શો-શરાબા – દિવ્યકાંત પંડ્યા
૨૦૨૨ની ચટાકેદાર ફિલ્મી વાનગીઓ
—
૨૦૨૨ના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કેટલીક મજાની ફિલ્મ્સ દર્શકોને સ્પર્શી ગઇ તો કેટલીકે નિરાશ પણ કર્યા. ચાલો આજે આપણે રિવાઇન્ડ કરીએ વર્ષ દરમિયાન બનેલી સારી અને યાદગાર સિનેમેટિક ઇવેન્ટ્સ અને મોમેન્ટ્સને. આમ તો દરેક કોન્ટેન્ટ કોઇ ને કોઇ રીતે નોંધવા જેવું હોય જ, પણ આપણે જરા નજર કરીએ એવી બાબતો પર જે સિનેમાના ઈતિહાસને આગળ ધપાવવામાં ભાગ ભજવતી હોય. તો આ રહ્યો ૨૦૨૨ની હાઇલાઇટ્સનો થાળ મનોરંજન દેવ માટે:
—
ગુજ્જુ બિગ બી:
‘ખુશ્બુ ગુજરાત કી’ કહેતા આપણે અમિતાભ બચ્ચનને ઘણી વખત સાંભળ્યા છે પણ તેમને કદી ગુજરાતી ફિલ્મમાં અભિનય કરતા જોયા નથી. પણ ૨૦૨૨ના વર્ષે એ સંભવ કરી બતાવ્યું છે. દિગ્દર્શક જય બોડાસની ગુજરાતી ફિલ્મ ફક્ત ‘મહિલાઓ માટે’માં બિગ બીએ ગુજરાતી કલાકારો સાથે એક નાનકડી ભૂમિકામાં કામ કર્યું છે. જોકે આ પહેલાં અમિતાભ બચ્ચને ૨૦૧૩માં ‘સપ્તપદી’ નામની ગુજરાતી ફિલ્મનું નિર્માણ કરેલું પણ પોતે અભિનેતા તરીકે ગુજરાતી ફિલ્મમાં જોડાયા હોય એવી આ પહેલી ઘટના છે!
—
ગુજરાતી ટુ ધ ઓસ્કર્સ:
વિશ્ર્વના સૌથી મોટા સિનેમા એવોર્ડ શો એકેડમી એવોર્ડ્ઝમાં ૨૦૨૨ની ભારત તરફથી મોકલવામાં આવેલી ઓફિશિયલ એન્ટ્રી એટલે દિગ્દર્શક પાન નલિન (નલિન પંડ્યા)ની ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ (ધ લાસ્ટ ફિલ્મ શો).
અનેક ફિલ્મ ફેસ્ટિવલ્સ અને એવોર્ડ્ઝમાં ધૂમ મચાવી ચૂકેલી આ ફિલ્મ સૌ માટે ગૌરવવંતી છે. (વર્ષની શરૂઆતના ‘શો-શરાબા’ના એક લેખમાં રિલીઝ થનારી મહત્ત્વપૂર્ણ ફિલ્મ્સની યાદીમાં ‘છેલ્લો શો’ પણ સામેલ હતી.)
—
ટોમ ક્રુઝ: ટોપ ગન, સ્ટીલ ધ વન:
આ વર્ષે હોલીવૂડની અત્યાર સુધીની ‘એવેટાર ૨’ના કુલ અંક હજુ ન ગણી શકાય તેથી) ૧.૪૮૯ બિલિયન ડૉલરની કમાણી સાથે બિગેસ્ટ બ્લોકબસ્ટર ફિલ્મ એટલે ‘ટોપ ગન: મેવરિક’. આ સફળતા બે રીતે પ્રેરણાદાયક છે. એક તો એ કે અભિનેતા ટોમ ક્રુઝ ૬૦ વર્ષની વયે પણ એક્શન કરે છે અને લોક્ચાહનાના જોરે ફિલ્મને નંબર વન બનાવે છે. અને બીજી વાત એ કે આ ફિલ્મ છેક ૧૯૮૬માં રિલીઝ થયેલી ટોપ ગનપનો બીજો ભાગ છે. આટલા વર્ષના અંતરાલે પણ કોન્ટેન્ટના જોરે સિક્વલ હિટ થઇ શકે એની ખાતરી એટલે ‘ટોપ ગન: મેવરિક’!
—
દામ મેં હૈ દમ:
એક પછી એક નિષ્ફ્ળતા પછી થોડી અક્કલ આવી એટલે બોલીવૂડે દર્શકોને લાવવા માટે લો ટિકિટ પ્રાઇસિંગ મોડલ અપનાવ્યું અને ઘણાં અંશે એ સફળ પણ થયું. મલ્ટીપ્લેક્સ કલ્ચર પછી મોંઘાદાટ ભાવથી સામાન્ય માણસ થિયેટરમાં ફિલ્મ જોવા જ ઓછો જાય છે ત્યારે ૨૩ સપ્ટેમ્બરે નેશનલ ‘સિનેમા ડે’ પર ૭૫ રૂપિયાની ટિકિટનો સારો પ્રતિસાદ મળ્યો. એ પછી ૧૦૦ કે ૧૫૦ જ દામ રખાતા દર્શકો ખુશ થઇને ‘બ્રહ્માસ્ત્ર’, ‘ચૂપ’, ‘ધોખા: રાઉન્ડ ધ કોર્નર’, ‘કાંતારા’ જેવી ફિલ્મ્સ જોવા પહેલાની સરખામણીએ થિયેટર તરફ વળ્યા ખરા!
—
ગન કી હેરા ફેરી:
માર્વેલની સફળતા અને અને ડીસીના સંઘર્ષની હરીફાઇ વિષે સૌ જાણે છે. માર્વેલ માટે ઉત્કૃષ્ટ ‘ગાર્ડિયન્સ ઓફ ધ ગેલેક્સી’ સિરીઝ બનાવનાર દિગ્દર્શક જેમ્સ ગન પર ડિઝની (માર્વેલ ડિઝની પાસે છે) દ્વારા પ્રતિબંધ મુકાતા તેમણે ડીસીની સ્યુસાઈડ સ્ક્વોડથ ડિરેક્ટ કરી હતી. પછી ડિઝનીને ભૂલ સમજાઇ એટલે જેમ્સ પાછા માર્વેલમાં આવ્યા ને ગાર્ડિયન્સ સિરીઝનો ત્રીજો ભાગ ડિરેક્ટ કર્યો. પણ હવે ફરી ડીસીએ પોતાનું નસીબ બદલવા જેમ્સ ગનની મદદ માંગતા તેઓ સંપૂર્ણપણે માર્વેલના ડિરેક્ટર મટીને ડીસીની કમાન સંભાળવાના છે!
—
એક જાન દો જીસ્મ:
આ વર્ષે ભારતીય ફિલ્મજગતમાં એક અભૂતપૂર્વ ઘટના બની. એક જ પાત્રને બે અલગ-અલગ અભિનેતાએ ભજવ્યું. એ ફિલ્મ એટલે, ‘શર્માજી નમકીન’. સ્વ. ઋષિ કપૂરના દેહાંત પછી અધૂરી રહી ગયેલી ફિલ્મને પૂરી કરવા તેમનું શર્માજીનું પાત્ર પરેશ રાવલે ભજવ્યું. ફિલ્મનું શૂટિંગ મોટાભાગે વાર્તા પ્રમાણે એક રેખામાં ન ચાલતું હોય એટલે આ પ્રયોગમાં એક જ પાત્રમાં કોઈક દ્રશ્યમાં ઋષિ કપૂર જલસો કરાવે છે તો કોઈકમાં પરેશ રાવલ. લાવ્યા ને બાકી નવું!
—
છોટા પેકેટ, બહુત બડા ધમાકા:
આ વર્ષે ઘણી નાના સ્કેલ અને ઓછા બજેટની ફિલ્મ્સે (ખાસ કરીને દક્ષિણ ભારતીય) પણ બોક્સ ઓફિસ પર કમાલ કરી બતાવી છે. ‘કાર્તિકેય ૨’ એટલે આવી જ એક તેલુગુ ફિલ્મ. માત્ર ૧૭ કરોડમાં બનેલી આ ફિલ્મે અંદાજે ૧૨૦ કરોડની કમાણી તો કરી જ પણ એ સાથે એક બીજો પણ રેકોર્ડ બનાવ્યો. ફિલ્મ જયારે ઓટીટી પ્લેટફોર્મ ‘ઝી ફાઇવ’ પર રિલીઝ થઇ ત્યારે રિલીઝના માત્ર ૪૮ જ કલાકમાં કુલ દર્શકો દ્વારા ૧૦૦ કરોડથી પણ વધુ મિનિટ્સ જોયાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે!
