શિવ રહસ્ય -ભરત પટેલ
ગત સપ્તાહ સુધીનો સારાંશ: આહુકા અને રાહુકાનો ઉદ્ધાર કરી ભગવાન શિવ પરત કૈલાસ પધારે છે. કૈલાસ ખાતે અશોકસુંદરી, ભગવાન ગણેશ માતા પાર્વતી સાથે ક્રિડા કરતા હોય છે. તેમને જ્ઞાત નથી કે તેમની પાછળ ભગવાન શિવ ઊભા છે. તેઓ પાછળ આવતાં જ ભગવાન શિવનો સ્પર્શ થાય છે.
ભગવાન શિવનો સ્પર્શ થતાં જ માતા આંખો ખોલે છે અને ક્યાં જઈ આવ્યા તેની વિગત જાણે છે. ભગવાન શિવ, માતા પાર્વતી, અશોકસુંદરી અને ભગવાન ગણેશ ક્રિડા કરે છે.
સમગ્ર કૈલાસ પર ખુશીનો માહોલ છવાઈ જાય છે. ક્રિડા બાદ અશોકસુંદરી પૂછે છે. ‘પિતાજી માનવીઓ પોતાના જીવનમાં પ્રથમ સાંસારિક સુખ ભોગવે છે અને અંતમાં તપસ્યા કરે છે, પણ મેં એ અનુભવ્યું કે માનવીઓ જો પહેલાં તપસ્યા કરે અને પછી સાંસારિક જીવન જીવે તો તેમનું જીવન ઉચ્ચ સ્તરનું હશે, હવે તપસ્યા પૂર્ણ થતાં હું પણ સાંસારિક જીવન જીવવા તત્પર છું.
ભગવાન શિવ: ‘મને એવી અપેક્ષા છે અશોકસુંદરી કે તમે તમારું સાંસારિક જીવન એવું નિભાવશો કે એ એક ઉદાહરણરૂપે પ્રસ્તુત થશે અને યુગોયુગો સુધી મનુષ્યો યાદ રાખશે.’
ભગવાન ગણેશ: ‘પિતાજી, મેં મહારાજા આયુને વચન આપ્યું છે કે થોડા જ દિવસોમાં આપ (ભગવાન શિવ) અશોકસુંદરીના વિવાહનો પ્રસ્તાવ લઈ તમારી સમક્ષ ઉપસ્થિત થશે.’
ભગવાન શિવ: ‘અવશ્ય પુત્ર, તમારી જે ઈચ્છા છે એવી ઇચ્છા તમારી માતા અને મારી પણ છે અમે બંને ટૂંક સમયમાં જ અશોકસુંદરીના વિવાહનો પ્રસ્તાવ લઈ મહારાજા આયુને મળીશું, પણ આપણે એ સમયની પ્રતીક્ષા કરવી પડશે.’
ભગવાન ગણેશ: ‘પિતાજી મને ભય છે કે, યોગ્ય સમય ન આવ્યો તો… અર્થાત્ નહુશ મોટો જ ન થયો તો…’
આટલું સાંભળતાં અશોકસુંદરી ભગવાન ગણેશને પકડવા જાય છે, ભગવાન ગણેશ આગળ અને અશોકસુંદરી પાછળ. દોડી દોડીને થાકી જતાં અશોકસુંદરી ત્યાં જ બેસી પડે છે અને સમગ્ર કૈલાસ નટખટ નાટિકા જોઈ હાસ્ય કરે છે.
માતા પાર્વતી: ‘મહાદેવ, કૈલાસ પર આ દૃશ્ય જોવા હું કેટલાય વર્ષોથી ઉત્સુક હતી, જીવનમાં એક તરફ અનેક સુખ હોય અને બીજી તરફ પોતાની સમક્ષ કિલ્લોલ કરતાં બાળકો હોય, આ સુખ જોવા દરેક સ્ત્રી તરસતી હોય છે, આ સુખ વગર સૃષ્ટિની સુંદરતાનો કોઈ મોલ નથી. જો અહીં કુમાર કાર્તિકેય પણ હોત તો….’
ભગવાન શિવ: ‘તમારી આ ઈચ્છા જરૂર પૂરી થશે, કુમાર કાર્તિકેયને લેવા હું સ્વયં જઈશ.’
ભગવાન શિવ કુમાર કાર્તિકેયને તેડવાં રાજા નમ્બીના મહેલ પર પહોંચે છે. ભગવાન શિવને જોઈ કુમાર કાર્તિકેય કહે છે, ‘પિતાજી, મારી માતા કેમ છે અને અશોકસુંદરી?’
