મુબઈઃ શિવસેનામાંથી બળવો કરી અને ઉદ્ધવ ઠાકરેની સત્તા પલટાવનાર વર્તમાન મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હવે મુંબઇની મહાપાલિકા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. આગામી સમયમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સામે મહાનગર પાલિકાની ચૂંટણીનો પડકાર હશે. તેમાં પણ મુંબઇ મહાનગર પાલિકા સૌથી મહત્વની રહેશે.
ઉદ્ધવ ઠાકરેના હાથમાંથી રાજ્યની સરકાર લઇ લીધા બાદ છેલ્લાં 25 વર્ષોથી ઉદ્ધવ ઠાકરેના હાથમાં રહેલ મહાપાલિકાની સત્તા પણ પોતાને હસ્તક લઇ લેવાના પ્રયાસો શિંદે જૂથે શરુ કરી દીધા છે. જેના ભાગ રુપે હવે શિંદે મુંબઇમાં ‘મિશન મુંબઇ’ શરુ કરવા જઇ રહ્યાં છે.મુંબઇ મહાનગર પાલિકામાં ઠાકરે કે શિંદેનો કેસરિયો લહેરાશે તેની ચર્ચા ચાલી રહી છે.
આગામી દિવસોમાં તમામ પક્ષો પોતાનો ઝંડો મહાનગર પાલિકા પર ફરકાવાના સપના જોઇ રહ્યાં છે. ત્યાં ટીમ એકનાથ શિંદે પોતાનો કેસરિયો ફરકાવવાની તૈયારી પણ શરુ કરી દીધી છે. પક્ષમાં નવા આવેલા પૂર્વ નગરસેવકો સાથે બેઠકો શરુ થઇ ગઇ છે. આગામી દિવસોમાં શિવસેના ઠાકરે જૂથના વધુ પૂર્વ નગરસેવકો શિંદે જૂથ સાથે જોડાય તેવી શક્યાતાઓ છે. તેથી ભવિષ્યમાં ભાજપના સહકાર સાથે નગર પાલિકામાં વધારેમાં વધારે બેઠકો જીતવાનો પ્રયત્ન શિવસેના શિંદે જૂથ અને ભાજપ કરી રહી છે.
આ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ખાસ આયોજન કર્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર સર્વસામાન્ય લોકોના કામો સ્થાનિક સ્તરે થાય, એમને વિવિધ યોજનાઓનો લાભ મળે તે માટે સરકાર છેક મુંબઇના દરેક વોર્ડ સુધી જશે. સરકારની યોજનાઓની યાત્રા વહેલી તકે શરુ કરવામાં આવનાર છે. જેથી મુંબઇના અંતરિયાળ વિસ્તાર સુધી તમામ સરકારી યોજનાઓનો લાભ લઇ શકે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જલ્દી જ આ અભિયાન મુંબઇના દરેક વોર્ડમાં શરુ કરવામાં આવશે. બાળાસાહેબ ઠાકરે દવાખાનાની સંખ્યા પણ વધારવામાં આવશે.
આગામી મહાનગર પાલિકાની ચૂંટણી શિવસેના ઠાકરે જૂથ અને ભાજપ સાથે મળીને લઢશે. ભલે ભાજપનો સાથ હશે છતાં શિંદે જૂથ માટે આ પહેલી જ ચૂંટણી હશે. બળવો થયો એ પહેલાં શિંદે – ઠાકરેએ સાથે મળીને ચૂંટણી લડ્યા છે, તેથી આ વખતે શિંદે જૂથની સાચી અગ્નિપરીક્ષા હશે, તેથી હવે શિંદે અને ઠાકરે બંને જૂથનું ધ્યાન મુંબઇ મહાનગર પાલિકા પર છે.
શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથના મુંબઇમાં 95 નગરસેવક છે. અત્યાર સુધીમાં એમાંથી 2017માં ચૂંટાયેલા 10 પૂર્વ નગરસેવક શિંદે જૂથમાં આવી ગયા છે. તે પહેલાંના 11 પૂર્વ નગરસેવક પણ શિંદેની શિવસેના સાથે છે. ચૂંટણીની જાહેરાત થતાં જ દુભાયેલા, ટિકિટ નહીં મળવાને કારણે ટિકિટની લાલચમાં અનેક લોકો શિંદે જૂથમાં સામેલ થવાની શક્યાતાઓ છે. આવા તમામ નારાજ વ્યક્તિઓને હાલમાં શિંદે જૂથ શોધી રહ્યું છે.