સિયાચીનની ઠંડી મહિલા ઑફિસરના બુલંદ ઈરાદાઓને થિજાવી નહીં શકે
કવર સ્ટોરી -ગીતા માણેક
મુંબઈમાં પારો ૧૬ કે ૧૭ ડિગ્રીએ પહોંચે ત્યાં જ આપણા કબાટમાંથી શાલ અને સ્વેટર નીકળવાં માંડે છે અને એમાંય વહેલી સવાર કે મોડી રાતે બહાર નીકળવાનું થાય તો ઘણાં લોકો ટોપી કે મફલર પણ બાંધી લેતા હોય છે, પણ કલ્પના કરો કે જ્યાં ઉષ્ણતામાનનો પારો માઇનસ ૬૦ ડિગ્રી સુધી પહોંચતો હોય ત્યાં એક-બે દિવસ નહીં પણ ત્રણ મહિના રહેવાનું હોય તો? આટલું વાંચીને જ આપણા હાંજા ગગડી જતાં હોય છે, પણ ઉદેપુરની કેપ્ટન શિવા ચૌહાણ આવતા ત્રણ મહિના સિયાચીનમાં રહીને દેશની સુરક્ષા માટે પોતાનો સહયોગ આપવાની છે.
રાજસ્થાનની પચ્ચીસ વર્ષની શિવા ચૌહાણ ભારતની પહેલી મહિલા સૈન્ય અધિકારી છે જેની નિમણૂક સિયાચીન ખાતે થઈ છે.
ફિલ્મો જોવા જઈએ છીએ ત્યારે થિયેટરમાં અનેક વાર આપણે સિયાચીનના બર્ફીલા પહાડોમાં દેશની સુરક્ષા કરતા જવાનોની ડોક્યુમેન્ટરી જોઈ છે. એ જ રક્ષકો સાથે હવે શિવા ચૌહાણ નામની આ યુવતી પણ ખડે પગે છે. શિવા ચૌહાણની પોસ્ટિંગ વિશ્ર્વના સૌથી ઊંચામાં ઊંચા સ્થાન પર આવેલી યુદ્ધભૂમિ પર થઈ છે. સિયાચીનની કુમાર પોસ્ટ જે દરિયાઈ સપાટીથી ૧૫,૬૦૦ કિલોમીટરની ઊંચાઈ પર છે ત્યાં વર્ષભર બરફ જામેલો હોય છે અને અત્યંત વિકરાળ વાતાવરણ
હોય છે.
રાજસ્થાનના ઉદેપુર શહેરમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ લઈને તેણે એનજેઆર ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે.
શિવા ચૌહાણની બહેન શુભમ ચૌહાણ કહે છે કે શિવા પહેલેથી જ ઘેટાંની જેમ બીજાઓ જે કરે એવું કરવામાં માનતી નહોતી. તેને નેવુ ટકાથી પણ વધારે માર્ક મળ્યા હતા એટલે કમ્પ્યુટર એન્જિનિયરિંગ જે અત્યારે વિદ્યાર્થીઓ માટે સૌથી આકર્ષક છે એમાં એડમિશન મળી શકે તેમ હતું પણ તેણે સિવિલ એન્જિનિયરની શાખામાં જ એડમિશન લેવાનું પસંદ કર્યું. શિવા ચૌહાણ અગિયાર વર્ષની હતી ત્યારે જ તેના પિતાનું મૃત્યુ થયું હતું અને તેની માતા અંજલી ચૌહાણે એકલા હાથે સંતાનોનો ઉછેર
કર્યો હતો.
શિવા ચૌહાણે સિવિલ એન્જિનિયરની ડિગ્રી પ્રાપ્ત કર્યા પછી ચેન્નાઈ ખાતે ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં તાલીમ લીધી હતી અને ૨૦૨૧ની સાલમાં તેની નિમણૂક એન્જિનિયર રેજીમેન્ટમાં થઈ હતી. હવે તેની નિમણૂક સિયાચીન ખાતે થઈ છે.
સિયાચીન ખાતે પોસ્ટિંગ મેળવવા માટે સખત આકરી ટ્રેનિંગમાંથી પસાર થવું પડતું હોય છે.
