મુંબઈઃ નાશિક-શિર્ડી હાઈવે પર વાવી નજીક સવારે થયેલાં ગમખ્વાર અકસ્માતમાં હવે ચોંકાવનારી બાબત સામે આવી છે. જેમાં ખાનગી બસ અને ટ્રકની ટક્કર થઈ હતી. આ અકસ્માતે રાજ્યના રસ્તા સુરક્ષા અભિયાનની પોલ ખોલી નાખી છે. પૂર્ણપણે અનફિટ વાહનો રસ્તા પર દોડી રહ્યા હોવાને કારણે નાગરિકોના જીવ પર જોખમ તોળાઈ રહ્યું છે.
ટ્રક નંબર MH 48 T 1295નું ફિટનેસ સર્ટિફિકેટ 20મી ડિસેમ્બરના જ પૂરું થઈ ગયું હતું અને બસ નંબર MH 04 FK 2751ને પનવેલ આરટીઓ દ્વારા દંડ ફટકારી-ફટકારીને બ્લેક લિસ્ટ કરી નાખવામાં આવ્યો આવ્યો હોવાની માહિતી સરકારની એમ પરિવહન એપ પરથી જાણવા મળી છે.
નાશિક જિલ્લામાં થયેલો આ બીજો અકસ્માત છે. આ પહેલાં આઠમી ઓક્ટોબરના ખાનગી બસે ટ્રેલર વચ્ચે થયેલી અથડામણમાં 12 પ્રવાસીઓ આગમાં બળીને મરી ગયા હતા. ત્યાર બાદ હવે આ ખાનગી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 10 સાંઈભક્તો મોતને ભેટ્યા હતા. આ અકસ્માતને કારણે રાજ્યના પરિવહન વિભાગની કાર્યપ્રણાલી સામે ફરી સવાલો ઉપસ્થિત કર્યા છે.
અકસ્માતગ્રસ્ત થયેલાં બંને વાહનોમાં ફોલ્ટ હોવાનું સરકારની પરિવહન એપ પર દેખાઈ રહ્યું છે. આ સિવાય ટ્રક અનફિટ અને રસ્તા પર ચલાવવા યોગ્ય નહોતું તેમ છતાં આવું અનફિટ ટક રસ્તા પર કઈ રીતે અને કોની દયાથી દોડી રહ્યા છે એવો સવાલ ઉપસ્થિત કરવામાં આવી રહ્યો છે.
11મી જાન્યુઆરીના જ રાજ્યના પરિવહન વિભાગના રસ્તા સુરક્ષા અભિયાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં પરિવહન વિભાગના વડા દ્વારા પાંચ વર્ષમાં અકસ્માનું પ્રમાણ ઘટાડીને 50 ટકા કરવાનું આશ્ર્વાસન આપવામાં આવ્યું હતું. પણ આ અભિયાનના ઉદ્ઘાટનના ત્રીજા જ દિવસે અનફિટ વાહનને કારણે થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી હતી.