મહારાષ્ટ્ર સરકાર શ્રદ્ધા મર્ડર કેસને લઈને મોટો નિર્ણય લેવા જઈ રહી છે, એવી માહિતી મહારાષ્ટ્રના મહિલા અને બાળ વિકાસ ખાતાના પ્રધાન મંગલપ્રભાત લોઢાએ આપી હતી અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દરખાસ્ત કરી છે કે આંતર-જ્ઞાતિય પ્રેમ અને લગ્નની બાબતોમાં તેમના પરિવારથી અલગ થયેલી છોકરીઓ માટે એક સમિતિની રચના કરવામાં આવશે.
મહારાષ્ટ્ર સરકાર આગામી 7 થી 10 દિવસમાં 10 સભ્યોની એક સમિતિની રચના કરશે, જેમાં આંતર-જ્ઞાતિ પ્રેમ કેસોમાં પરિવારથી અલગ થયેલી છોકરીઓ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. શ્રદ્ધાની હત્યા બાદ રાજ્ય સરકાર આ મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે. આ માહિતી આપતાં મહિલા અને બાળ વિકાસ પ્રધાન મંગલપ્રભાત લોઢાએ કહ્યું કે, હવે પ્રેમ માટે લગ્ન કરતી છોકરીઓની સમસ્યા દૂર થઈ જશે.
લોઢાના જણાવ્યા અનુસાર, આ કમિટી આંતર-જ્ઞાતિ પ્રેમ સંબંધોને કારણે તેમના પરિવારથી અલગ થયેલી છોકરીઓને મળશે અને તેમની સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરશે. ઉલ્લેખનીય છે કે 28 વર્ષીય આફતાબ પૂનાવાલાની દિલ્હી પોલીસે 12 નવેમ્બર 2022ના રોજ દક્ષિણ દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં ભાડાના ફ્લેટમાં તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધાની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે આફતાબે શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના શરીરના લગભગ 35 ટુકડા કરી દીધા હતા અને લગભગ ત્રણ અઠવાડિયા સુધી ઘરે રેફ્રિજરેટરમાં રાખ્યા હતા. ત્યારબાદ તે ઘણા દિવસો સુધી તેને શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફેંકતો રહ્યો હતો. આ કેસમાં આફતાબનો નાર્કો અને પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેણે શ્રદ્ધાની હત્યા કર્યાની કબૂલાત કરી છે. હાલ આફતાબ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.