શિવપુરાણની જેમ જૈન ધર્મમાં પણ ટાઈમ ટ્રાવેલના પ્રસંગો મળી આવે છે.
વિજ્ઞાન એ પ્રયોગનું સત્ય પ્રમાણ આપે છે
કેન્વાસ -અભિમન્યુ મોદી
ભારતમાં મહાશિવરાત્રિ આવે એટલે શિવ મંદિરોમાં ભીડ વધી જાય. પણ શિવરાત્રી એટલે માત્ર ભાંગનું સેવન જ નહી. મહાદેવ અને શિવરાત્રિનું મહત્ત્વ ભારતીય સંસ્કૃતિના પરિપ્રેક્ષ્યમાં સમજવું પડે. ભગવાન શિવ એટલે દેવાધિદેવ. સર્વ પાપોનો વિનાશ કરનારા. શિદ્દતથી પ્રેમ કરનારા. બાહોશ લડવૈયા. બેનમૂન ડાન્સર. પ્રભાવશાળી નેતા. સર્વશક્તિમાન અને પ્રામાણિક. અત્યંત ભોળા, છતાં એમને ભોળવવા અશક્ય. અત્યંત શાર્પ સેન્સ ઓફ હ્યુમરના સ્વામી છતાં એકદમ શોર્ટ ટેમ્પર્ડ, ભક્તોના આવા ભવાડા નિહાળી શું તેમનો ગુસ્સો નહીં આવતો હોય. તેનાથી વધુ રોષ તો ભારતની પ્રજા પર અમેરિકન લેખકો અને વૈજ્ઞાનિકોને આવે છે. દિવંગત લેખિકા ઓક્ટાવીયા ઇ. બટલરની ટાઈમ ટ્રાવેલના કથાતત્વ પર બનેલી નોવેલ ‘કીંડર્ડ’ જયારે બેસ્ટ સેલિંગની કેટેગરીમાં આવી ત્યારે ઓક્ટાવીયાએ મીડિયાને જણાવ્યું કે તેને આ કથાબીજ શિવપુરાણમાંથી મળેલું. હા, ટાઈપિંગ મિસ્ટેક નથી. ભારતમાં ઉદભવેલા બે ધાર્મિક ગ્રંથોમાં ટાઈમ ટ્રાવેલનો ઉલ્લેખ તેમના પૌરાણિક ગ્રંથોમાં થયો.
પ્રથમ વાત શિવપુરાણની,સૃષ્ટિના સર્જક-પાલક અને સંહારક દેવાધિદેવ મહાદેવ ત્રિલોકના નાથ એવા શિવજી પોતાના ઇષ્ટ પ્રભુ રામના નામનું સદા સ્મરણ કરતા રહે છે. માતા પાર્વતી જયારે સતી સ્વરૂપે અવતરેલા ત્યારે પણ શિવજી રામ નામનો જાપ કરતા હતા.એ સમયે તો ભગવાન વિષ્ણુ તેમના તૃતીય અવતાર એટલે વરાહ અવતાર સ્વરૂપે જ દૃશ્યમાન થયેલા. તો રામ નામનો જાપ કેમ? દેવી સતીએ રામતત્ત્વને જાણવાની ઈચ્છા દર્શાવી. એટલે શિવજીએ ટૂંકમાં રામ-સીતાની કથા સંભળાવી, પરંતુ માનવ મનને ક્યારેય ટૂંકમાં ક્યારેય ક્યાં કંઈ સમજાય છે. દેવી સતીએ દલીલ કરીને ભવિષ્યમાં થનાર ઘટનાની સંપૂણ વિગતો જાણવાની જીદ્દ કરી.
શિવજીએ ત્રેતાયુગના સમયની રામ કથાનો પ્રારંભ કર્યો. શ્રીરામ પિતાની આજ્ઞાથી સીતા અને લક્ષ્મણની સાથે વનમાં આવ્યા હતા. દંડકારણ્યમાંથી રાવણ સીતાજીનું હરણ કરી ગયો હતો. રામ-લક્ષ્મણ સીતાજીની શોધમાં વનમાં નીકળ્યા, અચાનક કથા અટકાવીને દેવી સતીએ ભગવાન રામનાં દર્શન કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમને વિશ્ર્વાસ ન હતો કે નારાયણ પૃથ્વી પર માનવ તરીકે અવતાર લેશે. દેવી સતીનું માન જાળવવા મહાદેવ ટાઈમ ટ્રાવેલ કરીને તેમને દંડકારણ્યમાં લઈ ગયા. તેમણે રામ અને લક્ષ્મણને સીતાજીની શોધમાં સામાન્ય માણસની જેમ વિરહથી વ્યાકુળ નિહાળ્યા. દેવી વિચારવા લાગ્યાં કે જે બ્રહ્મ સર્વવ્યાપક, અજન્મા અને માયારહિત છે તે દેહધારી મનુષ્ય કેવી રીતે હોઈ શકે?
