શ્રદ્ધા વાલકર મર્ડર કેસમાં દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે શ્રદ્ધાની ફિઝિયો થેરેપિસ્ટ પૂનમે મીડિયા સાથે વાતચીત દરમિયાન ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પૂનમ મુંબઈમાં શ્રદ્ધાની થેરેપિસ્ટ રહી ચૂકી છે અને શ્રદ્ધાએ આફતાબના અત્યાચારની કહાની તેને જણાવી હતી. શ્રદ્ધા આફતાબ સાથે મારપીટ બાદ તેણે ત્રણ વાર મદદ માગી હતી. પૂનમે તેને સમજાવી હતી, તેમ છતા શ્રદ્ધાએ આફતાબ સાથે મળવાનું ચાલુ રાખ્યું હતું અને પછી તે દિલ્હી જતી રહી હતી.
પૂનમે આ અંગે જણાવ્યું હતું કે, શ્રદ્ધાએ મને કહ્યું હતું કે જ્યારે આફતાબ તેને મારતો હતો તે રાતે ઘરે આવતો નહોતો. તે તેના માતા-પિતા પાસે જતો રહેતો હતો. આફતાબના માતા-પિતા શ્રદ્ધાને મનાવતા હતાં અને તે માની જતી હતી. એક વાર તે મારી પાસે આવી હતી ત્યારે તેના માથા, ગાલ અને ગળા પર કાળી સહીના નિશાન હતાં. આફતાબ શ્રદ્ધાને એટલા માટે મારતો હતો કારણ કે શ્રદ્ધા નોનવેજ ખાવાનો ઈનકાર કરતી હતી. આફતાબ જ્યારે બહારથી આવતો ત્યારે કે કોઈને કોઈ વાતથી ગુસ્સે થઈને શ્રદ્ધાને મારતો હતો.
પૂનમે વધુમાં જણાવ્યું હતું કે, એક વાર આફતાબે શ્રદ્ધાને મારી હતી તો તે આફતાબને લઈને પોલીસ સ્ટેશન પણ ગઈ હતી અને આફતાબ સામે એક એનસી પણ દાખલ કરાવી હતી. પછી બંને વચ્ચે બધુ બરાબર થઈ ગયું હતું. શ્રદ્ધાએ જો પહેલી વારમાં મારી વાત માની હોત તે તે કદાચ જીવતી હોત.