મુંબઈ: દિલ્હીમાં લિવ-ઇન-પાર્ટનર શ્રદ્ધાની ક્રૂરતાથી હત્યા કરનારા આફતાબ પૂનાવાલાએ પંદર દિવસ પૂર્વે જ તેના પરિવારને વસઇની હાઉસિંગ સોસાયટીમાંથી મુંબઈમાં ખસેડવા માટે મદદ કરી હતી, એમ સોસાયટીના સભ્યએ જણાવ્યું હતું.
વસઇની યુનિક પાર્ક હાઉસિંગ સોસાયટીમાં આફતાબ પંદર દિવસ અગાઉ આવ્યો હતો અને તેણે પોતાના પરિવારને મુંબઈ શિફ્ટ થવામાં મદદ કરી હતી. આફતાબ તે સમયે સામાન્ય મુજબ વાતો કરતો હતો. આફતાબે આવો ઘાતકી ગુનો કર્યો હશે એવો કોઇ વિચાર પણ કરી નહીં શકે, એમ સોસાયટીના સભ્યએ કહ્યું હતું.
પૂનાવાલા પરિવાર આ સોસાયટીમાં ફ્લેટ ધરાવતો છે અને અહીંથી શિફ્ટ થવા પૂર્વે ૨૦ વર્ષ તેમણે વસવાટ કર્યો હતો. તેમની વિરુદ્ધ કોઇએ ક્યારેય ફરિયાદ કરી નહોતી. અમે તેમને શિફ્ટિંગ વિશે પૂછ્યું ત્યારે આફતાબના પિતાએ જણાવ્યું હતું કે મારા દીકરાને મુંબઈમાં નોકરી મળી છે અને તેની કંપની ભાડું ભરશે. મુંબઈમાં નોકરી મળી હોવાથી રોજ વસઇથી આવવા-જવાનું મુશ્કેલ બને એમ હતું. આથી શિફ્ટિંગ કરીએ છીએ.
હાઉસિંગ સોસાયટીના સેક્રેટરી અબ્દુલ્લા ખાન એ જ વિંગના ત્રીજા માળે રહે છે, જ્યાં પૂનાવાલા પરિવાર રહેતો હતો. ખાને જણાવ્યું હતું કે આફતાબ અને તેના પરિવારના સભ્યોનું વર્તન અન્ય રહેવાસીઓ સાથે ખૂબ સારું હતું. આશરે પંદર દિવસ અગાઉ જ તેમણે ફ્લેટ ખાલી કર્યો હતો અને ભાડે આપ્યો હતો. તેઓ મુંબઈ નજીક ક્યાંક જતા રહ્યા. આફતાબે જણાવ્યું હતું કે તે દિલ્હી રહે છે. તેના વર્તનમાં મને કોઇ પણ ફેરફાર જણાયો નહીં. આ હત્યાકાંડ વિશે જાણીને અમને મોટો આંચકો લાગ્યો છે, એમ ખાને કહ્યું હતું. (પીટીઆઇ)