મુંબઈ: કોલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધા વાલકરને એવી શંકા હતી કે તેનો લિવ-ઇન-પાર્ટનર આફતાબ પૂનાવાલા તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે અને તેથી સ્વચ્છતા ઝુંબેશ દરમિયાન શ્રદ્ધા શાંત અને એકલી એકલી રહેતી હતી, એમ મુંબઈની ચોપાટીઓની સ્વચ્છતા ઝુંબેશ સાથે સંકળાયેલી સમાજસેવિકા શ્રેહા ધારગળકરે જણાવ્યું હતું. શ્રેહા સાથે શ્રદ્ધા અનેક સ્વચ્છતા ઝુંબેશમાં જોડાઇ હોવાથી તેમનો પરિચય હતો.
શ્રદ્ધાને આર્થિક સમસ્યા હતી અને આફતાબ સાથે તેનો વારંવાર ઝઘડો થતો હતો. શ્રદ્ધા પોતાનો નાનો પરિવાર અને સંતાન ચાહતી હતી, એમ એનજીઓ ચલાવતી શ્રેહાએ કહ્યું હતું.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મહરૌલી ખાતેના ઘરમાં આફતાબે મે મહિનામાં શ્રદ્ધાની હત્યા કરીને તેના શરીરના ૩૫ ટુકડા કર્યા હતા, જેને ત્રણ સપ્તાહ સુધી ફ્રિજમાં રાખી મૂક્યા હતા. દિલ્હી પોલીસે આફતાબની ધરપકડ કરી હતી અને મંગળવારે તેને દક્ષિણ દિલ્હીના છત્તરપુરના વનવિસ્તારમાં લઇ ગઇ હતી, જ્યાં શ્રદ્ધાના શરીરના ટુકડા શોધવા ત્રણ કલાક વિતાવ્યા હતા.
શ્રેહાએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મરાઠી અભિનેત્રી માધુરી સંગીતા પાટીલ સાથે મુંબઈમાં વર્સોવા, જુહુ, મઢ અને આક્સા બીચમાં સ્વચ્છતા ઝુંબેશ યોજી હતી. શ્રદ્ધા તેમાં ભાગ લેતી હતી, પરંતુ તે મલાડના કોલ સેન્ટરની નોકરી છોડવા માગતી નહોતી. જોકે આફતાબ શ્રદ્ધાને કહેતો હતો કે તેના વાલી પોલીસ ફરિયાદ નોંધાવી શકે છે. આથી તેમણે મુંબઈ અને વસઇથી દૂર રહેવા માટે જતા રહેવું જોઇએ. શ્રદ્ધા પર આ માટે તે સતત દબાણ કરતો હતો. શ્રદ્ધા અનેક બાબતે ચિંતિત હતી. તેને મેં એકલી એકલી કેમ રહે છે અને સમૂહમાં હળતીમળતી કેમ નથી એવું પૂછ્યું ત્યારે શ્રદ્ધાએ જવાબ આપ્યો હતો કે તે તાણ અને ચિંતામાં છે.
તેને આર્થિક સમસ્ય હતી એવું શ્રદ્ધાએ કહ્યું હતું, પરંતુ તેના લિવ-ઇન સંબંધ વિશે ઉલ્લેખ કર્યો નહોતો. જોકે તેનો પ્રેમી તેને મુંબઈ અને મહારાષ્ટ્ર છોડવા દબાણ કરતો હતો અને તેમની વચ્ચે ઝઘડા તથા ગેરસમજૂતી તથા આફતાબ તેને છેતરી રહ્યો છે એવી તેની શંકાને લીધે તે કામ પર ધ્યાન આપી શકતી નહોતી. તેમના સંબંધ સતત બગડતા હતા અને અમુક વાર તેમની વચ્ચે નાણાંની તંગી પણ રહેતી હતી, એમ શ્રેહાએ કહ્યું હતું.
એનજીઓમાં પાર્ટ-ટાઇમ કે વર્ક ફ્રોમ હોમ કામની તક છે કે કેમ, જેથી તે વધુ કમાણી કરી શકે એવું શ્રદ્ધાએ મને પૂછ્યું હતું. તેને મુંબઈ બહુ ગમતું અને શહેર માટે ખાસ કરીને સ્વચ્છતાની બાબતમાં તે કશુંક કરવા માગતી હતી. તે મહેનતું હતી, પણ અન્યો સાથે હળતીમળતી કે ઝાઝી વાતો કરતી નહોતી. તેની જોડે વાત કરાય અથવા પ્રશ્ર્ન પુછાય ત્યારે જ તે બોલતી. તે રિઝર્વ્ડ રહેતી અને મોટે ભાગે એકલી રહેતી. તે પરિવાર કે અંગત જીવન વિશે કશું બોલતી નહોતી, એમ શ્રેહાએ જણાવ્યું હતું. (પીટીઆઇ)