ભગવાન શિવ: ‘અશોેકસુંદરી અને તમારો ભાઈ ગણેશ તને મળવા અત્યંત વ્યાકુળ છે અને તમને જોવા સૌથી અધીરી તમારી માતા છે.’
કુમાર કાર્તિકેય: ‘ગણેશના જન્મોત્સવ વખતે દરેક દેવગણો આમંત્રિત હતા, તમારા તરફથી કોઈ સંદેશ ન મળતાં મને લાગ્યું કે હવે કૈલાસ પર મારી કોઈ આવશ્યકતા નથી.’
ભગવાન શિવ: ‘આ સત્ય નથી પુત્ર, તમારી માતાના જીવનમાં તમારી અનુપસ્થિતિથી જે અધૂરાપણું ઉદ્ભવ્યું હતું તે આજે એક પુત્ર અને એક પુત્રીના જન્મ બાદ પણ અધૂરું જ છે. તમારું સ્થાન તમારી માતાના હૃદયમાં સૌથી વિશેષ છે. તમારી માતાની હંમેશાં ચાહના રહી છે કે તમે કૈલાસ પરત ફરો. ગણેશના જન્મોત્સવ વખતે તમને અને અશોકસુંદરીને સંદેશ મોકલવામાં ન આવ્યો કારણ કે તમે બંને તમારું લક્ષ્ય અને જીવનના ઉદ્દેશ્યની પરિપૂર્ણતા હેતુ સમર્પિત છો, જો ત્યારે તમને બોલાવ્યા હોત તો તમારા બંનેનું ઉદ્દેશ્ય પરિપૂર્ણ ન થાત અને એ સૃષ્ટિ સંચાલન માટે નુકસાનકારક હોત. દરેક મનુષ્ય માટે બે આંખ, બે હાથ અને બે પગનું જેટલું મહત્ત્વ છે એટલું જ મહત્ત્વ દરેક માતા-પિતાને પોતાના દરેક સંતાન પ્રત્યે છે. પ્રત્યેક બાળક માતા-પિતાના અંગ સમાન છે. કુમાર તમે શિવ પરિવારમાં સૌથી મોટા પુત્ર છો, મારા અને પાર્વતીના હૃદયમાં તમારું સ્થાન કોઈ નહીં લઈ શકે. તમારા નેતૃત્વમાં દક્ષિણની સેનાએ અસુરોને મારી હટાવ્યા છે અહીંનો પ્રદેશ હવે સુરક્ષિત છે, હલે કૈલાસ જવાનો સમય થઈ ગયો છે. ચાલો તમારી માતા પ્રતિક્ષા કરી રહી છે.
ૄૄૄ
ભગવાન શિવ કુમાર કાર્તિકેયને કૈલાસ પરત આવવાનું કહી પરત કૈલાસ ફરે છે. કુમાર કાર્તિકેય નમ્બી રાજા સાથે ચર્ચાવિચારણા કરે છે. રાજા નમ્બી કુમાર કાર્તિકેયને રાજીખુશીથી કૈલાસ જવાની અનુમતી આપે છે અને તેમના પ્રદેશના સૈનિકોની સભા બોલાવે છે.
રાજા નમ્બી: ‘અહીં ઉપસ્થિત વીર યોદ્ધાઓનું સ્વાગત છે, તમને જાણ છે કે સેનાપતી મુરુગન (કુમાર કાર્તિકેય)ની આગેવાનીમાં વિશ્ર્વ વિજય અભિયાન હેઠળ તમે અસુર સામ્રાજ્યનો વધારો થતાં રોકી દીધો છે, તમારી ઉપસ્થિતિમાં અસુર સેના અહીં હુમલો કરવાની હિંમત કરી શકતી નથી, આપણો પ્રદેશ હવે સુરક્ષિત થઈ ગયો હોવાથી સેનાપતિ મુરુગન (કુમાર કાર્તિકેય)ને તેમની માતા દેવી પાર્વતી ફરી કૈલાસ બોલાવી રહ્યા છે.
સેનાપતિ મુરુગન ઘણા સમયથી
અહીં હોવાથી તેમણે કૈલાસ પરત ફરવું અનિવાર્ય છે. આપણા પ્રદેશમાં સેનાપતિ મુુરુગનની ગેરહાજરીથી અસુર સેનાનો કદાચ ઉત્સાહ વધી શકે છે. એ પરિસ્થિતિમાં આપ પર આપણા પ્રદેશની સુરક્ષાની જવાબદારી આવી શકે. કોઈપણ ઘડીએ અસુરસેના આક્રમણ કરે તો તૈયાર રહેવા વિનંતી.