મહાદેવે દેવીને બહુ સમજાવ્યાં કે સમસ્ત બ્રહ્યાંડોના સ્વામી સ્વયં બ્રહ્મ શ્રીરામના સ્વરૂપે તેમના ભક્તોના હિત માટે પૃથ્વી પર અવતર્યા છે. પણ શિવની વાતોની બહુ અસર સતી પર થઈ નહીં. તેમણે સામી દલીલ કરી, જો તે બ્રહ્મ જ હોય તો તેમને ખબર નથી કે, સીતાજી ક્યાં છે?શિવજી દેવીને સમજાવવામાં નિષ્ફળ ગયા. છેવટે તેમણે એટલું જ કહ્યું, સતી! તમારો સંદેહ દૂર થતો ન હોય તો એમ કરો, તમે જ તેમની પાસે જઈ પરીક્ષા કરો, પરંતુ પરીક્ષા લેતાં તમે વિવેક ચૂકી ન જતાં. અને દેવી સતી બ્રહ્મતત્ત્વની પરીક્ષા લેવા ગયાં. આ પ્રભાવ દંડકારણ્યની ભૂમિનો હતો. આ ભૂમિ પર જ સીતાજીએ લક્ષ્મણને માર્મિક વચનો કહી મૃગ શોધવા ગયેલા રામને શોધવા જવા મજબૂર કરેલાને રાવણ દ્વારા સીતાહરણ થયેલું.શ્રીરામની પરીક્ષા કરવા દેવી સતીએ સીતાજીનું સ્વરૂપ ધારણ કર્યું. સીતાજીનું સ્વરૂપ ધારણ કરી સતી શ્રીરામચંદ્ર જે માર્ગે આવતા હતા એ તરફ ગયાં. સતી વિચારવાં લાગ્યાં કે જો તેઓ બ્રહ્મ હશે તો મને ઓળખી જશે. જો તે માનવી જ હશે તો મારો હાથ પકડી લેશે અને કહેશે કે, સીતા, તમે ક્યાં હતાં?
લક્ષ્મણનું ધ્યાન સતી પર પડ્યું. તેઓ જગદંબાને સીતાજીના સ્વરૂપમાં જોઈ ચકિત થઈ ગયા, પરંતુ શ્રીરામ સઘળું જાણી ગયા. તેમણે સીતાના સ્વરૂપમાં સતીને નિહાળતાં જ બે હાથ જોડી પ્રણામ કર્યાં. હવે સંબોધન શું કરવું તે પ્રશ્ર્ન ઉદ્ભવ્યો. સતી સીતાજીના સ્વરૂપમાં છે અને તેમને ‘માતાજી પધારો’ તેમ કહે તો તેમના ગૃહસ્થજીવનમાં બાધા આવે. એ જ રીતે સીતાજીના સ્વરૂપમાં જગદંબા છે, તેથી તેમને પત્ની તરીકેનું સંબોધન પણ કેમ કરાય? થોડુંક વિચાર્યા બાદ બે હાથ જોડી રામ બોલ્યા, મારા પિતા શિવ ક્યાં છે? તમે એકલાં વનમાં કેમ ફરો છો? દેવી સતી હતપ્રત થઈ ગયા અને નારાયણ સ્વરૂપ શ્રીરામને આશીર્વાદ આપી અંત:ધ્યાન થયા હતા. ભારતમાં નિર્માણ પામેલી ‘ૐ નમ: શિવાય’થી લઈને ‘દેવો કે દેવ મહાદેવ’ સહિતની ટીવી સિરિયલમાં પણ આ પ્રસંગને શબ્દશ: રજૂ કરવામાં આવ્યો છે. આ જ પ્રસંગને આધારે ઓક્ટાવીયા બટલરની કથામાં મુખ્યપાત્ર ટાઈમ ટ્રાવેલ કરે છે અને પછી ટાઈમલૂપમાં ફસાઈ જાય છે, પરંતુ એ વાતથી ભારતની પ્રજા અજાણ હોય એ સમજી શકાય છે.
