18 માર્ચ સુધી ધરપકડનો આદેશ
ઈમરાન ખાનની મુશ્કેલીઓમાં વધુ વધારો થયો છે. તેને ઈસ્લામાબાદ કોર્ટમાંથી ઝટકો લાગ્યો છે. કોર્ટે પાકિસ્તાનના પૂર્વ પીએમની અરજી ફગાવી દીધી છે. તેમજ 18 માર્ચ સુધીમાં ઈમરાનની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પૂર્વ પીએમે તેમની સામે આ વોરંટને રદ્દ કરવા માટે આ અરજી કરી હતી. તેમની સામે આ ધરપકડ વોરંટ તોષાખાના કેસમાં જારી કરવામાં આવ્યું હતું. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાન સંબંધિત આ અરજી પર વધારાના જિલ્લા અને સત્ર ન્યાયાધીશ ઝફર ઈકબાલે ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશે કહ્યું કે પૂર્વ પીએમને 18 માર્ચ પહેલા ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવામાં આવે. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે કાયદાના દરેક પાસાઓને જોયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પહેલા ઈમરાન ખાન વતી મંગળવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC)માં આ મામલે અરજી દાખલ કરવામાં આવી હતી. પરંતુ IHCએ અરજી ફગાવી દીધી હતી અને પૂર્વ વડાપ્રધાનના વકીલને નીચલી કોર્ટ (ટ્રાયલ કોર્ટ)માં જવા કહ્યું હતું. ઉલ્લેખનીય છે કે ઈમરાનના વકીલે બે માંગણીઓ રાખી હતી IHCની સૂચના બાદ ઇમરાનના વકીલે નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અહીં ઇમરાનના વકીલે કોર્ટમાં બે અરજીઓ કરી હતી. પહેલું એ છે કે જારી કરાયેલ વોરંટને સસ્પેન્ડ કરવામાં આવે અથવા જામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવે, પરંતુ કોર્ટે તેના આદેશમાં ધરપકડનો આદેશ આપ્યો હતો.