(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ફરાર આરોપીઓની શોધ માટે મુંબઈ પોલીસે હાથ ધરેલી સ્પેશિયલ ડ્રાઈવમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. બે મહિનાની તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જેમની શોધ ચલાવાઈ રહી હતી તેમાંથી ૫૩ આરોપી તો ક્યારનાય મૃત્યુ પામ્યા છે.
વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધવામાં આવેલા ગુનાઓમાં ફરાર આરોપીઓ તેમ જ ધરપકડ પછી જામીન પર છૂટીને ખટલા દરમિયાન કોર્ટમાં હાજર ન રહેનારા આરોપીઓને શોધી કાઢવા માટે મુંબઈ પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. ૧૪ ફેબ્રુઆરીથી ૧૫ એપ્રિલ, ૨૦૨૩ના બે મહિના દરમિયાન મુંબઈના પાંચેય ઝોનમાં આ ઝુંબેશ હાથ ધરાઈ હતી.
મુંબઈનાં દરેક પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેરક્ટરોના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિકારી અને કર્મચારીનો આ ઝુંબેશમાં સમાવેશ કરાયો હતો. તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે ૫૩ જેટલા આરોપી મૃત્યુ પામી ચૂક્યા છે. આમાંથી ૨૬ આરોપી એવા છે, જે ધરપકડ પછી ખટલા દરમિયાન કોર્ટમાં હાજર નહોતા રહેતા.
સ્પેશિયલ ડ્રાઈવમાં છેલ્લા બે મહિનામાં ૩૪૪ ફરાર આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હોવાનો દાવો પોલીસે કર્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં ૨૪૮ આરોપી ગુના નોંધાયા પછી હાથ લાગ્યા નહોતા.
દરમિયાન પોલીસે મંગળવારની રાતે શહેરમાં હાથ ધરેલા ઑપરેશન ઑલઆઉટમાં ૩૦ ફરાર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. એ સિવાય ૮૧ આરોપીને બિનજામીનપાત્ર વૉરન્ટ ઈશ્યુ કરી તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.