મુંબઈ: શરદ પવારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ હવે પાર્ટીના નવા અધ્યક્ષ કોણ હશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આ રેસમાં અનેક નેતાઓના નામ ચર્ચામાં છે, જેમાં શિવસેનાએ અજિતદાદા પવાર નામ મહોર મારતા પહેલા ચેતવણી આપી છે. જોકે આ અંગે હજુ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. હવે શિવસેના (ઉદ્વવ ઠાકરે જૂથ)એ તેના મુખપત્ર “સામના” સંકેત આપ્યો છે કે તે એનસીપી નવા પ્રમુખ તરીકે કયા નેતાને જોવા માંગે છે પણ પસંદગી કરવામાં સાવધાની રાખવી જોઈએ. શિવસેનાએ તંત્રીલેખમાં અજિત પવાર પર અવિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે સુપ્રિયા પર વિશ્વાસ કર્યો છે.
તંત્રીલેખમાં લખવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સંભાળવા સક્ષમ નેતાની પસંદગી કરતી વખતે સાવધાની રાખવી પડશે. અજિત પવારના નિવેદનનો ઉલ્લેખ કરતા લખ્યું હતું કે શરદ પવારે રાજીનામું પાછું ખેંચી લેવું જોઈએ. આ મુદ્દે દરેક નેતાઓ આવી માગણી કરી રહ્યા છે. પરંતુ અજિત પવારે અલગ ભૂમિકા અપનાવી હતી. આ મુદ્દે તેમણે પવાર સાહેબે રાજીનામું આપ્યું છે પણ તેઓ પાછું લેશે નહીં અને તેમની સંમતિથી બીજા પ્રમુખની પસંદગી કરવામાં આવશે’, એમ અજિત પવારે સ્પષ્ટતા કરી હતી. અજિત પવારનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના મુખ્ય પ્રધાન બનવાનો છે. જોકે સુપ્રિયા દિલ્હીમાં રહે છે પણ ત્યાં સારી પકડ ધરાવે છે અને કામકાજ પણ સારી રીતે કરી જાણે છે. ભવિષ્યમાં જો સુકાન મળે તો પિતાના માફક સખત મહેનત કરીને ઊંચાઈ પર પહોંચવા પ્રયાસ કરવો જોઈએ.
ટુંકમાં શિવસેનાએ અજિત પવાર પર પરોક્ષ રીતે અવિશ્વાસ વ્યક્ત કર્યો છે, જ્યારે સીધી રીતે શરદ પવારની પુત્રી સુપ્રિયાના નામ પર લીલીઝંડી આપી હતી. હાલમાં આ મુદ્દે એવું પણ માનવામાં આવે છે કે 6 મેના આવતીકાલે મળનારી એનસીપીની કોર કમિટીની બેઠકમાં નવા પ્રમુખ કોણ હશે તે અંગે નિર્ણય લેવામાં આવશે.