શિવપુરાણની જેમ જૈન ધર્મમાં પણ ટાઈમ ટ્રાવેલના પ્રસંગો મળી આવે છે. વિજ્ઞાન એ પ્રયોગનું સત્ય આપે છે અને ધર્મ એ પ્રજ્ઞાનું સત્ય આપે છે. અંતે તો આ બંને માનવ જીવનને સમૃદ્ધ કરનારા માર્ગો છે. જૈન ધર્મમાં એક શબ્દ વારંવાર સાંભળવા મળે છે. ‘મહાવિદેહ ક્ષેત્ર’. જ્યાં તીર્થંકર વસે છે. આ ક્ષેત્ર કેવું છે? તેનો ઉલ્લેખ શાસ્ત્રના વર્ણન પ્રમાણે ‘ભારત વર્ષની ઉત્તર દિશામાં ૧૯,૩૧,૫૦,૦૦૦ કિલોમીટરના અંતરે જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રની શરૂઆત થાય છે. આ બ્રહ્માંડમાં કુલ પંદર ક્ષેત્રો છે. જ્યાં માનવ સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ છે, સજ્જનો છે, દુર્જનો છે, રાજા છે, પ્રજા છે, ઘર-બાર બધું જ છે. પણ મનુષ્યોની ઊંચાઈ, પહોળાઈ તથા આયુષ્ય વગેરેમાં નોંધનીય ફરક છે. આ પંદર ક્ષેત્રમાંથી પાંચ ભરત ક્ષેત્રોમાં તથા પાંચ ઐરાવત ક્ષેત્રોમાં પાંચમા આરામાં તીર્થંકરોની પ્રગટ હાજરી નથી. પણ પાંચ મહાવિદેહ ક્ષેત્રોમાં કુલ વીસ તીર્થંકરો વિચરી કરોડો જીવોને પરમપદની પ્રાપ્તિ કરાવી, આ સંસારના સમસરણ માર્ગની ભયંકર ભટકામણમાંથી મુક્ત કરાવી શાશ્ર્વત મોક્ષના અધિકારી બનાવી રહ્યા છે.’ આ ફિલસૂફી જ વર્ણવે છે.તીર્થંકરો એક એવા ટાઈમ ઝોનમાં છે. જ્યાંથી તેઓ સરળતાથી ટાઈમ ટ્રાવેલ કરી શકે છે.
હિંદુ વેદ-પુરાણમાં અપાયેલી સાપેક્ષવાદની થિયરી સમજવા માટે પૃથ્વી પરનાં ચાર યુગ અને બ્રહ્મલોકમાં ચાલતાં સમય વિશે થોડી વિગતવાર જાણકારી મળવી જરૂરી છે. ધર્મગ્રંથોમાં જણાવ્યા મુજબ, બ્રહ્મલોકમાં વસતાં ભગવાન બ્રહ્મા સમગ્ર વિશ્ર્વનાં સર્જનહાર છે. તેમનાં દ્વારા રચવામાં આવેલા ચાર યુગ-સતયુગ ૧૭ લાખ ૨૮ હજાર વર્ષ, ત્રેતાયુગ ૧૨ લાખ ૯૬ હજાર, દ્વાપર યુગ ૮ લાખ ૬૪ હજાર અને કળિયુગ ૪ લાખ ૩૨ હજાર કુલ ૭૧ વખત પુનરાવર્તન પામ્યા બાદ એક મનવંતર પૂરો કરે છે. મનવંતર જ્યારે ચૌદ વખત પુનરાવર્તન પામે ત્યારે અડધું કલ્પ પૂરું થયું ગણાય. ભગવાન બ્રહ્માનાં બ્રહ્મલોકની એક સવાર એટલે આ અડધો કલ્પ!! તેમનો બાકીનો અડધો દિવસ સંધ્યાકાળથી લઈને રાત સુધીનો સમય એટલે બીજો અડધો કલ્પ! સાદી ભાષામાં એવું કહી શકાય કે બ્રહ્મલોકમાં જ્યારે માંડ એક દિવસ પૂરો થાય ત્યાં સુધીમાં આપણી ધરતી પર અબજો વર્ષ વીતી ચૂક્યા હોય! માત્ર શિવપુરાણમાં જ નહિ મહાભારતમાં ટાઈમ ટ્રાવેલનો એક પ્રસંગ મળી આવે છે જે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રીલેટિવિટીનાં સિદ્ધાંત સાથે મળી આવે છે.
