નવી દિલ્હીઃ મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન પછી પણ હજુ પણ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના અને એકનાથ શિંદે જૂથની શિવસેના દ્વારા પક્ષના મૂળ સિમ્બોલ અંગે ચૂંટણી પંચમાં લડત ચાલી રહી છે, જે અંતર્ગત શુક્રવારે બંને પક્ષે દલીલ કરવામાં આવ્યા પછી આ અંગે કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી. ચૂંટણી પંચે બંને જૂથને 23મી જાન્યુારીથી 30મી જાન્યુઆરી સુધીમાં તેમના લેખિત જવાબો રજૂ કરવાનો આદેશ આપ્યો છે.
આ લેખિતમાં જવાબ મળ્યા પછી ચૂંટણી પંચ આગામી કાર્યવાહી હાથ ધરશે. શુક્રવારે ઉદ્ધવ ઠાકરે જૂથવતીથી હાજર રહેલા કપિલ સિબલ, દેવદત્ત કામતે દલીલો કરી હતી, જ્યારે શિંદે જૂથ વતી મહેશ જેઠમલાની અને મનિન્દર સિંહે વળતી દલીલો પણ કરી હતી. અલબત્ત, બંને પક્ષવતીથી ચાર કલાકથી વધુ સમય સુધી દલીલો ચાલી હતી, પરંતુ તેમાં ચોક્કસ તારણ બંને પક્ષમાંથી કોઈ એક તરફ આવ્યું નહોતું, તેથી ધનુષ્યબાણ ચિહ્ન કોનું એ સવાલનો જવાબ કોઈને મળ્યો નહોતો. શુક્રવારની સુનાવણીમાં ઠાકરે અને શિંદે જૂથના વકીલોની વચ્ચે શાબ્દિક ઘર્ષણ થયું હતું. ઠાકરે જૂથના દેવદત્ત કામત અને શિંદે જૂથના મહેશ જેઠમલાની વચ્ચે શાબ્દિક ઘર્ષણ બાદ ચૂંટણી પંચને મધ્યસ્થી કરવી પડી હતી.
એકનાથ શિંદેના બળવા પછી ચૂંટણી પંચે શિવસેનાના ધનુષ્ય અને તીરનું ચિહન હંગામી ધોરણે સ્થગિત કર્યું હતું અને ઠાકરે જૂથને મશાલ અને શિંદે જૂથને ઢાલ અને તલવાર આપી હતી ત્યારબાદ બંને જૂથોએ શિવસેનાના મૂળ ચિહ્ન ધનુષ્ય અને તીરનો દાવો કર્યો હતો. પક્ષ પ્રમુખ તરીકે ઉદ્ધવ ઠાકરેનો કાર્યકાળ 23મી જાન્યુઆરીએ પૂરો થશે.