Homeઉત્સવકોલંબસની સમુદ્રી સફરનું મહત્ત્વ

કોલંબસની સમુદ્રી સફરનું મહત્ત્વ

માર્કો પૉલૉ અને કોલંબસે જ હાલના અંતરીક્ષયુગને જન્મ આપ્યો, પ્રેરણા પૂરી પાડી

બ્રહ્માંડ દર્શન -ડો. જે. જે. રાવલ

માર્કો પૉલૉની પૂર્વના દેશોની અભ્યાસયાત્રાનું વર્ણન અને વાતો વાંચી તેમાં લખેલા ભારત, ચીન, જાપાન જેવા પૂર્વીય દેશોનાં આંખ આંજી દે તેવા વૈભવ અને સંસ્કૃતિના અહેવાલો વાંચી પ્રેરણા પામેલો’ નાખૂડો ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનથી ભારત આવવા નીકળ્યો, માર્કો પોલૉએ પૂર્વીય દેશોના લોકો કેવું સાંસ્કૃતિક અને ભયકાદાર જીવન જીવે છે, ત્યાં રાજા-મહારાજાઓનાં કેવા વિશાળ મહેલો છે, ત્યાં સોનેથી મઢેલાં કેવા કલાકારિગરીવાળા મંદિરો છે, ત્યાં કેવા ઉમદા સાધુઓ છે, મંદિરમાં ઘંટારવ ગૂંજે છે, તેના વિશે તેના પુસ્તકમાં વિસ્તારથી લખ્યું હતું. પૂર્વીયદેશોનું રેશમનું કાપડ, તેજાના, હાથી, હાથીનાં દાંત, ઘોડા અને અન્ય વેપાર વગેરે વિશે જાણી કોલંબસ ભારત આવવા આકર્ષાયો હતો. તે પૂર્વમાંથી ભારત આવી શકે તેમ ન હતો, કારણ કે વચ્ચે વિશાળ વણખેડાયેલો ગાંડોતૂર એટલાન્ટિક મહાસાગર હતો અને આફ્રિકાને ફેરો, મારતાં ભલભલા નાખૂદાઓ થાકી ગયા હતાં. પોર્ટુગલના વિખ્યાત નાવિકો માત્ર દક્ષિણ આફ્રિકાની ટોચ સુધી જ જઈ શક્યા હતાં. કેપ ઓફ ગુડટોપ સુધી જઈ આશાબાંધી આવ્યા હતાં કે એક દિવસ તેઓ દક્ષિણ આફ્રિકાના પૂર્વ કિનારાને અડતાં અડતાં અરબીસમુદ્રમાં તેમજ વહાણો હંકારી ભારત પહોંચશે. પણ આથી વધારે તેઓ આગળ વધી શક્યાં ન હતાં. બીજું કે કોલંબસને પોર્ટુગીઝ નાવિકો જ નડે તેમ હતું તેથી કોલંબસે વિચાર કર્યો કે જો પૃથ્વી ગોળ હોય તો પશ્ર્ચિમ તરફથી પણ તે ટૂંકા માર્ગે ભારત પહોંચી શકે. આફ્રિકાના માર્ગને આવી રીતે નજર-અંદાજ કરી શકે. માટે તેણે ભારત પહોંચ્યા પશ્ર્ચિમના માર્ગે પ્રમાણ કર્યું. તે વખતે પંદરમી સદીના છેલ્લાં દશકામાં પણ લોકોને ખબર ન હતી કે આપણી પૃથ્વી ખરેખર કેટલી મોટી છે. તે વખતની જાણકારી પ્રમાણે તેણે સ્પેનથી ગણેલું ભારતનું અંતર ૪૦૦૦ કિ.મી.નું હતું પણ હકીકતમાં સ્પેનથી ભારતનું અંતર બમણું હતું. જ્યારે તેને વહાણના કાફલા સાથે સમુદ્રમાં ૪૦૦૦ કિ.મી.નું અંતર કાપ્યું ત્યાં તે વિશાળ ખંડ પાસે પહોંચ્યો. કોલંબસે માની લીધું કે તે ભારત છે. ચીન, જાપાન, એશિયા ખંડ છે, પણ હકીકતમાં અમેરિકાખંડ હતો. પૃથ્વીના પશ્ર્ચિમ ગોળાર્ધમાં ચોમેર સમુદ્રથી વીંટળાયેલ એક અજાણ્યો અને વિશાળખંડ હતો. આમ કોલંબસે અજાણ્યો પૃથ્વી પરની પશ્રિમી દુનિયા શોધી કાઢી. આમ તે વિશાળખંડનો શોધક બન્યો જે પાછળથી દુનિયામાં અમેરિકાખંડ તરીકે પ્રખ્યાત થયો અને દુનિયાના એક પ્રગતિશીલ દેશ તરીકે આગળ આવ્યો, જેને દુનિયાની જીવનરેખા બદલી નાંખી. હાલમાં તે ખંડ દુનિયા પર આધિપ્રત્ય ભોગવી રહ્યો છે અને મોટાભાઈ તરીકે ઓળખાય છે, અને તેના પ્રભાવ તળે હાલની દુનિયા જીવી રહી છે. લોકો માને