(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકનાથ શિંદેના બળવાને કારણે મહારાષ્ટ્રમાં શિવસેના બે ટુકડામાં વહેંચાઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેના જૂથને જોડીને લોકો શિંદે જૂથમાં જોડાઈ રહ્યા છે ત્યારે આગામી થાણે મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરેની શિવસેનાનો જ મેયર બેસશે એવો દાવો વિધાન પરિષદના વિરોધી પક્ષનેતા અંબાદાસ દાનવેએ કર્યો છે.
શિવસેનાની પાછળ જનતાનો આશીર્વાદ છે. તેથી ગદ્દારો કેટલો પણ પ્રયત્ન કરશે તો પણ થાણેમાં શિવસેનાનો જ (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) મેયર અને નાયબ મેયર બનશે એવો દાવો અંબાદાસ દાનવેએ કર્યો હતો.
થાણેમાં શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે) અને વૈષ્ણવી પ્રતિષ્ઠાન તરફથી 12 ફેબ્રુઆરી સુધીનો આઠ દિવસના મહારાષ્ટ્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ઘોડબંદર રોડ, આનંદ નગરમાં પાલિકાના મેદાનમાં યોજાયેલા આ કાર્યક્રમમાં અંબાદાસ દાનવેએ કહ્યું હતું કે ગદ્દારોને મહારાષ્ટ્ર કદી માફ નહીં કરે. ચૂંટણીનો ડર હોવાથી રાજ્યની ખોકા સરકાર સામ-દામ દંડ-ભેદ વાપરીને ફોડાફોડીનું રાજકારણ કરી રહી હોવાનો આક્ષેપ પણ દાનવેએ કર્યો હતો.
શિંદે સરકાર પર ટીકા કરતા તેમણે કહ્યું હતું કે થાણેમાં આ રીતે લોકોને ફોડવાનું કામ ચાલી રહ્યું છે. જોકે કેટલા પણ પ્રયત્ન તેઓ કરશે તો પણ થાણે પાલિકા પર શિવસેનાનો જ ભગવો ફરકવાનો છે. મહારાષ્ટ્ર એ છત્રપતિ શિવાજી મહારાજની છે. અહીં તાનાજી માલુસરે બાજીપ્રભુ દેશપાંડે જેવાં નવરત્નો જન્મેલાં છે. આવી પવિત્ર માટીમાં હવે ગદ્દારો પણ નિર્માણ થયા છે, તે મહારાષ્ટ્રનું દુર્દૈવ છે.