મહાભારતની કથા અનુસાર રાજા રેવતના સુપુત્ર કકુદમીને ત્યાં એક ખૂબસૂરત રાજકુમારીનો જન્મ થયો. જેને નામ અપાયું ’રેવતી’ રાજા કકુદમીએ પોતાની યુવાન થયેલી પુત્રીને પરણાવવા માટે અનેક રાજકુમારોની પરીક્ષા લીધી. પરંતુ એક પણ કુંવર એવો ન મળ્યો જે રેવતીને લાયક હોય. આખરે કોઈ ઉપાય ન જડતાં રાજા કકુદમી પુત્રી રેવતીને લઈને બ્રહ્મલોકમાં ગયા. ત્યાં પહોંચીને તેમણે જોયું તો બ્રહ્માજી ત્યાંનું સંગીત સાંભળવામાં મગ્ન હતા. સંગીત-સમારોહ પૂરો થાય ત્યાં સુધી રાજા કકુદમીએ પ્રતીક્ષા કરી. સંગીત પૂરું થયા બાદ જેવી બ્રહ્માજીએ પોતાની આંખો ખોલી કે તરત જ રાજા કકુદમીએ પોતાની મૂંઝવણ ભગવાનને કહી સંભળાવી. બ્રહ્માજીએ રાજા કકુદમીને બ્રહ્મલોકમાં ચાલતાં સમય, મનવંતર અને પૂર્ણ કલ્પ વિશે વિસ્તારપૂર્વક સમજાવ્યું. સાથોસાથ એ પણ કહ્યું કે રાજા કકુદમી તેમજ રાજકુમારી રેવતીએ બ્રહ્મલોકમાં પસાર કરેલી થોડી ક્ષણોની અંદર તો પૃથ્વી પર ૨૭ મનવંતર પૂરા થઈ ગયા છે. હવે ધરતીલોક પર એવું કોઈ જ નથી બચ્યું જે રાજા કકુદમી અને રેવતીને ઓળખતું હોય! તેમનાં તમામ સગા-વ્હાલાઓ અને પ્રજાજનો કાળની ગર્તામાં સમાઈ ગયા છે.રાજા કકુદમી હવે બરાબર મુંઝાયા.
તેમની પરેશાની પારખી ગયેલા બ્રહ્માજી ફરી મર્મમાં હસ્યા. તેમણે રાજાને જણાવ્યું કે, હે રાજન, તું મુંઝાઈશ નહી. તું અત્યારે જ તારી પુત્રીને લઈને પૃથ્વી પર જવા રવાના થા. તું પહોંચીશ ત્યાં સુધીમાં ધરતીલોક પર અઠ્ઠાવીસમાં મનવંતરનો દ્વાપર યુગ પૂરો થવાની તૈયારીમાં હશે. એ વખતે ભગવાન વિષ્ણુ કૃષ્ણ-અવતાર લઈ ચૂક્યા હશે. શેષનાગનું તેમના મોટાભાઈ બલરામ તરીકે પણ અવતરણ થશે. રાજકુમારી રેવતીનો જન્મ બલરામ સાથે પરણવા માટે જ થયો છે. બંનેનું પાણિગ્રહણ કરાવતાંની સાથે તને મોક્ષ પ્રાપ્ત થઈ જશે.એ જ ક્ષણે, રાજા કકુદમી બ્રહ્માજીને પ્રણામ કહીને પૃથ્વીલોક પર આવી ગયા. ત્યાં જોયું તો બધું જ બદલાઈ ચૂક્યું હતું. ભગવાન બ્રહ્માએ કરેલા ભવિષ્યકથન મુજબ, શ્રીકૃષ્ણના ભાઈ બલરામ સાથે પોતાની પુત્રી રેવતીનો હસ્તમેળાપ કરાવી રાજા કકુદમીએ હિમાલય તરફ પ્રયાણ કર્યું. હવે, આલ્બર્ટ આઇન્સ્ટાઈનની થિયરી ઓફ રીલેટિવિટીનાં ચોથા મુદ્દા પર એક નજર ફેરવી જુઓ. પૃથ્વીથી કરોડો પ્રકાશવર્ષ દૂર આવેલા કોઈ ગ્રહ સુધી અગર વ્યક્તિ પ્રકાશની ગતિએ પ્રવાસ ખેડીને પાછો આવે તો તેની ઉંમરમાં રતીભારનો પણ ફેરફાર ન થાય! રાજા કકુદમીનો ભગવાન બ્રહ્મા સાથેનો સંવાદ આ વાતની સાક્ષી પુરાવે છે.
આવા તો કંઈ-કેટલાય કિસ્સા-ગાથાઓ ભારતના ગ્રંથોમાં કહેવાઈ ચૂકી છે, પરંતુ આજસુધી તેનાં સાયન્ટિફિક મહત્ત્વને જનમાનસ સુધી પહોંચાડવા માટેનાં પ્રયાસોમાં દુર્લક્ષતા જોવા મળી રહી છે. જેનાં લીધે યંગસ્ટર્સ કદાચ ધર્મપ્રિયને બદલે ધર્મભીરું બની ગયા છે!