મુંબઈ: શિવસેના (ઉબાઠા)ના નેતા સંજય રાઉતે રવિવારે એવો દાવો કર્યો હતો કે શિવસેના પક્ષનું નામ અને ધનુષ્ય-બાણનું ચિહ્ન ‘ખરીદવા’ની પાછળ અત્યાર સુધીમાં રૂ. ૨,૦૦૦ કરોડનો સોદો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે પક્ષનું નામ અને ચિહ્ન મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને આપવાનો નિર્ણય લીધાના બે દિવસે સંજય રાઉતે ઉપરોક્ત આક્ષેપ કર્યો હતો.
વિધાનસભ્ય સદા સરવણકરે આ દાવાને રદિયો આપતાં એવો સવાલ કર્યો હતો કે શું સંજય રાઉત કેશિયર છે?
સંજય રાઉતે રવિવારે એક ટ્વિટ કરીને એવો દાવો કર્યો હતો કે રૂ. ૨૦૦૦ કરોડ તો પ્રાથમિક આંકડો છે અને આ ૧૦૦ ટકા સાચી વાત છે.
તેમણે એમ પણ કહ્યું હતું કે સત્તાધારી પાર્ટીની
નજીકના એક બિલ્ડરે જ આ માહિતી તેમને આપી છે.
તેમણે એવો પણ દાવો કર્યો હતો કે તેમની પાસે પોતાના દાવાના પુરાવા છે અને તે ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે શિવસેનાનું નામ ખરીદવા માટે રૂ. ૨૦૦૦ કરોડની રકમ નાની ન કહેવાય. ચૂંટણી પંચનો નિર્ણય એક સોદો છે, એવો આક્ષેપ તેમણે કર્યો હતો.
ભાજપના નેતા મુનગંટીવારે કહ્યું હતું કે આવી ટિપ્પણીઓ સુપ્રીમ કોર્ટ અને ચૂંટણી પંચ જેવી સ્વાયત્ત સંસ્થાઓની છબી ખરડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લોકતંત્રનું અપમાન કરનારાને લોકો પાઠ ભણાવશે, એમ પણ તેમણે કહ્યું હતું.