* આવનારી પેઢીઓ માટે શિવાજી શું છે? ભવિષ્યની પેઢીઓના હૃદયને જીવંત રાખવા, કલ્પનાઓને ઉત્તેજીત કરવા, સર્વોચ્ચ પ્રયત્નો કરવા માટે પ્રેરિત કરવા, લોકોની આકાંક્ષાઓના આધારસ્તંભ, વિશ્ર્વની ઈચ્છાઓના કેન્દ્ર છે – જદુનાથ સરકાર
* છત્રપતિ શિવાજી મહારાજે સુશાસનના પ્રણેતા તરીકે રાજ્ય વહીવટનું શ્રેષ્ઠ મોડલ આપ્યું હતું
* ઉદ્ઘાટન ભાષણમાં શિવાજીએ ‘રાજગઢ’ ને ‘અજયદુર્ગ’ કહીને સંબોધિત કર્યું હતું
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ
૩૭૯ વર્ષ પહેલા છત્રપતિ શિવાજી મહારાજે સ્વરાજ્ય, સ્વધર્મ, સ્વભાષા અને સ્વદેશના પુનરૂત્થાન માટે જે કાર્ય કર્યું તેની તુલના કરી શકાય નહીં. તેમનો રાજ્યાભિષેક કોઈ વ્યક્તિને સિંહાસન પર બેસાડવા પૂરતો મર્યાદિત ન હતો. શિવાજી મહારાજ કોઈ વ્યક્તિ નહીં, તેઓ એક વિચારધારા છે. તેઓ એક યુગના શિલ્પી હતા.
છત્રપતિ શિવાજી મહારાજ તેમના સમય કરતા આજે વધુ પ્રાસંગિક છે. છત્રપતિ શિવાજીની યુદ્ધનીતિઓ, રાજનીતિ-મુત્સદ્દીગીરી અને સંવાદિતાની પરંપરાઓ સ્થાપિત કરી. ભારતમાં તેમની નીતિને ૧૬મી-૧૭મી સદી સુધી ધ્યાનમાં લેવાઈ પરંતુ તેમના વિચારો તથા નીતિઓ વિશ્ર્વમાં ૨૦મી-૨૧મી સદી જ નહીં ભવિષ્યમાં પણ પ્રાસંગિક રહેશે. છત્રપતિ શિવાજી મહારાજના આદર્શોને હિંદવી સામ્રાજ્યનો ધ્વજ લેહરાવીને, વિશ્ર્વમાં ભારતને ગૌરવ અપાવવાનું માધ્યમ બનાવી શકાય છે. શિવાજી મહારાજની નીતિઓનો કોઈ તોડ નથી.
આપણે સૌએ તેમના સ્વપ્નનાં ભારતનું નિર્માણ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ કે ભારત દિવ્ય – ભવ્ય બને’, ભારતમાં કોઈ દુ:ખી ન રહે, ખેડૂતો આત્મહત્યા કરવા મજબૂર ન થાય, યુવાનો બેરોજગાર ન થાય. આજે તેમની જન્મ જયંતી નિમિત્તે તેમના ભારતના સ્વપ્ન વિશે જાણીએ.
યુવાનો અને શિવાજી: છત્રપતિ શિવાજી મહારાજનું જીવન યુવાનોને સંઘર્ષો સામે લડવા અને ભારતના ગૌરવશાળી ઈતિહાસમાં શિવાજીનું યોગદાન આજના યુવાનો માટે પ્રેરણારૂપ છે. યુવાનો શિવાજીના આદર્શોને આત્મસાત કરે તો જ આપણે આપણા સમાજ, દેશ અને ધર્મની રક્ષા કરી શકીશું. મુઘલોના અભેદ્ય શાસન દરમિયાન પણ શિવાજીએ પોતાની બહાદુરી અને બુદ્ધિમત્તાથી પોતાનું એક મજબૂત રાજ્ય સ્થાપ્યું હતું. યુવાનોએ શીખવાની જરૂર છે કે પ્રતિકૂળ સંજોગોમાં પણ દૃઢ ઈચ્છા શક્તિ અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા સફળતા અપાવે છે. છત્રપતિ શિવાજી મહારાજ પરાક્રમી યોદ્ધા હોવાની સાથે સાથે દેશભક્તિ, કર્તવ્યનિષ્ઠા, ધાર્મિક સંસ્કૃતિના વાહક હતા. તેમણે તેમના સંઘર્ષમય જીવનમાં દેશ અને ધર્મની રક્ષા માટે મુઘલ શાસકો સાથે યુદ્ધો કર્યા. યુવા પેઢીએ આજે તેમના ઉપદેશો અને દેશભક્તિની ભાવનાને પોતાના જીવનમાં અપનાવવી જોઈએ.
