પોતાની લિવ-ઈન પાર્ટનરની હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાએ શુક્રવારે જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી, એવી આરોપીના વકીલે માહિતી આપી હતી.
આફતાબ પૂનાવાલાએ (28) કથિત રીતે તેની લિવ-ઈન પાર્ટનર શ્રદ્ધા વાલ્કરની હત્યા કરી હતી, તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા અને તેને રાજધાની દિલ્હીના વિવિધ ભાગોમાં ફેંકી દીધા હતા.
પૂનાવાલાના વકીલે જણાવ્યું હતું કે એડિશનલ સેશન્સ જજ વૃંદા કુમારી આ અરજી પર શનિવારે સુનાવણી કરે તેવી શક્યતા છે. તેમણે કહ્યું કે આ કેસમાં પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ ગઈ હોવાથી અને ચાર્જશીટ દાખલ થવાની બાકી હોવાથી આરોપીને ન્યાયિક કસ્ટડીમાં રાખવાનું કોઈ કારણ નથી. ઉલ્લેખનીય છે કે પૂનાવાલાની ન્યાયિક કસ્ટડી 9 ડિસેમ્બરે વધુ 14 દિવસ માટે લંબાવવામાં આવી હતી.