રાખવામાં આવશે એવા ફેડરલ રિઝર્વના અધ્યક્ષના નિવેદન સાથે ગઈકાલે વૈશ્ર્વિક સોનું સાડા પાંચ મહિનાની ઊંચી સપાટીએથી પાછું ફર્યું હતું અને આ સપ્તાહમાં અત્યાર સુધીમાં સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. જોકે, હાલના મથાળે સોનાના વૈશ્ર્વિક ભાવ સ્થિર થવા મથી રહ્યા હોવાનું વિશ્ર્લેષકો જણાવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -