સુરતમાં કાળજું કંપાવી દે તેવી ઘટના સામે છે. સુરતના મગદલા ગામમાં આવેલ પંચ કુટીર સ્ટ્રીટ પર એક મૃત નવજાત બાળક ત્યજી દીધેલી હાલતમાં મળી આવ્યું હતું. જેને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. બાળકને બાજુમાં આવેલી બિલ્ડીંગ પરથી પરથી ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે તપાસ કરતા બાળકને જન્મ આપનાર માતા સગીર વયની હોવાનું જાણવા મળ્યું છે. સગીરા બહેનપણીના મિત્ર સાથેના સંબંધથી માતા બની હોવાનું સામે આવ્યું છે.
સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં મોડી રાતે બિલ્ડીંગ પરથી કંઇક નીચે પડતું દેખાઈ રહ્યું છે. રસ્તો સુમસામ હોવાથી સવાર સુધી આ અંગે કોઈને જાણ ના થઇ. વહેલી સવારે લોકોને જાણ થતા તુરંત પોલીસ અને 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. 108ની ટીમે તપાસ કરતા નવજાત બાળકને મૃત જાહેર કરાયું હતું.
પોલીસની સી ટીમ સહીત અલગ અલગ ટીમો આ મામલે તપાસમાં જોડાઈ હતી. આખરે પોલીસ નવજાતને ત્યજી દેનાર આરોપી માતા સુધી પહોચી ગયી હતી. સુરતના ડીસીપી સાગર બાગમારનાં જણાવ્યા પ્રમાણે, નવજાત બાળકને જે બિલ્ડીંગ પરથી નીચે ફેંકાયું હતું, ત્યાનાં સીસીટીવી ફૂટેજની તપાસ કરાતા એક શંકાસ્પદ મહિલા મળી આવી હતી. બાળકને જન્મ આપનાર માતા માત્ર 15 વર્ષની હોવાનું સામે આવ્યું છે.
સગીર વયમાં લગ્ન પહેલા માતા બનવાની વાત છુપાવવા જન્મ બાદ નવજાતને સગીરાએ બિલ્ડીંગ પરથી નીચે ફેંકી દીધું હતું. મળતી માહિતી મુજબ સગીરા તેની બહેનપણીના મિત્ર સાથે શારીરિક સંબંધ બાંધ્યા બાદ ગર્ભવતી બની હતી..
હાલ પોલીસે સગીરાની ધરપકડ કરી છે. તેના જેની સાથે સંબંધ હતા તે યુવકની તપાસ હાથ ધરવામાં આવી છે.