મુંબઈ: કોલ સેન્ટરની કર્મચારી શ્રદ્ધા વાલકરની હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા લિવ-ઇન પાર્ટનર આફતાબ પૂનાવાલાને શનિવારે દિલ્હી કોર્ટ સમક્ષ વર્ચ્યુઅલ પદ્ધતિથી હાજર કરાયો હતો, ત્યારે તેણે કહ્યું હતું કે તેના વતી જામીન અરજી કરવામાં આવી છે તે વિશે પોતે વાકેફ નથી.
આફતાબે વીડિયો કોન્ફરન્સ થકી હાજર રહીને કહ્યું હતું કે તેણે વકાલતનામા પર સહી કરી હોવા છતાં મારા વકીલ દ્વારા જામીન અરજી કરવામાં આવશે એ વિશે હું વાકેફ નથી. એડિશનલ સેશન્સ જજ વૃંદા કુમારીએ જણાવ્યું હતું કે જામીન અરજીને પેન્ડિંગ રહેવા દો. આરોપી તેના વકીલને મળે તે બાદ જ જામીન અરજી વિશે નિર્ણય લેવાશે.
આફતાબે હાલમાં ખાનગી વકીલ એમ.એસ. ખાનની નિયુક્તિ કરી છે, જેણે પોતાના અસીલને મળવા માટે સમય માગતાં કોર્ટે આ મામલાની વધુ સુનાવણી ૨૨ ડિસેમ્બર પર મોકૂફ રાખી હતી. આફતાબે કોર્ટને ઇ-મેઇલ દ્વારા જણાવ્યું હતું કે જામીન અરજી ભૂલથી કરવામાં આવી છે. તેની નોંધ લેતાં જજે કહ્યું હતું કે જામીન અરજી દાખલ કરવા એમ.એસ. ખાનને આપેલી પરવાનગી રદબાતલ ઠરે છે.
સૌપ્રથમ સવારે ૧૧.૩૦ વીડિયો કોન્ફરન્સિંગ થકી આરોપી સાથે મને વાત કરવા દો, એમ જજે જણાવ્યું હતું. બાદમાં આફતાબ હાજર થયો ત્યારે જજે તેને પૂછ્યું હતું કે શું તે અરજી પાછી ખેંચવા માગે છે, જે પછી આરોપીએ કહ્યું હતું કે મારા વકીલ જોડે મારે વાત કરવી છે અને બાદમાં જામીન અરજી પાછી ખેંચવા અંગે નિર્ણય લઇશ.
કોર્ટે તાજેતરમાં નિયુક્ત કરાયેલા વિશેષ સરકારી વકીલ અમિત પ્રસાદને એમ પણ પૂછ્યું હતું કે આફતાબને વીડિયો કોન્ફરન્સ થકી સુનાવણીની આગામી તારીખે કોર્ટ સમક્ષ હાજર રહેવાનું આવશ્યક રહેશે. સરકારી વકીલે હકારમાં પ્રતિસાદ આપ્યો હતો. (પીટીઆઇ)