Homeટોપ ન્યૂઝવંચિત આઘાડી સાથે શિવસેનાની યુતિ: ભાજપ માટે જોખમી વિદર્ભ અને મરાઠવાડામાં પ્રકાશ...

વંચિત આઘાડી સાથે શિવસેનાની યુતિ: ભાજપ માટે જોખમી વિદર્ભ અને મરાઠવાડામાં પ્રકાશ આંબેડકરના ઘણા ટેકેદારો છે

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવશક્તિ-ભીમશક્તિ એક થવાના નામે પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડી સાથે શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) પક્ષે યુતિ કરી તેને કારણે ભાજપના ટેન્શનમાં વધારો થઈ શકે છે.
ભાજપે લોકસભા માટે મિશન 45 ઝુંબેશ ચાલુ કરી છે અને પ્રકાશ આંબેડકરનો પક્ષ શિવસેના અને પરિણામે મહાવિકાસ આઘાડીનો ઘટક બની જાય તો ભાજપને લોકસભાની ચૂંટણીમાં નુકસાન ઉઠાવવું પડશે એવું માનવામાં આવી રહ્યું છે.
વાસ્તવમાં પ્રકાશ આંબેડકરે અત્યાર સુધીના રાજકારણમાં અનેક રાજકીય પક્ષો સાથે જોડાણ કર્યું છે, પરંતુ તેઓ ખાસ કોઈ પ્રદર્શન કરી શક્યા નથી. આમ છતાં મહાવિકાસ આઘાડી સાથેનું તેમનું ગઠન ભાજપની મુશ્કેલી વધારી શકે છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને રાજ્યમાં જે સફળતા મળી તેમાં વંચિતની ભૂમિકા ઘણી મોટી છે. ગયા વખતે ઓછામાં ઓછી સાત બેઠકો એવી હતી, જેમાં વંચિતના ઉમેદવારોને કારણે કૉંગ્રેસ અથવા એનસીપીએ લોકસભાની બેઠક ગુમાવી હતી. આ બધી બેઠકો મોટા ભાગે વિદર્ભ અને મરાઠવાડા વિસ્તારમાં છે. વિધાનસભામાં પણ ઓછામાં ઓછી 10 બેઠકો વંચિત આઘાડીને કારણે ભાજપ-સેના યુતિને મળી હતી. આ બધા ગણિતમાં નવી યુતિથી મોટું નુકસાન થઈ શકે છે.

વંચિત સાથે શિવસેનાની યુતિથી અમને કોઈ તકલીફ નથી: અજિત પવાર
મુંબઈ: પ્રકાશ આંબેડકરની વંચિત બહુજન આઘાડીની સાથે શિવસેનાની યુતિ એનસીપીસુપ્રીમો શરદ પવારને પસંદ પડી ન હોવાના અહેવાલો વહેતા થયા હતા તે બાબતે ખુલાસો કરતાં એનસીપીના નેતા અને વિધાનસભામાં વિપક્ષી નેતા અજિત પવારે મંગળવારે કહ્યું હતું કે એનસીપીને વંચિત-શિવસેનાના ગઠબંધન સામે કોઈ વાંધો નથી. રાજ્યની વિવિધ મનપાની ચૂંટણીમાં વંચિતના સાથનો લાભ મહાવિકાસ આઘાડીને મળશે. તેમણે એમ પણ કહ્યું કે મુંબઈ મનપાની ચૂંટણીમાં એનસીપી શિવસેના (ઉદ્ધવ ઠાકરે) સાથે રહેવા માગે છે.
જોકે તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મહાવિકાસ આઘાડીમાં દરેક પક્ષે પોતપોતાના મિત્રપક્ષોને સંભાળવા.
આનો અર્થ એવો થાય છે કે જો શિવસેના વંચિત સાથે યુતિ કરે તો તેને પોતાના ભાગમાંથી વંચિતને ઉમેદવારી આપવી પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

RELATED ARTICLES

Latest Post

- Advertisment -

Most Popular

- Advertisment -