આગામી જૂન સુધી ભારત સોયા અને સૂર્યમુખી તેલની ડ્યૂટીમુક્ત આયાત જાળવી રાખશે
મુંબઈ: ટેરિફ રેટ ક્વૉટા હેઠળ ગત ૩૧મી માર્ચ પૂર્વે શિપમેન્ટ થયેલા કાર્ગો બંદર પર પહોંચ્યા બાદ આયાત નિયમોની સ્પષ્ટતાના અભાવે અટવાઈ ગયા બાદ ભારત સરકારે આજે સ્પષ્ટતા કરી હતી કે ગત ૩૧મી માર્ચ પૂર્વે શિપમેન્ટ થયેલા સોયાતેલ અને સૂર્યમુખી તેલની આગામી જૂનના અંત સુધી ડ્યૂટીમુક્ત આયાત જાળવી રાખશે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ટેરિફ રેટ ક્વૉટા હેઠળના આયાત થયેલા અંદાજે ૯૦,૦૦૦ ટનના કાર્ગો ભારતીય બંદર પર અટવાયા છે અને અંદાજે ૧,૮૦,૦૦૦ ટનના કાર્ગો રસ્તામાં અથવા તો મધદરિયે ટ્રાન્ઝિસ્ટમાં છે. આ તમામ માલનું લોડિંગ સરકારી સમયમર્યાદા પૂર્વે અથવા તો ગત ૩૧મી માર્ચ પૂર્વે થયું હતું. જોકે, અમુક શિપમેન્ટ બંદર પર અટવાયા છે જે આ સ્પષ્ટતા બાદ હવે દેશમાં પ્રવેશશે, એમ સનવિન જૂથના ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર સંદીપ બાજોરિયાએ જણાવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે ભારત આર્જેન્ટિના, બ્રાઝિલ અને અમેરિકાથી સોયાતેલની અને રશિયા તથા યુક્રેન ખાતેથી સન તેલની આયાત કરે છે.
જોકે, સરકારે વર્તમાન નાણાકીય વર્ષના આરંભ અર્થાત્ ગત પહેલી એપ્રિલથી ક્રૂડ સનફ્લાવર અને સોયાતેલનો ૨૦ લાખ ટનનો ટેરિફ રેટ ક્વૉટા નાબૂદ કર્યો હતો. સરકારનાં નોટિફિકેશનથી આયાતકારોએ રાહતનો શ્ર્વાસ જરૂર લીધો છે, પરંતુ આયાતને કારણે સ્થાનિકમાં તેલીબિયાંના ભાવ દબાણ હેઠળ આવશે અને ખેડૂતોની આવકો સંકડાશે, એમ સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિયેશન ઑફ ઈન્ડિયાનાં એક્ઝિક્યુટીવ ડિરેક્ટર બી. વી. મહેતાએ જણાવ્યું હતું. ભારત મુખ્યત્વે મલયેશિયા અને ઈન્ડોનેશિયાથી પામતેલની આયાત કરે છે. ગત એપ્રિલ મહિનામાં દેશમાં પામતેલની આયાતમાં આગલા માર્ચની સરખામણીમાં ૩૦ ટકા ઘટીને ૧૪ મહિનાની નીચી સપાટીએ રહી હતી, કેમ કે પામતેલની સરખામણીમાં સોયા અને સન જેવાં સોફ્ટતેલના ભાવ પ્રમાણમાં ઓછા રહ્યા હતા.