યુવાનોમાં નિર્ભયતા કેવી રીતે આવે તેનું ઉત્તમ ઉદાહરણ શિવાજી પાસેથી શીખી શકાય છે. પિતા શાહજી શિવાજીને બીજાપુરના સુલતાનના દરબારમાં લઈ ગયા. શાહજીએ ત્રણ વાર પ્રણામ કરીને સુલતાનને સલામ કરી અને શિવાજીને તે કરવા કહ્યું. પરંતુ શિવાજી માથું ઊંચું કરીને સીધા ઊભા હતા. તે કોઈ પણ ભોગે વિદેશી શાસક સમક્ષ માથું નમાવવા તૈયાર ન હતા અને છાતી કાઢીને નિર્ભય બનીને દરબારમાંથી બહાર નીકળી ગયા.
વામન સીતારામ પોતાના પુસ્તક ‘છત્રપતિ શિવાજી-ચરિત્ર’માં લખે છે કે, શિવાજી મહારાજ, મહારાષ્ટ્ર, હિન્દુત્વ અને આખા ભારતખંડની ભારે સેવા કરવા મોરો ત્રીબંક પીંગળે, અણાજી દત્તો, નિરાજી પંડિત, રાવજી સોમનાથ, દત્તાજી ગોપીનાથ, રઘુનાથ અને ગંગાજી મંગાજી જેવા અનેક યુવાનો શિવાજીની નોકરીમાં જોડાયા હતા.
મહિલાઓ અને શિવાજી: શિવાજીએ હંમેશાં મહિલાઓનો આદર કર્યો, મહિલાઓ સામે તમામ પ્રકારની હિંસા, ઉત્પીડન અને અપમાનનો વિરોધ કર્યો હતો. જે કોઈ પણ મહિલાઓનું અપમાન કરે તો સજા કરવી અને કેટલાક કિસ્સાઓમાં તે સજા ખૂબ જ આકરી હતી. જીજાબાએ તેમને બાળપણથી જ દેવી- દેવતાઓની વીરતા અને સનાતન ધર્મ સ્ત્રીઓને કેવી રીતે મહત્ત્વ આપે છે તે વિશે શીખવ્યું હતું. કલ્યાણની લૂંટ પછી જ્યારે સુબેદારની પુત્રવધૂને શિવાજીની સામે લૂંટ તરીકે રજૂ કરવામાં આવી ત્યારે તેણે તેના અધિકારીને ઠપકો આપ્યો અને કહ્યું કે આવી ભૂલ ફરી ક્યારેય ન થવી જોઈએ. જો આપણે પણ આવું જ કરીએ તો આપણા શાસનમાં અને મુઘલ શાસનમાં શું ફરક રહેશે? આ પછી તે મહિલાને સંપૂર્ણ સન્માન સાથે તેના ઘરે પાછા મોકલી આપવા જણાવ્યું.
ભાષા અને શિવાજી: શિવાજીના પરિવારમાં સંસ્કૃત ભાષાનું સારું જ્ઞાન હતું અને સંસ્કૃત ભાષાને વધારે મહત્ત્વ આપવામાં આવતું હતું. શિવાજીએ આ પરંપરાને આગળ વધારતા તેમને પોતાના કિલ્લાઓના નામ સંસ્કૃતમાં રાખ્યા હતા જેમ કે, સિંધુદુર્ગ, પ્રચંડગઢ તથા સુવર્ણગઢ. તેમના રાજપુરોહિત કેશવ પંડિત સ્વયં એક સંસ્કૃતના કવિ તથા શાસ્ત્રી હતા. તેમણે ફારસીની જગ્યાએ મરાઠી અને સંસ્કૃતને સત્તાવાર ભાષાઓ બનાવી. આવી પોતાના રાજ્યનું કામ પોતાની ભાષામાં જ થવું જોઈએ એવો આગ્રહ રાખીને તેમણે ‘રાજભાષા કોશ’ પણ બંધાવ્યો.
હિંદુ રાજનીતિ અને શિવાજી: મુસ્લિમ શાસન દરમિયાન લુપ્ત થતી હિંદુ રાજનીતિને પુન:જીવિત કરી. હિન્દુ રાજકારણની વિશેષતા શું છે? વિશેષતા એ છે કે, આ રાજકારણ ધર્મના આધારે ચાલે છે. અહીં ધર્મ એટલે ‘રાજધર્મ’ રાજાનો ધર્મ પ્રજાનું પાલન, પ્રજાનું રક્ષણ અને સમૃદ્ધ કરવાનો છે. રાજા, હિંદુ રાજનીતિના સિદ્ધાંતો અનુસાર ઉપભોગ્ય શૂન્ય સ્વામી છે. લોકો તેમના સંતાન સમાન છે. રાજ્યમાં કોઈ ભૂખ્યું ન રહે, કોઈની સાથે અન્યાય ન થાય તેની ચિંતા કરવી જોઈએ. પ્રજા પોતપોતાની રુચિ પ્રમાણે પૂજા પદ્ધતિનું પાલન કરે છે. રાજાએ પ્રજાને દરેક પ્રકારની પૂજાની સ્વતંત્રતા આપવી જોઈએ. પ્રજાના ધાર્મિક સંસ્કારોને પણ રાજ્ય દ્વારા શક્ય તેટલી મદદ કરવી જોઈએ. ન્યાય બધા માટે સમાન હોવો જોઈએ. ઉચ્ચ કક્ષાના લોકો માટે એક ન્યાય અને સામાન્ય માણસ માટે બીજો ન્યાય તે અનીતિ છે. છત્રપતિ શિવાજી મહારાજે તેમના શાસનમાં હિંદુ રાજનીતિના સિદ્ધાંતોને કડક રીતે લાગુ કરી હતી. જેમને બળજબરીથી ઈસ્લામમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવ્યું હતું તેવા અને તેમના પોતાના સાળા બજાજી નિમ્બાલકર સિવાય અન્ય ઘણા લોકો હિંદુ ધર્મમાં પરત આવ્યા હતા.
અન્ય ધર્મ અને શિવાજી: શિવાજી હંમેશા અન્ય ધર્મો, અનુયાયીઓ અને તેમના પુસ્તકોનું સન્માન કરતા હતા. તેમણે ક્યારેય કોઈ ધર્મગ્રંથ કે ધર્મસ્થાનનું અપમાન કર્યું નથી. ન તો કોઈ ફકીરને ફાંસી આપી છે. જેના પરિણામે ઘણા મુસ્લિમ યોદ્ધાઓ અને કર્મચારીઓ પણ તેમની સેનામાં મહત્ત્વપૂર્ણ પદો પર કામ કરતા હતા. તેમના નૌકાદળના વડા મુસ્લિમ હતા. ધાર્મિક સહિષ્ણુ પણ હતા. તેમના રાજ્યમાં મુસ્લિમોને સંપૂર્ણ સ્વતંત્રતા હતી, પરંતુ જો કોઈને ધર્મની આડમાં હિંદુ ધર્મ પર હુમલો કરતા જોયો તો તે તેને બક્ષતા નહીં. શેજવલકર નામના એક પ્રખ્યાત ઈતિહાસકાર જણાવે છે કે, શિવાજી મહારાજ ગોવામાં હતા ત્યારે ખ્રિસ્તી મિશનરીઓ હિન્દુઓને ધમકાવીને ધર્માંતરણ કરાવતા હતા. શિવાજી મહારાજે તેમને કહ્યું કે આ કામ છોડી દો. ત્યારે તેમણે જવાબ આપ્યો કે ધર્મ પરિવર્તન કરવું એ અમારો ધર્મ છે, તેના પ્રત્યુત્તર રૂપે અમારા ધર્મમાં કહ્યું કે જે ધર્મ પરિવર્તન કરે તેનું માથું કાપી નાખવામાં આવે અને શિવાજી મહારાજે બે મિશનરીઓનું માથું કાપી નાખ્યું. સર્વધર્મ સમભાવનો અર્થ નિર્દોષ હિંદુઓને ધમકી આપીને ખ્રિસ્તી કે મુસ્લિમ બનાવવાનો નથી, આ કામ અનીતિનું કૃત્ય છે. તે હિંદુ ધર્મ વિરુદ્ધનું કૃત્ય છે. એટલા માટે આવા કામ કરનારાઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તેનું ઉદાહરણ છત્રપતિ શિવાજી મહારાજે આપ્યું હતું
રાજય વહીવટ અને શિવાજી: શિવાજીએ રજૂ કરેલા રાજ આદર્શનું ઉદાહરણ આજે પણ પ્રાસંગિક છે. શિવાજી મહારાજે સામાન્ય લોકોના કલ્યાણને પોતાના શાસનનો આધાર બનાવ્યો હતો. તેમણે રાજ વહીવટમાં સામાન્ય લોકોના હિતોને ટોચ પર રાખ્યા. સામાન્ય વહીવટને સુચારુ રીતે ચલાવવા માટે તેમના બતાવેલા માર્ગ પર ચાલવાની જરૂર છે. શિવાજી મહારાજે તેમના શાસનકાળ દરમિયાન ગરીબ, નિમ્નવર્ગ અને મહિલાઓના કલ્યાણ માટે કામ કર્યું હતું. તેઓ કોઈ ધર્મના વિરોધી નહોતા. તેમના શાસનકાળ દરમિયાન તેમણે સમાનતાનું વાતાવરણ ઊભું કર્યું હતું.
તેમણે લોક કલ્યાણ રાજ્યની સ્થાપના કરી. ખેતીવાડીના ભાડા, તળાવ, કૂવા, મંદિરો બાંધવા સહિતની અનેક લોકકલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકી.
છત્રપતિ શિવાજી મહારાજનું શાસન ભોસલે પરિવારનું શાસન ન હતું. તેમણે રાજકારણમાં પારિવારિક મુદ્દાઓને સ્થાન આપ્યું ન હતું. તેમનું શાસન ખરા અર્થમાં પ્રજાનું શાસન હતું. દરેક વ્યક્તિ શાસનમાં ભાગ લેતો હતો. સામાન્ય માછીમારોથી લઈને વેદશાસ્ત્રના જાણકાર પંડિતો સુધી બધા તેમના રાજ્ય શાસનમાં સહભાગી હતા. અસ્પૃશ્યતા માટે કોઈ સ્થાન ન હતું. પન્હાલગઢના ઘેરામાં જે નકલી શિવાજી બનાવવામાં આવ્યા હતા તેનું નામ શિવા કાશીદ હતું જે જાતિએ વાળંદ હતા. અફઝલ ખાનના ઉનાળાના પ્રણયમાં શિવાજીનો જીવ બચાવનાર જીવા મહાલા અને આગ્રાની કેદમાં તેમની સેવા કરનાર વાલ્મીકિ સમાજના હતા. મહારાજનો નિયમ હતો કે સૂર્યાસ્ત પછી કિલ્લાના દરવાજા બંધ કરી દેવા જોઈએ અને કોઈ પણ સંજોગોમાં કિલ્લાની અંદર પ્રવેશ ન કરવો જોઈએ. આ નિયમનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું. સરહદની સુરક્ષા આ રીતે જાળવવી પડતી હતી. અનિચ્છનીય લોકોને પ્રવેશ ન આપવો જોઈએ. આજે ચીન, પાકિસ્તાન, બાંગલાદેશી, નેપાળ વગેરે ભારતમાં પોતાની મરજીથી ઘૂસણખોરી કરતા રહે છે અને સરહદની રક્ષા કરનારા જ તેમને મદદ કરે છે.
ભ્રષ્ટાચાર અને શિવાજી: શિવાજીએ પોતાના પ્રદેશમાં ભ્રષ્ટાચારનો અંત આણ્યો એટલું જ નહીં, તેણે પોતાના રાજ્યને વિસ્તારવા માટે આ હથિયારનો ઉપયોગ કર્યો. અનિલ માધવ દવે તેમના પુસ્તક ‘શિવાજી એન્ડ રાજ’માં લખે છે તેમના રાજમાં ભ્રષ્ટાચાર અસ્વીકાર્ય હતું. છત્રપતિ શિવાજીને કોઈપણ પ્રકારની ભ્રષ્ટ પ્રથા પસંદ ન હતી. એકવાર તેણે તેના એકાઉન્ટન્ટ ’કુલકર્ણી’ના કાર્યમાં થોડી ગરબડ જોવા મળેલ. આના પર તેણે તરત જ સજા કરી અને બરતરફ કર્યા. તેમના મામા ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા તો શિવાજીએ તેમને તેમના પદપરથી મુક્ત કર્યા હતા અને તેમને દેશમાંથી હાંકી કાઢ્યા હતા.
સ્વાવલંબન-આત્મનિર્ભરતા અને શિવાજી: શિવાજી મહારાજ હંમેશાં ધ્યાનમાં રાખતા કે આપણું સ્વરાજ આર્થિક રીતે સ્વતંત્ર અને મજબૂત બને. તેઓ કાસ્તકારો ને મદદ કરતા રહેતા. આ મદદ ક્યારેય રોકડ સ્વરૂપે આપવામાં આવી નથી. કાસ્તકારોના સાધનો, બિયારણ, બળદ વગેરેના રૂપમાં મદદ આપવામાં આવી હતી. મહારાજનો કડક આદેશ હતો કે, લશ્કર દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓ અનાજના બજારમાં જઈને ખરીદવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ તેમની સેનાને આત્મનિર્ભર બનાવવા માટે ખૂબ ધ્યાન આપ્યું હતું તેમણે તોપો બનાવવાનું કારખાનું અને દારૂગોળો બનાવવાનું સાહસ કર્યું હતું. તે સારા ઘોડાઓના જન્મ પર ધ્યાન આપતા હતા. લોખંડી શસ્ત્રો પોતાના દેશમાં જ બનાવવાનો પ્રયાસ કર્યો. અંગ્રેજોએ તેમને ધાતુના સારા સિક્કા બનાવવાનું સૂચન આપ્યું હતું. મહારાજે આ સૂચનને નકારી કાઢ્યું અને કહ્યું કે ફક્ત આપણા દેશી કારીગરો જ સિક્કા બનાવે એનો જ વપરાશ થશે. તેમણે રાજ વયવહારમાંથી ફારસી, અરબી ભાષા દૂર કરી.
ભૂમાફિયા અને શિવાજી: અનિલ માધવ દવે તેમના પુસ્તક “શિવાજી અને સુરાજ માં લખે છે કે, એક અત્યાચારી (ભૂમાફિયા) એ એક ગરીબ ખેડૂતની જમીન હડપ કરવાનો પ્રયાસ કર્યો. શિવાજીએ પોતાના પદ અને સત્તાનો દુરુપયોગ કરનાર મોટા ખેડૂતને માત્ર સજા જ નહીં, પરંતુ ગરીબોની જમીન પણ સુરક્ષિત કરાવી. “૧૩ મે ૧૬૭૧ ના રોજ તેમના અધિકારીઓને લખેલા પત્રમાં શિવાજી લખે છે કે, જો તમે પ્રજાને પરેશાન કરશો અને કામ કરાવવા માટે લાંચ માંગશો, તો લોકોને લાગશે કે મુઘલ શાસન સારું હતું અને લોકો મુશ્કેલી અનુભવશે.