પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગઈકાલે મંગળવારે પાણીની પાઇપ લાઈનમાંથી અજાણી મહિલાના મૃતદેહના અવશેષો મળી આવતા દોડધામ મચી ગઈ હતી. જ્યારે આજે ફરી અન્ય એક વિસ્તારમાં ખોદકામ કરતા માનવ શરીરના વધુ અવશેષો મળી આવ્યા હતા. હાલ આ અવશેષોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. પાણીની પાઈપલાઈનમાં મળી આવેલા મૃતદેહો કોના છે એ અંગે રહસ્ય સર્જાયું છે.
મળતી માહિતી મુજબ સિદ્ધપુર શહેરના કેટલાક વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી દુર્ગંધયુક્ત પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી તો અમુક વિસ્તારમાં પાણી આવતું જ બંધ થઈ ગયું હતું. જેને લઈને નગરપાલિકા દ્વારા ખોદકામ કરી પાણીની લાઈનની તપાસ કરવામાં આવી હતી. મંગળવારે તપાસ દરમિયાન ઉપલી શેરી વિસ્તારમાં પાઈપલાઈનમાંથી માનવ શરીરના અવશેષો મળી આવતા ચકચાર ફેલાઈ ગઈ હતી. પાઈપલાઈનમાંથી હાથ,માથા અને પગના કોહવાયેલા ભાગ મળી આવ્યા હતા. જેને લઈને તંત્ર દોડતું થઈ ગયું હતું.
નિશાળ ચકલા વિસ્તારમાં પણ પાણી અંગે ફરિયાદ હતી. આજે ખોદકામ કરતાં પાઈપલાઈનમાંથી પગના અવશેષો મળી આવ્યા હતા. પાઇપ કાપીને અવશેષો બહાર કાઢી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હજુ પણ અન્ય પાઇપ લાઈન ચકસાવમાં આવી રહી છે જેમાં હજુ વધુ અવશેષો મળી આવે એવી શક્યતા છે.
પોલીસે મૃતદેહો અંગે તપાસ હાથ ધરી છે. મૃતદેહના અવશેષો અમદાવાદની એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. ગઈ કાલે અને આજે મળી આવેલા અવશેષો એક જ વ્યક્તિના છે કે અલગ અલગના એ અંગે તપાસ કરવામાં આવી રહી છે. એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ વધુ માહિતી મળી શકશે. અધિકારીના જણાવ્યા પ્રમાણે આ અવશેષો પ્રાથમિક દૃષ્ટિએ મહિલાના શરીરના લાગી રહ્યા છે.
પાણીની પાઇપલાઇનની સફાઈ જરૂરી હોવાથી હાલ પાણીનો પ્રવાહ બંધ કરવામાં આવ્યો છે. નગરપાલિકા દ્વારા ટેન્કરો મારફતે સમગ્ર વિસ્તારમાં પાણી પૂરું પહોંચડવામાં આવી રહ્યું છે.
ઘટનાને પગલે સમગ્ર શહેરમાં ચકચાર ફેલાઈ ગઈ છે.