કુમાર કાર્તિકેય: ‘વીર યોદ્ધાઓ તમારા સહકાર્યથી મારા પિતા ભગવાન શિવ દ્વારા આપવામાં આવેલું દાયિત્વ હું નિભાવી શક્યો છું. ઘણા વર્ષોથી હું કૈલાસથી દૂર છું, ત્યાં ઘણી જવાબદારીઓ મારા પર આવવાની છે, દક્ષિણના પ્રદેશ સાથે મારો સંબંધ એટલો ગાઢ બંધાયો છે કે સમય અને જવાબદારી મને અહીં આવતા રોકી શકશે નહીં, હું એકના એક દિવસ જરૂર આવીશ.
ૄૄૄ
દક્ષિણથી વિદાય લઈ કુમ્ાાર કાર્તિકેય કૈલાસ પહોંચે છે. ક્રિડા કરતાં અશોકસુંદરી અને ભગવાન ગણેશ તેમને જોઈ હર્ષ અનુભવે છે. અશોકસુંદરી દોડીને કુમાર કાર્તિકેયને ભેટી પડે છે.
કુમાર કાર્તિકેય: ‘જુઓ તો ખરા મારી બહેન કેટલી મોટી થઈ ગઈ છે અને મારો અનુજ પણ ઘણો મોટો થઈ ગયો છે.’
ભગવાન ગણેશ પણ કુમાર કાર્તિકેયને ભેટી પડે છે અને આશીર્વાદ લેતાં કહે છે: ‘હું તમારો નાનો ભાઈ છું આશીર્વાદ આપો.’
કુમાર કાર્તિકેય: ‘જીવનમાં હંમેશાં સફળ થાઓ.’
અશોકસુંદરી: ‘ભાઈ ગણેશને હું જ્યારથી મળી છું તેમની સામે ક્રિડામાં કોઈ જીતતું જ નથી.’
કુમાર કાર્તિકેય: ‘ચાલો ગણેશ આપણે ક્રિડા કરીએ.’
ભગવાન ગણેશ: ‘ચાલો ભાઈ, હું
પણ આ બધા શિવગણોને હરાવી હરાવીને થાકી ગયો છું, નવો ખેલાડી મળે તો મજા આવે.’
અશોકસુંદરી દડાને લાંબે ફેંકે છે ભગવાન ગણેશ અને કુમાર કાર્તિકેય એને પકડવા દોડે છે. દોડ દરમિયાન માતા પાર્વતી ત્યાં પધારે છે.
માતા પાર્વતી: ‘કુમાર કાર્તિકેય…’
માતાની હાંક સાંભળતા જ ભગવાન ગણેશ અને કુમાર કાર્તિકેય દોડની મધ્યમાં જ અટકી જાય છે.
માતાની હાક પાછળથી સંભળાતા કુમાર કાર્તિકેય પાછળ જુએ છે અને માતા પાર્વતીના ચરણસ્પર્શ કરતાં માતા પાર્વતી તેને આશીર્વાદ આપે છે.
માતા પાર્વતી: ‘આ શું? તમે મળતાં જ ખેલ શરૂ કરી દીધો.’
ભગવાન ગણેશ: ‘માતા હું તો ઘણા સમયથી ભાઈ કાર્તિકેયની પ્રતીક્ષા કરતો હતો કે તેઓ ક્યારે અહીં આવે અને મારી સાથે રમે. હું ઘણા સમયથી ઇચ્છતો હતો કે કોઈ શૂરવીરને હરાવું.’
કુમાર કાર્તિકેય: ‘ગણેશ એટલું સમજી લો કે માતા આવી ગયા એટલે તમે બચી ગયા અન્યથા તમે ખેલમાં હારી જ જવાના હતા.’
ભગવાન ગણેશ: ‘ભાઈ કાર્તિકેય, ખેલ તો ફરી શરૂ કરી શકીએ છીએ.’
માતા પાર્વતી: ‘નહીં ગણેશ કુમાર કાર્તિકેય ઘણા વર્ષો બાદ કૈલાસ આવ્યા છે અને હવે તે અહીં જ રહેશે, પ્રથમ તમારા પિતાના આશીર્વાદ લેવા જરૂરી છે.’
(ક્રમશ:)