આ અગાઉ મહિલાઓને સિયાચીનના બેઝ કેમ્પ જે ૯૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલો છે ત્યાં સુધી જ તૈનાત કરવામાં આવતી હતી. પરંતુ શિવા ચૌહાણે એ રેકોર્ડ તોડ્યો છે અને વિશ્ર્વની સૌથી ઊંચામાં ઊંચી યુદ્ધભૂમિ પર આવતા ત્રણ મહિના ફરજ બજાવશે.
શિવા ચૌહાણની નિમણૂક ફાયર એન્ડ ફ્યુરી સેપર્સ એટલે કે એન્જિનિયરિંગના કામ માટે થઈ છે. છેલ્લાં ૪૦ વર્ષમાં આ અગાઉ કોઈ પણ ભારતીય મહિલા અધિકારીને આ સ્થાન પર ફરજ બજાવવા માટે મૂકવામાં નથી આવ્યા.
સિયાચીનમાં શિવા ચૌહાણની પોસ્ટિંગ થઈ ત્યાર બાદ સુરક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને સ્વયં વડા પ્રધાન મોદીએ તેને અભિનંદન આપ્યા હતા. શિવા ચૌહાણને બિરદાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેને ‘નારી શક્તિ’ કહી હતી. શિવા ચૌહાણને અભિનંદ આપતા કરેલી ટ્વિટમાં નરેન્દ્ર મોદીએ લખ્યું હતું કે (શિવા ચૌહાણ માટે) “આખો દેશ ગૌરવ અનુભવી રહ્યો છે. તે ભારતની નારી શક્તિનું જ્વલંત ઉદાહરણ છે.
શિવા ચૌહાણની નાની બહેન શુભમે કહ્યું હતું કે સિયાચીન જવા માટે જેવી ટ્રેનિંગ અત્યાર સુધી પુરુષ સૈનિકોને આપવામાં આવે છે એવી જ કઠિન તાલીમમાંથી તેણે પણ પસાર થવું પડ્યું હતું. તેણે સિયાચીન બેટલ સ્કૂલ ખાતે ટ્રેનિંગ લેવી પડી હતી. જેમાં થીજી જવાય એવી ઠંડી સહન કરવાની, બરફની દીવાલ પર ચડવાની, હિમસ્ખલન અથવા બરફમાં તિરાડો
પડે ત્યારે કેવી રીતે બચવું, સર્વાઈવલ ડ્રીલ વગેરેમાંથી પસાર થવું પડ્યું હતું.
આ અગાઉ શિવા ચૌહાણે સિયાચીન વોર મેમોરિયલથી લઈને કારગીલ વોર મેમોરિયલ સુધીનું ૫૦૮ કિલોમીટરનું સાઇકલ અભિયાન કર્યું હતું જેમાં તેણે સુરા-સોઈ એન્જિન્યર રેજિમેન્ટ સાઈકલ અભિયાનમાં પુરુષ સૈનિકોનું નેતૃત્વ કર્યું હતું. તેના આ પરાક્રમને પગલે તેને સિયાચીન બેટલ સ્કૂલમાં તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ તેની નિમણૂક કરાઈ હતી.
સિયાચીન ખાતે ૮૦ ટકા પોસ્ટ ૧૬૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલી છે અને સૌથી ઊંચી પોસ્ટ ૨૧,૦૦૦ ફૂટ પર છે. શિવા ચૌહાણ તેની ટીમની લીડર છે અને સિવિલ એન્જિનિયર તરીકે તેણે અનેક પ્રકારના એન્જિનિયરીંગ કાર્યો કરવાના રહેશે.
આપણા માટે એ ગર્વ અને આનંદની વાત છે કે ભારતીય સૈન્ય વિભાગ હવે મહિલા અધિકારીઓને પણ વિવિધ તક આપે છે જે અત્યાર સુધી ફક્ત પુરુષોને જ મળતી હતી. યુનિફોર્મ ધરાવતી મહિલાઓ પણ મુખ્ય પ્રવાહમાં આવીને દેશની રક્ષા-સુરક્ષાના કાર્યમાં સામેલ થઈ રહી છે.