છે કે કોલંબસ ક્રૂર અને ઘાતકી હતો, પણ ક્યા દુનિયાખેડૂઓ, સાગર ખેડૂઓ, દુનિયાને જીતનારા ઘાતકી નથી? કે નહીં હતાં? દુનિયાને સર કરવા નીકળેલાં કોઈ મહાવીર, બુદ્ધ કે ગાંધી નથી હોતાં, તેમની પરિસ્થિતિ જ મરું અથવા મારુંની હોય છે, હરક્ષણ તેમના સાગરીતો પણ તેને મારવા તૈયાર હોય છે. આવી પરિસ્થિતિમાં દુનિયા જીતવાં કે શોધવાં નીકળેલાં મહત્ત્વાકાંક્ષી માનવીઓ પાસેથી બીજી કોઈ અપેક્ષા જ રાખી ન શકાય. ભલે પછી તે મહંમદ ગઝની હોય, ચંગેઝખાન હોય, તૈમુરલંગ હોય, મહંમદ ધોરી, બાબર, વાસ્કો-દ-ગામા, મેગલન કે કોલંબસ હોય માટે જ દરેક દેશો પોતાનું રક્ષણ કરવા પર્યાપ્ત સૈન્યશક્તિ, જાસૂસીવિભાગ, બુદ્ધિશાળી માર્ગદર્શકો રાખવા ઘટે ભૂતકાળ હોય કે વર્તમાનકાળ હોય પરિસ્થિતિ બદલાઈ નથી. એ કાંઈ અંતરિક્ષમાં નવી
દુનિયા, નવાગ્રહો શોધવા નીકળેલાં આકાશવીરો કે વિજ્ઞાનીઓ નથી હોતાં.
કોલંબસ પ્રથમ માનવી હતો, પ્રથમ નાખૂદો હતો, પ્રથમ સાગરખેડૂ હતો, પ્રથમ સાહસવીર હતો જેને આવડી મોટી સમુદ્રસફર, તદ્દન ટાંચા સાધનો, માણસો વહાણોથી અને દુનિયા વિશે થોડી જ જાણકારી અને માહિતી સાથે કરી અને દુનિયામાં ઈતિહાસ સર્જયો.
માર્કો પોલૉ સંસ્કૃત, જિજ્ઞાસુ, વૈજ્ઞાનિક હતો અને તે દુનિયાનો અભ્યાસ કરવા નીકળ્યો હતો, જેની દુનિયામાં ભળવાની ઈચ્છા અને હેતુ જુદાં હતાં. તે જાણીતી દુનિયાનાં અજાણ્યાં પાસાનો અભ્યાસ કરવા નીકળેલો હતો અને તેને જે જ્ઞાન મળ્યું તેનો તેણે ફેલાવો કર્યો. તેણે જમીનમાર્ગે અને સમુદ્રમાર્ગે પ્રવાસ કર્યો, જ્યારે કોલંબસે તદ્દન અજાણી દુનિયામાં પ્રવાસ કર્યો અને પછી વાસ્કો-દ-ગામા અને મેગલન જેવા સમુદ્રી સાહસીઓ જન્મયાં. કોલંબસે તેમને પ્રેરણા પૂરી પાડી. કોલંબસની શોધે દુનિયાનો ઈતિહાસ બદલી નાંખ્યો.
કોલંબસે તેનો ભારત આવવાનો પ્રકલ્પ સૌપ્રથમ પોર્ટુગલના રાજા સમક્ષ મંજૂર કરવા રાખેલો. પણ પોર્ટુગલના રાજાએ તેનો અસ્વીકાર કર્યો. તેથી કોલંબસે તે પ્રકલ્પ સ્પેનના રાજા ફર્ડીતન્ડ અને રાણી ઈસાબેલા સમક્ષ રજૂ કર્યો આમ તો કોલંબસનો પ્રકલ્પ સ્પેનના રાજા પાસ ન કરત, પણ રાણી ઈસાબેલાની સિફારીશથી અને હરિફાઈમાં પોર્ટુગલથી આગળ નીકળી જવા ખાતર જ સ્પેનના રાજાએ કોલંબસનો પ્રકલ્પ મંજૂર કરેલો.
૧૪૯૨ના ઑગસ્ટ મહિનાની ત્રીજી તારીખે પરોઢ થતાં પહેલાં કોલંબસે તેના ત્રણ વહાણના લંગર સ્પેનના સમુદ્રમાંથી ઉપાડી લીધાં અને ભારત આવવાની યાત્રા માટે પ્રસ્થાન કર્યું. આ વહાણોનાં નામો સાન્તા, પેન્ટા અને નીના હતાં, તેની સાથે ૯૨ ખલાસીઓ હતાં. સ્પેન છોડ્યા પછી ૧૨ ઑક્ટોબર, ૧૪૯૨ને દિને કોલંબસે ભૂમિના દર્શન કર્યાં અને તે મહાસાગરનો એડમીરલ બની ગયો. ૧૪૯૮ સુધી કોલંબસ માનતો રહ્યો કે તે ભારતના કોઈ કાંઠે પહોંચ્યો છે. પણ જ્યારે તેને ખબર મળ્યાં કે વાસ્કો-દ-ગામા, પોર્ટુગીઝ સાગરખેડૂ ભારત પહોંચ્યો છે, ત્યારે તે તદ્દન ભોંઠો પડી ગયો.

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -