દિલ્હીના ચકચારી શ્રદ્ધા હત્યા કેસની તપાસમાં હત્યારા આફતાબ પૂનાવાલાનું ગુજરાત કનેક્શન સામે આવ્યું છે. દિલ્હી પોલીસની તપાસમાં આફતાબ ડ્રગ્સ લેતો હોવાનું સામે આવ્યું છે, હવે આ તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. આફતાબ સુરતના ડ્રગ પેડલર પાસેથી ડ્રગ મંગાવતો હોવાનું બહાર આવ્યું છે. ગુજરાત પોલીસે સુરતમાંથી ડ્રગ્સ પેડલર ફૈઝલ મોમીનની ધરપકડ કરી છે.
શ્રદ્ધા હત્યા કેસમાં એક પછી એક નવા ખુલાસા થઈ રહ્યાં છે. મળતી માહિતી મુજબ આફતાબ શ્રદ્ધા સાથે દિલ્હી શિફ્ટ થતાં પહેલાં મુંબઈના વસઈ વેસ્ટમાં ભાડે રહેતો હતો ત્યારે ડ્રગ પેડલર ફૈઝલ મોમીનના સંપર્કમાં આવ્યો હતો. વસઈ પોલીસની તપાસમાં આફતાબ ફૈઝલ મોમીનના ઘરે અને તેના વિસ્તારમાં ઘણી વખત ગયો હોવાની માહિતી સામે આવી છે. ફૈઝલ મોમીન હાલ સુરતમાં રહેતો હતો અને ડ્રગ્સનો કારોબાર કરતો હતો. ગુજરાત પોલીસ હવે ફૈઝલના કોલ રેકોર્ડની તપાસ કરશે.
પોલીસે આપેલી માહિતી મુજબ આફતાબ ડ્રગ એડિક્ટ હતો. તેણે પોલીસ પૂછપરછમાં એવી પણ કબૂલાત કરી છે કે તે ચરસ અને ગાંજાનું સેવન કરતો હતો અને ડ્રગ્સની આદત હતી. કથિત રીતે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે આખી રાત મૃતદેહ પાસે બેસીને ગાંજો ફૂંક્યો હતો. ત્યારબાદ 10 કલાકમાં તેણે શ્રદ્ધાના શરીરના 35 ટુકડા કરી નાખ્યા હતા.
આજે સોમવારે આફતાબ પૂનાવાલાને દિલ્હીના રોહિણી સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ખાતે વધુ એક પોલીગ્રાફ ટેસ્ટ સેશન માટે લઇ જવાશે. પોલીગ્રાફ ટેસ્ટના પ્રથમ રાઉન્ડ દરમિયાન, આફતાબે તાવની ફરિયાદ કરી હતી અને દિલ્હી પોલીસ દ્વારા તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.