લાસ્ટ શોટ
ભારતીય વેબ સિરીઝના પાયોનિયર એવા ‘ટીવીએફ’ની વર્ષોથી રાહ જોવાતી ‘પિચર્સ’ની બીજી સીઝન દર્શકોની ખૂબ રાહ પછી ફાઇનલી ૨૫ ડિસેમ્બરે રિલીઝ થઇ રહી છે!
—
નયે વક્ત મેં પૂરાની તરકીબ કા જાદુ:
સૂરજ બડજાત્યા ‘પ્રેમ રતન ધન પાયો’ પછી ૭ વર્ષના લાંબા ગાળે ૨૦૨૨માં પોતાની દિગ્દર્શક તરીકેની ફિલ્મ ‘ઊંચાઇ’ લઇને આવ્યા એ સાથે બોલીવૂડના અત્યારના કપરા સમય સામે એક સ્ટ્રેટેજી પણ લઇને આવ્યા. એ સ્ટ્રેટેજી એટલે સપ્લાય ઓછી, ડિમાન્ડ વધુ. મતલબ કે રિલીઝની શરૂઆતમાં ઓછી સ્ક્રીન્સ અને ઓછા શોઝ. ફિલ્મ જેમ લોકોને પસંદ આવે તેમ શોઝની સંખ્યા વધારવાની. આ તરકીબ તેમણે આની પહેલાની ફિલ્મ્સમાં પણ વાપરી છે અને આ વખતે પણ તેનો જાદુ ચાલ્યો છે!
—
કોશિશ-એ-ઓસ્કરરર:
ઓફિશિયલ એન્ટ્રી તરીકે નહીં પણ અલગથી મોકલાયેલી એસ. એસ. રાજામૌલી દિગ્દર્શિત ‘આર આર આર’ની ખૂબ જ હવા બંધાઈ છે ૯૫મા એકેડમી એવૉર્ડ એટલે કે ઓસ્કર્સમાં. સામાન્યપણે નવેમ્બર-ડિસેમ્બરનો સમય એટલે ઓસ્કર્સમાં મોકલાયેલી ફિલ્મ્સ માટેના લોબિંગનો હોય છે. રાજામૌલી પણ તનતોડ મહેનત કરીને અમેરિકામાં ફિલ્મનું પ્રમોશન કરી રહ્યા છે અને ફિલ્મ ફેસ્ટિવલ્સ, ઇવેન્ટ્સ અને અખબારોમાં તેમની અને ફિલ્મની ચર્ચા થઈ રહી છે જે ભારતીય સિનેમાને એક અલગ સ્તરે પહોંચાડે છે!
—
હમ હૈ તો હિટ હૈ:
વર્ષ દરમિયાન ધાર્યા કરતા ઓછી ફિલ્મ્સને બોક્સ ઓફિસ સફળતા મળી છે, પણ અમુક એવા એક્ટર્સ છે જેમણે સાતત્યતાથી સફળ ફિલ્મ્સમાં યોગદાન આપ્યું છે. આ રહ્યા નામ- તબુ (ભૂલભૂલૈયા ૨, દ્રશ્યમ ૨), અનુપમ ખેર (કાર્તિકેય ૨, ઊંચાઈ, ધ કશ્મીર ફાઈલ્સ), આલિયા ભટ્ટ (આર આર આર, ગંગુબાઇ કાઠિયાવાડી, બ્રહ્માસ્ત્ર: પાર્ટ ૧ શિવા), શ્રિયા સરન (દ્રશ્યમ ૨, આર આર આર) અને અજય દેવગન (દ્રશ્યમ ૨, આર આર આર). ‘હમ હૈ તો હિટ હૈ’ કહીને અનુપમ ખેર, અજય દેવગન અને આલિયા ભટ્ટે તો હિન્દી અને દક્ષિણ ભારતીય બંને ફિલ્મ્સમાં ડંકો વગાડ્યો છે!