ભારતનો રોમાંચક વિજય
હૈદરાબાદ: ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે હૈદરાબાદ ખાતે રમાયેલી પ્રથમ વન-ડેમાં શુભમન ગિલે બેવડી સદી ફટકારી અનેક રેકોર્ડ તોડી નાખ્યા હતા. ઓપનર શુભમન ગિલે ૧૪૫ બોલમાં બેવડી સદી ફટકારી હતી. ગિલ આખરે ૧૪૯ બોલમાં ૨૦૮ રન બનાવીને આઉટ થયો, જેમાં ૧૯ ચોગ્ગા અને ૯ છગ્ગાનો સમાવેશ થાય છે.
આ સાથે શુભમન ગિલે વન-ડે ક્રિકેટમાં તેના હજાર રન પૂરા કર્યા હતા. ૨૩ વર્ષના શુભમન ગિલે
માત્ર ૧૯મી ઇનિંગ્સમાં હજાર રન પૂરા કર્યા હતા. ગિલ હવે સૌથી ઓછી ઇનિંગ્સમાં હજાર રન બનાવનાર વિશ્ર્વનો બીજો બેટ્સમેન બની ગયો છે. ગિલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પણ પાછળ છોડી દીધો છે. બાબર આઝમે ૨૧ ઇનિંગ્સમાં પોતાના હજાર રન પૂરા કર્યા હતા. ગિલ ભારત માટે વનડેમાં સૌથી ઝડપી એક હજાર રન બનાવનાર ખેલાડી બની ગયો છે. પાકિસ્તાની બેટ્સમેન ફખર ઝમાને પણ ૧૮ ઇનિંગ્સમાં એક હજાર રન પૂરા કર્યા હતા. પાકિસ્તાનનો ઇમામ-ઉલ-હક અને ભારતનો શુભમન ગિલ ૧૯-૧૯ ઇનિંગ્સમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.
ઉપરાંત શુભમન ગિલ બેવડી સદી ફટકારનાર સૌથી યુવા બેટ્સમેન બની ગયો છે. શુભમને ૨૩ વર્ષ અને ૧૩૨ દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તેના પહેલા આ રેકોર્ડ ઈશાન કિશનના નામે હતો, તેણે ૨૪ વર્ષ ૧૪૫ દિવસની ઉંમરમાં બંગલાદેશ સામે વનડેમાં બેવડી સદી ફટકારી હતી. આ યાદીમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માનું નામ ત્રીજા નંબર પર છે. તેણે ૨૬ વર્ષ અને ૧૮૬ દિવસની ઉંમરમાં ઓસ્ટ્રેલિયા સામે વનડેમાં બેવડી સદી ફટકારી હતી.
સૌથી ઝડપી ૧૦૦૦ રન (વન-ડે ક્રિકેટમાં):
ફખર ઝમાન (પાકિસ્તાન) – ૧૮ ઇનિંગ્સ
શુભમન ગિલ (ભારત) – ૧૯ ઇનિંગ્સ
ઇમામ-ઉલ-હક (પાકિસ્તાન) – ૧૯ ઇનિંગ્સ
વિવિયન રિચાર્ડ્સ (વેસ્ટ ઇન્ડિઝ) – ૨૧ ઇનિંગ્સ
કેવિન પીટરસન (ઇંગ્લેન્ડ) – ૨૧ ઇનિંગ્સ
જોનાથન ટ્રોટ (ઇંગ્લેન્ડ) – ૨૧ ઇનિંગ્સ
ક્વિન્ટન ડિકોક (દક્ષિણ આફ્રિકા) – ૨૧ ઇનિંગ્સ
બાબર આઝમ (પાકિસ્તાન) – ૨૧ ઇનિંગ્સ
રાસી વાન ડેર ડુસેન (દક્ષિણ આફ્રિકા) – ૨૧ ઇનિંગ્સ